મિત્ર, અમર (જ. 30 ઑગસ્ટ 1951, ધુલિતિઆર, જિ. ખુલના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી નવલકથાકાર. તેમણે બી.એસસી.ની પદવી મેળવી. પછી પશ્ચિમ બંગાળ સરકારની સેવામાં તેઓ જોડાયા અને હાલ તેમાં કાર્યરત છે.

અમર મિત્ર

તેમણે 26 પુસ્તકો આપ્યાં છે. તેમાં શરૂઆતની કૃતિઓ ‘માઠ ભાંગે કાલપુરુષ’ (1978), ‘શ્રેષ્ઠ ગલ્પ’, ‘નિર્વાચિતો પ્રેમેર ગલ્પ’, ‘આસાન-બાની’ (1993) અને ‘અમર મિત્ર છોટોગલ્પ’ (1994) તેમના વાર્તાસંગ્રહો છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘આલોક વર્ષા’ (1981), ‘અશ્વચરિત’, ‘નિરુદ્દિસ્તર ઉપાખ્યાન’, ‘સમાવેશ’, ‘અગુનેર ગારી’ (1991), ‘સમુદ્રેર સ્વર’ (1993) અને ‘નિસર્ગેર શોકગાથા’(1995)નો સમાવેશ થાય છે.

‘ધ્રુવપુત્ર’ તેમની પુરસ્કૃત નવલકથા છે. આ નવલકથા બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ કૃતિ કાલ્પનિક ઇતિહાસ પર આધારિત ઐતિહાસિક નવલકથા છે. તેમાં પ્રાચીન ભારતનું ચિત્રાંકન અને સમાજના અનેક સ્તરોનાં વિભિન્ન ચરિત્રોની અભિવ્યક્તિ જોવા મળે છે. અહીં વિભિન્ન વર્ગો અને જાતિઓનું દ્વંદ્વ, રાજ્ય અને ધર્મના આંતરસંબંધ, સ્ત્રીઓની દશા વગેરે મુદ્દાઓનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં નિરૂપિત વિષયવસ્તુ આજના સમયમાં પણ પ્રાસંગિક છે અને તેની ભાષાશૈલી વેધક હોવાને કારણે આ કૃતિ બંગાળીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં એક ઉલ્લેખનીય યોગદાન ગણાય છે.

તેમને બંકિમચંદ્ર પુરસ્કાર, કથા પુરસ્કાર, શરતચંદ્ર પુરસ્કાર તથા સમરેશ બસુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા