મિત્તલ, સુનિલ ભારતી

December, 2023

મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ,  ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18 દેશોમાં કાર્યરત અને ગ્રાહકોની કુલ સંખ્યા 399 મિલિયનથી વધારે છે. પિતા સતપાલ મિત્તલ, જેઓ કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ હતા. પ્રાથમિક શિક્ષણ મસૂરીમાં વાયનબર્ગ એલેન સ્કૂલમાં મેળવ્યું. પછી ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1976માં ચંડીગઢમાં પંજાબ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન આર્ય કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી.

સ્નાતક થયા પછી સુનિલે 19 વર્ષની વયે સ્ક્રેપની આયાત કરવાની શરૂઆત કરી. પછી ભારતમાં સાઇકલના ઉત્પાદકો માટે ક્રેંકશાફ્ટ બનાવવાનો પ્રથમ વ્યવસાય શરૂ કર્યો. 1979માં દિલ્હી સ્થળાંતર કર્યું અને સ્ટીલ અને ઝિપ ફાસ્નરની આયાત શરૂ કરીને તેમાં સફળતા મેળવી. 1981માં સુઝુકી જનરેટર્સના જેનસેટના ભારતીય ડિલર બન્યાં અને ટૂંક સમયમાં દુનિયામાં સુઝુકી જનરેટર્સના સૌથી મોટા આયાતકાર બની ગયા. 1980ના દાયકામાં એક પછી એક વ્યવસાયમાં સફળતા મેળવીને સુનિલ મિલિયોનેર બની ગયા. આ દાયકામાં તેમણે તાઇવાનમાંથી ફોનના ઘટકોની આયાત શરૂ કરી અને ભારતીય બજારમાં મિટબ્રો નામની બ્રાન્ડ પ્રસ્તુત કરી. જોગાનુજોગ સરકારે ટેલિકોમ બજારનું ઉદારીકરણ શરૂ કર્યું અને મિત્તલે ટેલિફોન અને હેન્ડસેટનું ઉત્પાદન શરૂ કર્યું. આ બ્રાન્ડનું નામ બીટલ રાખ્યું.

વર્ષ 1992માં સુનિલને મોટી સફળતા મળી અને સરકારે મોબાઇલ ટેલિફોન માટે બિડ મંગાવ્યા. મિત્તલને એરટેલના નામે દિલ્હી સર્કલ માટે લાઇસન્સ મળ્યું. તેમાં સિંગાપોરની સિંગટેલને ભાગીદાર બનાવી. બીજા રાઉન્ડમાં હિમાચલપ્રદેશ માટે લાઇસન્સ મળ્યું. 1999માં ભારતમાં ટેલિકોમ ઉદ્યોગમાં ગળાકાપ સ્પર્ધામાં ઘણી કંપનીઓ દેવાદાર બની અને મિત્તલે તેનો ફાયદો ઉઠાવી કામ બંધ કરતી કંપનીઓ પાસેથી આંધ્ર, કર્ણાટક, ચેન્નાઈ અને પંજાબ માટે લાઇસન્સ ખરીદી લીધા. ત્યારબાદ કોલકાતા સર્કલનું લાઇસન્સ મોદી જૂથ પાસેથી ખરીદી લીધું. એ સમયે એરટેલ મુંબઈ સિવાય ભારતનાં અન્ય તમામ મહાનગરોમાં સેવા આપતી હતી.

 વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકાની ટેલિકમ્યુનિકેશન કંપની એમટીએન ગ્રૂપ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી, જે આફ્રિકા અને મધ્ય પૂર્વમાં 21 દેશોમાં કાર્યરત છે. આ માટે ભારતી એરટેલે 45 અબજ ડૉલરની જંગી ચુકવણી કરવાની તૈયારી દાખવી હતી. પણ દક્ષિણ આફ્રિકાની સરકારે વિરોધ કરતાં વાટાઘાટ પડી ભાંગી. જૂન, 2010માં મિત્તલના નેતૃત્વમાં ભારતીએ આફ્રિકાના ઝૈન ટેલિકોમનો વ્યવસાય 10.7 અબજ ડૉલરમાં ખરીદી લીધો. વર્ષ 2012માં ભારતી ઇન્ફ્રાટેલનો આઇપીઓ આવ્યો અને 760 મિલિયન ડૉલરનું ફંડ ઊભું કર્યું. વર્ષ 2013માં મિત્તલે કૉંગોમાં વારિદ કૉંગો ટેલિકોમ કંપની ખરીદી અને કૉંગોમાં સૌથી મોટી ટેલિકોમ પ્રદાતા કંપની બની. વર્ષ 2015માં મિત્તલે સ્પેસ ઇન્ટરનેટ કંપની વનવેબના બોર્ડમાં જોડાવાની જાહેરાત કરી તથા 500 મિલિયન ડૉલરના રોકાણના રાઉન્ડમાં કોકા કોલા, વિર્જિન અને ક્વાલકોમ સાથે કંપની સામેલ થઈ.

મિત્તલ ભારતી એન્ટરપ્રાઇઝિસની સેવાભાવી સંસ્થા ભારતી ફાઉન્ડેશને ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમાં  શાળાઓની  સ્થાપના કરી. અને ગરીબ બાળકોને નિઃશુલ્ક ધોરણે પુસ્તકો, યુનિફૉર્મ અને મધ્યાહ્ન ભોજન આપે છે. ફાઉન્ડેશનના સત્ય ભારતી સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત છ રાજ્યોમાં 254 શાળાઓ ચાલે છે, જેમાં 45,000 ગ્રામીણ બાળકો અભ્યાસ કરે છે. લર્નિંગ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત 11 રાજ્યોના જરૂરિયતમંદ સાડા ત્રણ લાખ બાળકો જોડાયેલાં છે તે ઉપરાંત સત્ય ભારતી અભિયાન દ્વારા સેનિટેશનનું કામ કરે છે.

વર્ષ 2017માં ભારતી પરિવારે તેમની સંપત્તિનો 10 ટકા હિસ્સો (અંદાજે રૂ. 70 અબજ) સત્ય ભારતી વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવા દાન કર્યો, જે સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના યુવાનોને શિક્ષણ આપશે.

સુનિલ મિત્તલને વર્ષ 2007માં ભારત સરકારનું ત્રીજું સૌથી મોટું નાગરિક સન્માન પહ્મભૂષણ એનાયત થયું. વર્ષ 2023માં ફોર્બ્સ મૅગેઝિને ભારતમાં 10મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સુનિલ ભારતી મિત્તલને સ્થાન આપ્યું. વર્ષ 2008માં જીએસએમ ઍસોસિયેશન્સ ચૅરમૅન્સ ઍવૉર્ડ એનાયત થયો. ફોર્ચ્યુન મૅગેઝિને વર્ષ 2006માં એશિયા બિઝનેસમૅન ઓફ ધ યરનો ખિતાબ આપ્યો.

કેયૂર કોટક