મિત્ર, અશોક [(જ. 10 એપ્રિલ 1928, ઢાકા, (હવે બાંગ્લાદેશ)] : બંગાળના વિશિષ્ટ ગદ્યકાર, અર્થશાસ્ત્રી તથા સમાજશાસ્ત્રી. તેમને નિબંધસંગ્રહ ‘તાલ બેતાલ’ (1994) માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમણે કાશી હિંદુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની તથા નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે વર્ષો સુધી યુનિવર્સિટીમાં અધ્યાપનની સાથોસાથ સંશોધનકાર્ય કર્યું. ભારત સરકારના નાણામંત્રાલયમાં ફરજ પરના ખાસ અધિકારી તરીકે તથા વિદેશોમાં કેટલાય ઉચ્ચ સરકારી હોદ્દા પર રહી કાર્યભાર સંભાળ્યો. 1993થી તેઓ રાજ્યસભાના સભ્ય છે.
તેમણે અત્યાર સુધી(2014)માં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તથા સાહિત્યવિષયક 17 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાં ‘ધ શેર ઑવ્ વેજીજ ઇન નૅશનલ ઇન્કમ’; ‘કવિતા થેકે મિછિલે’ તથા ‘કટિંગ કૉર્નર્સ’ ઉપરાંત એ. કે. દાસગુપ્તા અને સમર સેનના માનમાં પ્રગટ કરેલ સંશોધનગ્રંથોના સંપાદનનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તાલ બેતાલ’ સાંપ્રતકાલીન સામાજિક-આર્થિક પાસાંને લગતો એક પ્રમાણભૂત ગ્રંથ છે. આ નિબંધસંગ્રહમાં વિષમ સામાજિક પરિસ્થિતિઓ સામેની વાસ્તવલક્ષી વિવેચના આલેખાઈ છે. તેમાંનાં વિષય-નિરૂપણ તથા તર્કસંગતતાને કારણે આ નિબંધસંચય બંગાળી વિવેચનસાહિત્યમાં વિશેષ આદર પામ્યો છે. હાલ (2012) તેઓ ભારત સરકારના અર્થશાસ્ત્ર માટેના સલાહકાર મંડળના સભ્ય છે.
બળદેવભાઈ કનીજિયા