મિત્ર, ગજેન્દ્રકુમાર

February, 2002

મિત્ર, ગજેન્દ્રકુમાર (જ. 1 જાન્યુઆરી 1908, કૉલકાતા; અ. 1 જાન્યુઆરી 1994) : અગ્રણી બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમને તેમની નવલકથા ‘કૉલકાતાર કાછેઇ’ (1957) માટે 1959ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

વારાણસી અને કૉલકાતામાં શિક્ષણ લીધા પછી તેઓ પુસ્તકના ધંધામાં પ્રચારક તરીકે જોડાયા. તે કારણે તેમણે બંગાળ, ઓરિસા, બિહાર અને આસામનાં અનેક ગામો તથા શહેરોમાં વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો.

અઠવાડિક ‘ઋત્વિક’માં 1928માં ટૂંકી વાર્તા પ્રગટ કરીને તેમણે તેમની સાહિત્યિક કારકિર્દી શરૂ કરેલી. ત્યારપછી ‘કથાસાહિત્ય’ નામના માસિકના સહતંત્રી તેમજ સંપાદક તરીકે તેમણે ઘણો લાંબો સમય કામગીરી કરી હતી.

રશિયન સરકારના નિમંત્રણથી તેઓ 1978માં રશિયાની મુલાકાતે ગયા હતા. તેમણે અત્યાર સુધીમાં આશરે 40 નવલકથાઓ, 500થી વધુ ટૂંકી વાર્તાઓ અને યુવાવસ્થામાં લખાયેલા 20 ગ્રંથો (juvenilia) પ્રગટ કર્યા છે. તેમણે અસાધારણ અનુભવોના આધારે પ્રેમકથાઓ ઉપરાંત મનોવૈજ્ઞાનિક, ઐતિહાસિક, હાસ્યરસિક અને અલૌકિક વાર્તાઓ લખી છે. તેમની દરેક વાર્તાનો અંત કલાત્મક હોય છે.

તેમની પ્રધાન કૃતિઓ આ પ્રમાણે છે : ‘રાત્રિર તપસ્યા’ (1946); ‘નારી-ઓ-નિયતિ’ (1955); ‘કૉલકાતાર કાછેઇ’ (1957); ‘બાંશિ બન્યા’ (1959); ‘ઉપકંઠે’ (1960); ‘પૌષ ફાગુનેર પાલા’ (1965); ‘એકદા કિ કરિયા’ (1966); ‘આમિ કાન પેતે રઇ’ (1968) અને ‘તબુ મને રેખો’.

તેમની બીજી નવલકથા ‘પૌષ ફાગુનેર પાલા’ માટે તેમને 1965માં પશ્ચિમ બંગાળ સરકારનો રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કૉલકાતાર કાછેઇ’ કરુણાની નવલકથા છે. તેમાં સામાજિક પરિસ્થિતિનું અને વ્યક્તિઓનું વૈવિધ્યસભર ચિત્રાંકન છે. બંગાળનાં નીચલા મધ્યમ વર્ગનાં અને ખાસ કરીને કૉલકાતા શહેરની નજીકનાં ગામોમાં પ્રમાણમાં રૂઢિચુસ્ત અને નિષ્કપટી સમાજમાં શહેરી જીવનનો પ્રભાવ પડવાથી જોવા મળેલી વિચ્છિન્નતા નિરૂપાઈ છે. આ નવલકથામાં ગરીબાઈ, પુરાણાં મૂલ્યોનું ધોવાણ, દુષ્કર આદર્શો માટેની નિરર્થક મથામણ નિમિત્તે વેઠવાની થતી માનવયાતનાનું સુંદર નિરૂપણ છે.

બળદેવભાઈ કનીજિયા