મિત્ર, અરુણ [જ. 1909, જેસોર, બંગાળ (હવે બાંગ્લાદેશમાં); અ. ઑગસ્ટ 2000, કૉલકાતા] : બંગાળી સાહિત્યકાર. તેમના ‘ખુઁજતે ખુઁજતે એત દૂર’ નામના કાવ્યગ્રંથને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે કૉલકાતાના એલાયન્સ ફ્રાંસેમાં ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને એ ભાષામાં તેઓ કાબેલ બની રહ્યા. ફ્રેન્ચ સરકારની શિષ્યવૃત્તિ મેળવી ફ્રેન્ચ સાહિત્યના અભ્યાસ માટે તેઓ ફ્રાન્સ ગયા અને સૉરબૉન (Sorbonne) યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યાંથી આવ્યા પછી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ખૂબ લાંબા વખત સુધી ફ્રેન્ચ ભાષા તથા સાહિત્યનું અધ્યાપન કર્યું. સાહિત્યના સામયિક ‘અરની’ના તેઓ સંપાદક હતા.

બહુમુખી પ્રતિભા ધરાવતા આ લેખકે 8 કાવ્યસંગ્રહો, 1 નવલકથા તથા સાહિત્યિક નિબંધોના 2 સંગ્રહો આપ્યા છે. આમાંથી 1 નિબંધસંગ્રહ કેવળ ફ્રેન્ચ સાહિત્ય વિશે છે. આ ઉપરાંત તેમણે અંગ્રેજી તથા ફ્રેન્ચમાંથી ગદ્ય તેમજ પદ્ય લખાણોના ઘણા અનુવાદો કર્યા છે. તેમણે ફ્રેન્ચમાંથી 8 પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેમાં વૉલ્તેરના ‘કાંદીદ’નો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કાવ્યરચના બદલ અપાતો રવીન્દ્ર પુરસ્કાર 1979માં તેમને અપાયો હતો.

આ પુરસ્કૃત ગ્રંથનાં કાવ્યોમાં જીવનનાં રહસ્યો પામવાની કવિની ખોજનું ચિત્રણ છે. સુસ્પષ્ટ કલ્પનો તથા સાહજિક શૈલીને કારણે આ કૃતિ ઉલ્લેખનીય છે.

મહેશ ચોકસી