મિડલ ઇંગ્લિશ : નૉર્મંડીની જીત(1066)થી માંડીને ઇંગ્લૅંડમાં મુદ્રણકામના પ્રારંભ (1476) સુધીનાં લગભગ 400 વર્ષ દરમિયાન બોલાતી રહેલી અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષાના સૌથી પ્રાચીન સ્વરૂપ જેવી ઓલ્ડ ઇંગ્લિશ તથા તેના અર્વાચીન પ્રકાર સમી મૉડર્ન ઇંગ્લિશ વચ્ચેની આ કડીરૂપ ભાષા છે. તેના મહત્વના પ્રાદેશિક ભાષાવિસ્તારો તરીકે નૉર્ધર્ન, મિડલૅન્ડ તથા સધર્ન વિસ્તારો છે. જોકે આવા પ્રત્યેક વિસ્તારમાં અનેક બોલીઓ કે પેટાભાષાઓ પ્રચલિત હતી; એટલે સુધી કે કેવળ જોડણીના આધારે જ અમુક દસ્તાવેજ કે લખાણ અમુક વિસ્તારનું છે તે નક્કી કરી શકાતું હતું.
વિભક્તિના પ્રત્યયો સરળ બનવાની તથા ઘસાતા જવાની, ઓછા થવાની પ્રક્રિયા મિડલ ઇંગ્લિશના સમયથી જ આરંભાઈ ચૂકી હતી અને એ પ્રક્રિયા પંદરમી સદીના આરંભનાં વર્ષો પર્યંત વણથંભી ચાલુ રહી અને એ ગાળામાં અંત્ય eનો ઉચ્ચાર કરવાની પદ્ધતિ પણ બંધ થઈ. નૉર્મનની જીતના પરિણામે ફ્રેન્ચ શબ્દો અંગ્રેજી ભાષામાં વપરાતા થાય એ અનિવાર્ય હતું; પરંતુ ફ્રેન્ચ ભાષામાંથી શબ્દ અપનાવવાની પ્રક્રિયા તેરમી સદી સુધી વેગીલી ન બની. તેરમી સદી પહેલાં એ બંને ભાષાઓનો વિકાસ એકબીજાથી અલાયદી રીતે થયો. ઍંગ્લો-નૉર્મન અમીર-ઉમરાવ તથા ધનિક સમાજ ફ્રેન્ચ ભાષા બોલતા, જ્યારે તેમની પ્રજા અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરતી. 1204માં જ્યારે રાજા જૉને નૉર્મંડી ગુમાવ્યું ત્યારથી ઍંગ્લો-નૉર્મન વર્તુળોએ અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કર્યું, પણ આ નવી ભાષા શીખવામાં તેમણે પોતાને સુપરિચિત ભાષાના શબ્દો સ્વાભાવિક રીતે જ જાળવી રાખ્યા.
ઓલ્ડ ઇંગ્લિશમાં પ્રમાણભૂત સાહિત્યિક ભાષા હતી; તે ઉત્તરકાલીન (late) વેસ્ટ સૅક્સન તરીકે ઓળખાતી હતી અને સમગ્ર દેશમાં લખાણમાં તેનો જ ઉપયોગ થતો હતો. પૂર્વકાલીન (early) મિડલ ઇંગ્લિશમાં આવી ભાષાની ઊણપ હતી, કારણ કે મોટા ભાગના શિક્ષિત લોકો અંગ્રેજી નહિ, પણ ફ્રેન્ચ કે લૅટિનનો ઉપયોગ કરતા હતા; પરંતુ ચૌદમી સદી પૂરી થતાંમાં ઇંગ્લિશ એક લિખિત ભાષા તરીકે સુનિશ્ચિત બની ચૂકી અને પ્રચલિત સાહિત્યિક ભાષા તરીકે રાજધાની લંડનની ભાષાનો પ્રસાર થયો.
લંડન ઇંગ્લિશમાં મોટા ભાગની વિશેષતાઓ પૂર્વ મિડલૅન્ડની બોલીમાંથી લેવાઈ હતી; પરંતુ તેમાં અન્ય પ્રાદેશિક ભાષાવિસ્તારોનાં તત્વોનો પણ સમાવેશ થયો હતો; દા.ત., ત્રીજા પુરુષ એકવચનનો પ્રત્યય – s ઉત્તરમાંથી પ્રવેશ્યો છે; પૂર્વ મિડલૅન્ડની ભાષામાં – ethનો પ્રયોગ થતો હતો.
મુદ્રણાલયના છાપકામના પરિણામે લંડન ઇંગ્લિશનું પ્રભુત્વ સુનિશ્ચિત બન્યું. દેશના તમામ પ્રદેશોની પ્રજા, જે રીતે લંડનમાં શબ્દો લખાતા (અને બોલાતા) હતા તેનાથી પરિચિત થઈને ટેવાવા માંડી અને છેવટે પોતાને ત્યાં પ્રચલિત જોડણીની પ્રથાને છોડી રાજધાનીની ભાષાની જોડણી તથા તેના ઉચ્ચારો તેણે અપનાવી લીધા. ત્યારપછી લંડનની જોડણીના આધારે ઉચ્ચારણોમાં ઝીણવટભર્યા અને લગાતાર ફેરફાર થતા રહ્યા. મોટા ભાગે મુદ્રણાલય તથા પ્રસારણના પરિણામે મિડલ ઇંગ્લિશની લાક્ષણિકતા બનેલ બોલી-વૈવિધ્ય મૉડર્ન ઇંગ્લિશના સમયમાં ઉત્તરોત્તર નાબૂદ થઈ ગયું.
મહેશ ચોકસી