મિડવે ટાપુ

February, 2002

મિડવે ટાપુ : પૅસિફિક મહાસાગરમાં હૉનોલૂલૂથી વાયવ્યમાં 2090 કિમી.ને અંતરે આવેલ ટાપુ. ભૌગોલિક સ્થાન : 28° 13´ ઉ. અ. અને 177° 22´ પ. રે.. વાસ્તવમાં તે બે ટાપુઓથી બનેલો છે. આ બંને ટાપુઓ 10 કિમી.ના વ્યાસવાળા કંકણાકાર પ્રવાળદ્વીપમાં આવેલા છે. તેમનો વિસ્તાર માત્ર 5 ચોકિમી. જેટલો છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે 30 કિમી. જેટલી છે. આ ટાપુ પર લગભગ 470 માણસોની વસ્તી છે.

યુનાઇટેડ સ્ટેટ્સે 1859માં આ ટાપુની ખોજ કરેલી અને તે પછીથી 1867માં કબજો લેવામાં આવેલો છે. 1903માં યુ.એસ. કંપનીઓએ અહીં કેબલ-પ્રસાર–મથક બાંધેલું છે. 1935માં અહીં હવાઈ મથક બાંધવામાં આવેલું. યુ.એસ.નો નૌકાવિભાગ આ ટાપુઓની દેખરેખ રાખે છે. બીજા વિશ્વયુદ્ધમાં 1942ના જૂનની  બીજીથી છઠ્ઠી દરમિયાન યુ.એસ. અને જાપાનનાં દળો વચ્ચે લડાઈ થયેલી. યુ.એસ.નાં હવાઈ જહાજોએ અહીં જાપાની દળો પર હુમલો કરેલો, ચાર હવાઈ જહાજો અને કૂઝરને તોડી પાડેલાં. યુ.એસ.નાં હવાઈ જહાજોને પણ નુકસાન થયેલું. મિડવે ટાપુ પરની આ લડાઈમાં યુ.એસ.નો જાપાન પરનો પ્રથમ વિજય હતો. જાપાનની નૌકા-હવાઈ શક્તિને આ રીતે તોડી પાડીને આ ટાપુને જાપાનને કબજે જતો અટકાવ્યો, કારણ કે લશ્કરી નિષ્ણાતોના મંતવ્ય મુજબ હવાઈ હુમલા કરી ત્રાટકવા માટે આ ટાપુ જ વ્યૂહાત્મક સ્થાન બની શકે તેમ હતો.

ગિરીશભાઈ પંડ્યા