મિઝોરમ : ભારતની ઈશાન દિશામાં ઈ. સ. 1987થી અસ્તિત્વમાં આવેલું 23મું રાજ્ય. સ્થાનિક ભાષામાં ‘મિઝો’ શબ્દનો અર્થ ‘ડુંગરવાસીઓ’ (highlanders) તેમજ આ રાજ્યના નામનો અર્થ ‘ડુંગરવાસીઓનો પ્રદેશ’ એવો થાય છે. તેની રાજધાની ઐઝવાલ છે. તે પૂર્વમાં અને દક્ષિણમાં મ્યાનમાર (બર્મા) તેમજ પશ્ચિમમાં બાંગ્લાદેશ વચ્ચે વિસ્તરેલું છે, તેથી વ્યૂહાત્મક ર્દષ્ટિએ તેનું સ્થાન અતિ મહત્વનું છે. આ ઉપરાંત તેની ઉત્તરમાં આસામ અને પશ્ચિમમાં ત્રિપુરા રાજ્યોની સીમાઓ આવેલી છે. આ રાજ્ય 21° 57´ ઉ.થી 24° 30´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 92° 20´ પૂ.થી 93° 26´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલું છે. આ રાજ્યનું કુલ ક્ષેત્રફળ 21,081 ચોકિમી. જેટલું છે. તે ઐઝવાલ (Aizawal), લુન્ગલેઈ (Lunglei) તથા છીમ્ટુઈપુઈ (Chhimtuipui) – એમ ત્રણ જિલ્લાઓમાં વહેંચાયેલું છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : આ રાજ્યમાં મિઝો(લુશાઈ)ની ડુંગરાળ ટેકરીઓ એકબીજીને સમાંતર ઉત્તર-દક્ષિણ દિશામાં લંબાયેલી છે અને તેમની વચ્ચે વચ્ચે વારાફરતી આવતી લાંબી ખીણોની તે લાક્ષણિકતાઓ ધરાવે છે. પશ્ચિમે ત્રિપુરાની સીમાથી 23° 45´ પૂ. રેખાંશની સમાંતરે જતાં આઠ જેટલી નાની નાની ડુંગરાળ હારમાળાઓ અને તેટલી જ સંખ્યામાં ખીણો પથરાયેલી છે. આ હારમાળાઓની સરેરાશ લંબાઈ 900 મીટરની છે. દક્ષિણમાં આવેલા બ્લૂ પર્વતો(Blue mountains)નું સર્વોચ્ચ શિખર ફાન્ગપુઈ (Phawngpui) છે; જે 2,165 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ભાગોમાં ઊંડાં કોતરોની રચના જોવા મળે છે. ડુંગરાળ ટેકરીઓની વચ્ચેના નીચા  ભાગો આર્દ્ર ખેતી (wet cultivation) માટે આદર્શ ગણાય છે.

આ રાજ્યની અગત્યની અને ઉપયોગી નદીઓમાં ત્લાંગ (Tlawng) અથવા ઢાલેશ્વરી (Dhaleswari), સોનાઈ (Sonai) અને તુઈવાવ (Tuivaw) છે. આ નદીઓ રાજ્યના ઉત્તર ભાગમાં થઈને વહે છે અને તે બારાક નદીને મળે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં કૉલૉડીન (Kolodine) તથા તેની ઉપનદી તેમજ પશ્ચિમમાં કર્ણફૂલી (Karnaphuli) તથા તેની ઉપનદીઓ જળસિંચન કરે છે. હેઠવાસ તરફ આગળ વધતાં આ નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. બાંગ્લાદેશનું ચિતાચૉંગ બંદર કર્ણફૂલી નદીના મુખ પર આવેલું છે.

આબોહવા, વનસ્પતિ અને પ્રાણીજીવન : આ રાજ્ય ગરમ અને ભેજવાળી મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે, પણ ઊંચાઈની અસરને લીધે તે નરમ બનેલી છે. અહીં ઉનાળાનું સરેરાશ તાપમાન 18° સે. થી 29° સે. તેમજ શિયાળાનું સરેરાશ તાપમાન 11° સે.થી 24° સે. જેટલું રહે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર માસ સુધી ચોમાસાની ઋતુ અનુભવાય છે.

મિઝોરમ

આ રાજ્યમાં ઉષ્ણકટિબંધીય સદાહરિત જંગલો આવેલાં છે અને તેનો આશરે 65 % ભૂમિવિસ્તાર જંગલ-આચ્છાદિત છે; આમ છતાં દિનપ્રતિદિન જંગલોના પ્રમાણમાં ઘટાડો થતો જાય છે. અહીં ઇમારતી લાકડું આપતાં વિવિધ પ્રકારનાં વૃક્ષો ઊગે છે. આ જંગલોમાં વાંસનું પ્રમાણ વધારે છે. અહીં ઘાસ પણ પુષ્કળ થાય છે. આ જંગલો નેતર, અગર, ઘાસ તથા બીજી અનેક જંગલ-પેદાશો આપે છે. આ રાજ્યમાં મુર્લેન (Murlen) (200 ચોકિમી.) અને ફાન્ગપુઈ (Phawngpui) (50 ચોકિમી.) નામનાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ ડામ્પા (Dampa) (500 ચોકિમી.), ખાન્ગલુન્ગ (Khawnglung) (41 ચોકિમી.), ન્ગેન્ગપુઈ (Ngengpui) (150 ચોકિમી.) તથા તાવી (Tawi) (103 ચોકિમી.) નામનાં ચાર વન્યજીવન અભયારણ્યો આવેલાં છે. તેમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવામાં આવે છે. કર્દમમૃગ (swamp deer) અહીંનું લાક્ષણિક પ્રાણી છે. આ ઉપરાંત અહીં હાથી, વાઘ, દીપડો, સાબર, ભેખર (ભસતું હરણ), રીંછ, જંગલી કૂતરા, ગૌર (Gaur), વિવિધ પ્રકારના વાનરો વગેરે જોવા મળે છે. આ સિવાય મુખ્યત્વે નાગ, અજગર, મગર જેવા સરીસૃપો તેમજ ચિલોત્રો (hornbill) તથા તેતર જેવાં પક્ષીઓ ઉલ્લેખનીય છે.

ખેતી : નદીઓનાં જળનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે કરવામાં આવે છે. આ સિવાય નાના પાયા પરની સિંચાઈ-યોજનાઓના ભાગ રૂપે 30 જેટલા પાકા બંધો બાંધવામાં આવતાં સિંચાઈનો વ્યાપ વધીને 7,260 હેક્ટર જેટલો થયો છે. પરિણામસ્વરૂપે હવે ખેડૂતો વર્ષમાં ખેતીના બે કે ત્રણ પાકો લઈ શકે છે.

મિઝો પ્રજામાં પ્રિય – વાંસનૃત્ય

આ રાજ્યની આશરે 60 % વસ્તી ખેતીપ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અહીંની ‘સ્થળ બદલતી ખેતી-પદ્ધતિ’ (Jhum) – એ પરંપરાગત અને જમીનનો બગાડ કરનારી ખેતી-પદ્ધતિ છે. મિઝોરમ સરકાર આ ખેતી-પદ્ધતિને બદલે તેનાથી વધુ સારી અને કાયમી ખેતી-પદ્ધતિઓ અપનાવવા માટે પ્રયત્નશીલ છે; જેમ કે, ટેકરીઓના ઢોળાવોની બાજુ પર પગથિયાકાર ખેતરો બનાવીને ખેતી કરવાની પદ્ધતિ (terraced farming). આ ઉપરાંત સરકારે રબર, ચા, કૉફી વગેરે બાગાયતી પાકોના વાવેતર માટે યોજનાઓ તૈયાર કરી છે અને આશરે 25,000 હેક્ટર ભૂમિને બાગાયત માટે ફાળવવામાં આવી છે.

આ રાજ્યમાં લગભગ 4.4 લાખ હેક્ટર ભૂમિમાં ખેતી થાય છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે. તે પછી મકાઈનું તથા જુવાર(millet)નું સ્થાન આવે છે. આવા પાકો ટેકરીઓના ઢોળાવો પર ઉગાડવામાં આવે છે. આ સિવાય અહીં શાકભાજી અને ફળફળાદિની ખેતી અગત્ય ધરાવે છે. આ રાજ્ય તેના રેસા વગરના આદું માટે પ્રખ્યાત છે. વળી મુખ્યત્વે કેળાં, નારંગી, લીંબુ, કાગદી લીંબુ, અનેનાસ, પપૈયાં વગેરે ફળો તેમજ શેરડી, કપાસ, ટોપિયોકા, બટાટા, હળદર, તલ, અળશી અને અન્ય શાકભાજી વગેરેની પેદાશો પણ અહીં લેવાય છે. આ રાજ્યમાં સૈરંગ (Sairang) ખાતે આદું-સુકવણી કરવાના તથા ફળોના રસ બનાવવાના એકમો સ્થાપવામાં આવ્યા છે.

ઊર્જાસંસાધનો તથા ઉદ્યોગો : આ રાજ્ય ઊર્જા-સંસાધનોના વિકાસમાં તેમજ ઔદ્યોગિક વિકાસમાં પછાત છે, પણ હવે તે ઔદ્યોગિકીકરણની દિશામાં ધીમે ધીમે ડગ માંડી રહ્યું છે. કેન્દ્રસરકાર દ્વારા તુઇરિયલ (Tuirial) જળવિદ્યુત પરિયોજના(60 મે.વૉ.)નું બાંધકામ થઈ ગયું છે. આજે ઝુઆન્ગતુઈ (Zuangtui) (5 મે. વૉ.) તથા ચામ્ફાઈ (Champhai) (1.5 મે.વૉ.) ખાતે ડીઝલ જનરેટર સેટો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિદ્યુત-લાઇનો નાંખવાનું કાર્ય તથા સબ-સ્ટેશનોનાં બાંધકામો પૂર્ણ થયાં છે, જેથી હવે ગામડાં અને શહેરોમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ ઉદ્યોગો ચલાવવા તથા ઘરોમાં દીવાબત્તી માટે શક્ય બન્યો છે.

હાથસાળ-વણાટ, ભરતગૂંથણ, રેશમનું ઉત્પાદન વગેરે અહીંના પરંપરાગત કુટિર-ઉદ્યોગો છે. સમગ્ર રાજ્યને પછાત તથા ઉદ્યોગવિહીન પ્રદેશ જાહેર કરવામાં આવતાં 20મી સદીના છેલ્લા દાયકાઓમાં અહીં ઉદ્યોગો સ્થાપવાના સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઈ. સ. 1989થી સરકારે ઔદ્યોગિક નીતિ ઘડી કાઢી છે; તે અનુસાર ખેત-ઉદ્યોગો (agro-industries) તથા જંગલ-આધારિત ઉદ્યોગોને અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. આ પછી વીજાણુ-ઉદ્યોગો તથા વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો ક્રમ આવે છે.

મિઝોરમ ઉદ્યોગ-વિકાસ નિગમ દ્વારા ખાદ્ય પદાર્થોને લગતા ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો છે; જેમ કે, સૈરંગ ખાતે આદુંનાં પીણાં તથા તેની સુકવણી કરીને સૂંઠ બનાવવાના, આદુંનું તેલ અને તેમાંથી અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવાના એકમો સ્થપાયા છે. એવી જ રીતે વૈરેન્ગ્તે (Vairengte) ખાતે ફળ-જાળવણી (fruit preservation) માટેના તેમજ છિંગછીપ (Chhingchhip) ખાતે ફળોના રસના અર્ક (fruit juice concentrates) બનાવવાના એકમો છે. અહીં મકાઈ તથા બીજાં અનાજ દળવાની મિલોનો ઉદ્યોગ પણ અગત્યનો છે. આ ઉપરાંત અહીં લાકડાં વહેરવાના; છાપકામ અને બૅકરીના; ફર્નિચર, સાબુ તથા ઈંટો બનાવવાના ઉદ્યોગો પણ ચાલે છે.

પરિવહન અને પ્રવાસન : આ રાજ્યમાં કાચી તથા પાકી સડકોની કુલ લંબાઈ આશરે 5000 કિમી. જેટલી છે. આ પૈકી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 54 પાટનગર ઐઝવાલ ઉપરાંત લુન્ગ્લેઈ (Lunglei), તુઈપાન્ગ (Tuipang) તથા દક્ષિણના બીજા પ્રદેશોને સાંકળે છે. વળી તે ઉત્તરમાં સીમા પાર કરીને આસામના સિલ્ચર નગર સુધી લંબાય છે. સડકમાર્ગે રાજ્યના આંતરિક ભાગોમાં તથા પડોશી રાજ્યોમાં રાજ્ય પરિવહન નિગમની બસો દ્વારા અવરજવર કરી શકાય છે. વળી ખાનગી વાહનો દ્વારા પણ માલસામાનની હેરફેર થાય છે. અહીં રેલમાર્ગનું જોડાણ બૈરાબી (Bairabi) સુધી છે. પાટનગર ઐઝવાલ હવાઈ મથક ધરાવે છે.

રાજ્યમાં સર્વત્ર હરિયાળી છવાયેલી રહે છે. આ રાજ્ય ડુંગરો, નદીખીણો, કોતરો, ઝરણાં, જળધોધ–જળપ્રપાતો વગેરે કુદરતી ભૂમિર્દશ્યોનું અમાપ વૈવિધ્ય અને સૌંદર્ય ધરાવે છે. વળી તે ઊંચાં વૃક્ષો, રંગબેરંગી પુષ્પો તથા પક્ષીઓ તેમજ અન્ય જીવસૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. અહીંના ઉત્સવો તથા આદિવાસીઓની હસ્તકળાઓ પણ પર્યટકો માટે અનેરું આકર્ષણ પૂરું પાડે છે.

ડુંગરાળ પ્રદેશમાં વસેલું પાટનગર ઐઝવાલ એ દેશનું ધાર્મિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે પ્રવાસીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે. તે સંગ્રહસ્થાન (museum), પ્રાણી-સંગ્રહાલય (zoo) અને બીજાં જોવાલાયક સ્થળો પણ ધરાવે છે. આ ઉપરાંત મ્યાનમારની સીમા પર આવેલું ચામ્ફાઈ એક સુંદર વિહારધામ છે. વળી પાટનગર ઐઝવાલથી આશરે 60 કિમી.ના અંતરે તામડિલ (Tamdil) નામનું સુંદર કુદરતી સરોવર આવેલું છે. અહીંનાં જંગલો માનવ-દખલગીરીથી મુક્ત (virgin forest) ગણાય છે. આ ઉપરાંત પાટનગરથી 10 કિમી.ના અંતરે સિતુઅલ (Situal) નામનું સુંદર વિહારધામ છે, જ્યાં પર્યટકો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ રાજ્યમાં થેન્ઝાવલ (Thenzawl) નામના હવા ખાવાના સ્થળેથી 5 કિમી.ના અંતરે વાન્ટાન્ગ (Vantang) જળધોધ ખાસી ઊંચાઈએથી પડે છે અને અપ્રતિમ ર્દશ્ય ખડું કરે છે. પ્રવાસન-ખાતાએ ઝોટલાન્ગ (Zotlang) તથા લુન્ગ્લેઈ (Lunglei) ખાતે પ્રવાસીઓ માટેની લૉજોની સ્થાપના કરી છે તથા ઝોબાક (Zobawk) નજીકના જિલ્લા-ઉદ્યાનમાં પણ પર્યટક-કુટિરોનું આયોજન કર્યું છે.

વસ્તી અને વસાહતો : આ રાજ્ય આશરે 10,91,014 (2011) જેટલી વસ્તી ધરાવે છે. તેની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ 33 વ્યક્તિઓની છે, પરંતુ રાજ્યનાં વિવિધ સ્થળોએ વસ્તીનાં પ્રમાણ અને ગીચતામાં તફાવત જોવા મળે છે.

મિઝો લોકો લુશાઈ, પાવી (Pawis), પૈથે (Paithes), રાલ્ટે (Raltes), પાન્ગ (Pang), હ્મર (Hmars), કુકી (Kukis), મારા (Maras), લાખેર (lakhers) વગેરે જાતિઓમાં વહેંચાયેલા છે. 19મી સદીમાં મિઝો લોકો બ્રિટિશ ધર્મ-પ્રચારકોની અસર તળે આવ્યા અને ઘણાએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો. આજે મોટાભાગના આદિવાસીઓ ખ્રિસ્તી છે. તેઓ મિઝો અને અંગ્રેજી ભાષાઓ બોલે છે; પણ સીમા પર આવેલી ચકમા જેવી આદિવાસી જાતિઓ બૌદ્ધધર્મી છે અને તેઓ ચકમા ભાષા બોલે છે. ધર્મપ્રચારકોએ મિઝો ભાષા માટે રોમન લિપિની શરૂઆત કરી અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ આપ્યું, પરિણામે અહીં શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે. આજે પુરુષોમાં અને સ્ત્રીઓમાં શિક્ષણપ્રમાણ અનુક્રમે 84 % અને 78 % જોવા મળે છે. પાટનગર ઐઝવાલ ખાતે નૉર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી આવેલી છે.

મિઝો લોકો આમ તો બારે માસ તેમના ખેતીકામમાં સંકળાયેલા રહે છે; પણ તેમની બધી જ પ્રવૃત્તિઓ ખેતી તથા ઉત્સવોને કેન્દ્રમાં રાખીને થતી જોવા મળે છે. ઉત્સવ માટે મિઝો ભાષામાં ‘કુટ’ (Kut) શબ્દનો ઉપયોગ થાય છે. આખા વર્ષમાં ઊજવાતા અનેક ઉત્સવોમાં ચાપ્ચર કુટ (Chapchar Kut), મિમ કુટ (Mim Kut) અને પાલ કુટ (Pawl Kut) – એ ત્રણ મુખ્ય ઉત્સવો છે. આ સિવાય તેઓ નાતાલના તહેવારની ઉજવણી પણ કરે છે. ઉત્સવોમાં તેઓ નાચગાન કરીને આનંદપ્રમોદ મેળવે છે.

ઐઝવાલ જિલ્લાનો વિસ્તાર 3576 ચોકિમી.. જ્યારે જિલ્લાની વસ્તી 4,04,054 (2011) હતી. પાટનગર ઐઝવાલની વસ્તી 1,54,343 છે. એ રાજ્યની સૌથી મોટી શહેરી વસાહત છે. તે ડુંગરાળ ભૂમિપ્રદેશમાં સમુદ્રસપાટીથી આશરે 1,219 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે રાજ્યનું અગત્યનું રાજકીય, વ્યાપારિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આ સિવાય સૈહા (Saiha) તથા લુન્ગ્લેઈ એ બીજી અગત્યની શહેરી વસાહતો છે.

ઇતિહાસ : મિઝો લોકો મૂળ મૉંગોલિયન જાતિના છે અને તેઓ સૌપ્રથમ મ્યાનમાર(બર્મા)ના શાન રાજ્યમાં આવીને વસેલા હોવાનું મનાય છે. મ્યાનમાર છોડ્યા પછી તેમણે ત્યાંથી પશ્ચિમે ભારત તરફ સ્થળાંતર કર્યું અને તેઓ મિઝો (લુશાઈ) ટેકરીઓમાં આવીને સ્થિર થયા.

બ્રિટિશ શાસન દરમિયાન મિઝો લોકો બ્રિટિશ તાબાના અન્ય પ્રદેશોમાં ધાડ પાડતા તેમજ કિલ્લેબંધીવાળાં સ્થળો પર પણ તેઓ હુમલા કરતા. આથી બ્રિટિશરોએ મિઝો લોકો સામે લડીને તેમનો પ્રદેશ પડાવી લીધો અને આ પ્રદેશનું બ્રિટિશ ભારત (British India) સાથે જોડાણ કરવામાં આવ્યું. આમ છતાં મિઝો સરદારો તેમની પરંપરા અનુસાર તેમનો દરરોજનો વહીવટ કરતા. આમ બ્રિટિશરો તેમના ગ્રામ-વહીવટમાં કદી દખલ કરતા નહોતા.

બ્રિટન દ્વારા જોડાણ થયા પછીનાં પ્રથમ થોડાંક વર્ષોમાં ઉત્તરનો લુશાઈ ટેકરીઓનો પ્રદેશ આસામના, જ્યારે દક્ષિણનો અર્ધો ભાગ બંગાળના શાસન તળે હતો. ઈ. સ. 1898માં આ બંને ભાગોનું જોડાણ થયું અને તેનું નામ લુશાઈ હિલ્સ જિલ્લો રાખવામાં આવ્યું. તે આસામના ચીફ કમિશનરના વહીવટ હેઠળ હતો. ભારત સ્વતંત્ર થયું તે પછી તે ઈ. સ. 1954માં મિઝો હિલ્સ જિલ્લા તરીકે ઓળખાયો, પણ તેને આસામ રાજ્યના જિલ્લા-સ્વરૂપે ચાલુ રાખવામાં આવ્યો હતો. ઈ. સ. 1972માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.

સત્તાવાળાઓએ મિઝો લોકોની અવગણના કરતાં ઈ. સ. 1966માં તેઓ ભારત સરકાર પ્રત્યે ઉશ્કેરાયા, આથી ભારત સરકારે તેમના આ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કર્યો. 30મી જૂન, 1986ના રોજ ભારત સરકાર તથા મિઝો નૅશનલ ફ્રન્ટ વચ્ચે ઐતિહાસિક શાંતિ-કરાર કરવામાં આવતાં બે દાયકા જૂની અદાવતનો અંત આવ્યો. આ પછી 20મી ફેબ્રુઆરી, 1987માં ભારતના 23મા રાજ્ય તરીકે મિઝોરમ અસ્તિત્વમાં આવ્યું.

મિઝોરમ : આ રાજ્ય ‘સાગ બર્ડ ઑવ્ ધ ઈસ્ટ’ તરીકે જાણીતું છે. તેના રાજ્યપાલ કે. કે. પૌલ અને મુખ્યપ્રધાન મુકુલ સંગમા છે. તે ચાળીસ પ્રતિનિધિઓની વિધાનસભા ધરાવે છે. તેઓ લોકસભામાં માત્ર એક બેઠકનું પ્રતિનિધિત્વ ધરાવે છે. મીઝો, કુકી અને અંગ્રેજી તેની મુખ્ય ભાષાઓ છે. મિઝો નૅશનલ ફ્રન્ટ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, મિઝોરમ પીપલ્સ કૉન્ફરન્સ ત્યાંના મુખ્ય રાજકીય પક્ષો છે. પ્રજા મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે.

ભારતમાં પૂર્વાંચલનાં રાજ્યોની ઓળખાણ ‘Seven Sisters’ તરીકેની છે. તેમાં સૌથી દક્ષિણનું રાજ્ય તે મિઝોરમ છે. આ રાજ્ય પર્વતીય વિસ્તાર સ્થિત હોવાથી તે રેલવે માર્ગ ધરાવતું નથી. કૉલકાતા, ગૌહત્તી, શિલોંગ અને સિલચર તેના નજીકના રેલવે-મથકો છે જ્યાંથી લગભગ દોઢથી બે દિવસની માર્ગ-મુસાફરી બાદ જ મિઝોરમ પહોંચી શકાય છે. ઊંચી સ્વચ્છતા ધરાવતા આ રાજ્યની રાજધાની ઐઝવાલમાંથી કર્કવૃત્તની રેખા પસાર થાય છે.

બીજલ પરમાર