મિચેલ, હાર્ટમુટ (જ. 18 જુલાઈ, 1948, લુડવિગ્ઝબર્ગ, જર્મની) : જર્મન રસાયણવિદ અને 1988ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબલ પુરસ્કારના ડીઝેનહોફર અને હુબર સાથેના સંયુક્ત વિજેતા. હાર્ટમુટે 1969-75 દરમિયાન ટ્યૂબિન્જેન અને મ્યૂનિકમાં જૈવરસાયણનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1977માં યુનિવર્સિટી ઑવ્ વૂર્ઝબર્ગમાંથી જૈવરસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી અને 1977-79 દરમિયાન ત્યાં જ પોસ્ટડૉક્ટરલ ફેલો તરીકે કાર્ય કર્યું. 1979માં તેઓ રૉબર્ટ હુબરના હાથ નીચે ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉકેમીમાં જોડાયા. 1986માં તેઓ મ્યૂનિક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. તે જ વર્ષે તેમને ફંડ ઑવ્ કેમિકલ ઇન્ડસ્ટ્રી ઑવ્ જર્મનીમાંથી ગ્રાન્ટ મળી હતી.
અંતસ્ત્વચા પ્રોટીનોનું સ્ફટિકીકરણ એ વૈજ્ઞાનિકોનું મુખ્ય ધ્યેય હતું. 1980માં બે આવાં પ્રોટીનોનું સ્ફટિકીકરણ કરવામાં આવેલું; પણ સ્ફટિકમાં પરમાણુઓની ગોઠવણી નક્કી થઈ શકી ન હતી. તે પછી ઍક્સ-કિરણ સ્ફટિકવિજ્ઞાન (crystallography) વડે તેમની સંરચનાનું વિભેદન થઈ શકે તેવા મોટા, ત્રિપરિમાણી સ્ફટિકો મેળવવાના પ્રયત્નો શરૂ થયા. 1981માં માર્ટિન્સરીડ ખાતેના મૅક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉકેમીમાં ડાયેટર ઑસ્ટરહેલ્ટ વિભાગમાં કાર્ય કરતા મિચેલે રહોડોસુડોમૉનાસ વિરિડિસ (Rhodopseu-domonas viridis) નામના નીલલોહિત (purple) જીવાણુના પ્રક્રિયાકેન્દ્રોના મોટા, સુવ્યવસ્થિત સ્ફટિકો મેળવી મહત્વની નિર્ણાયક સિદ્ધિ હાંસલ કરી.
આ સફળતા બાદ મિચેલે હુબર અને ડીઝેનહોફર સાથે સંશોધન શરૂ કર્યું અને 1984માં દર્શાવ્યું કે પ્રક્રિયાકેન્દ્રનો મધ્યભાગ 5 ને.મી. (50 Å) લાંબા નળાકારનો બનેલો છે, જ્યારે સમગ્ર સંકીર્ણનો વ્યાસ 14 નૅ.મી. (140 Å) છે. 1985માં મિચેલ અને સહસંશોધકોએ સમગ્ર પ્રક્રિયાકેન્દ્રની આણ્વિક સંરચના દર્શાવી.
પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક એવાં કેટલાક પ્રોટીનોમાંના પ્રક્રિયાકેન્દ્રોની ત્રિપરિમાણી સંરચના નક્કી કરવા બદલ ડીઝેનહોફર અને હુબર સાથે સંયુક્તપણે મિચેલ હાર્ટમુટને 1988ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિચેલ હાર્ટમુટને નીચેનાં માન–અકરામ પ્રાપ્ત થયાં છે :
ડ્યૂશ ફૉરશુન્ગ્સગેમીન શાફ્ટનું લીબ્નિજ ઇનામ (1986), જોહાન ડીઝેનહોફર સાથે ઑટો-બાયર ઇનામ (1988), બ્રિટિશ બાયૉકેમિકલ સોસાયટી કીલિન (Keilin) ચંદ્રક (2008). તદુપરાંત વૂર્ઝબર્ગ અને બોલોન (Bologne) યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરેટની માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે. ઇમ્પીરિયલ કૉલેજ (લંડન), આઇ.આઇ.ટી. મદ્રાસ (ચેન્નાઈ) અને આઇ.આઇ.ટી. મુંબઈ વગેરે અનેક સંસ્થાઓમાં તેઓએ માનદ અને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેઓ યુ.એસ.ની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, ચાઇનીઝ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ (બેજિંગ) તથા રૉયલ સોસાયટી(લંડન)ના સભ્ય છે.
મિચેલ 1987થી ફ્રૅન્કફર્ટ ખાતેના મૅક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉફિઝિક્સના મૉલેક્યુલર મેમ્બ્રેન બાયૉલૉજી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.
પ્રહલાદ બે. પટેલ