મિચેલ, પીટર ડેનિસ

February, 2002

મિચેલ, પીટર ડેનિસ (જ. 29 સપ્ટેમ્બર 1920, મીચામ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 10 એપ્રિલ 1992, બોડમિન, કૉર્નવોલ) : કોષકીય ઊર્જા-પરિવહન સિદ્ધાંતના પ્રયોજક બ્રિટિશ જૈવરસાયણવિદ. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1950માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી-અવસ્થામાં જ તેઓ સજીવોના કોષો ઑક્સિજન અને સૂર્યપ્રકાશનું એક આવશ્યક સંયોજન એવા એડિનોસીન ટ્રાઇફૉસ્ફેટ(ATP)માં કેવી રીતે રૂપાંતર કરતા હશે તે માટેનો સિદ્ધાંત શોધવામાં પ્રયત્નશીલ રહ્યા હતા. આ ATP સંયોજન સૌથી સાદા બૅક્ટિરિયાથી માંડીને ખૂબ જ જટિલ માનવશરીર અથવા ખૂબ ઊંચા સિક્વોયા વૃક્ષમાં અસંખ્ય ચયાપચયી પ્રવિધિઓ ઉત્પન્ન કરી શકે છે. કેટલાકના મતે ATP એ કોષના પ્રભાવક્ષેત્રમાં વિનિમય માટેનું ચલણ છે. 1955થી 1963 સુધી તેઓ એડિનબર્ગ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ તેમજ પ્રાણીવિજ્ઞાનવિભાગના જીવશાસ્ત્ર (biology) એકમના નિયામક રહ્યા હતા. 1964માં તેઓ ગ્લેન સંશોધન પ્રયોગશાળાના સંશોધન-નિયામક તરીકે જોડાયા હતા.

મિચેલે સૂચવ્યું કે કોષના પટલો(membranes)માં સ્થાયી થયેલા ઉત્સેચકો (enzymes) એવી રીતે અભિવિન્યાસી થયેલા હોય છે કે તેમાંનો એક ઉત્સેચક જ્યારે એડિનોસીન ડાઇફૉસ્ફેટ(ADP)નું ATPમાં રૂપાંતર કરી પ્રોટૉનો મુક્ત કરે છે ત્યારે અન્ય ઉત્સેચક તે જ સમયે રેડૉક્સ (ઑક્સિડેશન-રિડક્શન) પ્રક્રિયાઓ શરૂ કરી આ પ્રોટૉનને ઉપયોગમાં લે છે. મિચેલના આ વિચારો જૈવરસાયણના ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી નીવડ્યા છે. આ રીતે તેમણે કણાભસૂત્ર (mitochondria) અને વનસ્પતિકોષોમાંના ક્લૉરોપ્લાસ્ટ-(chloroplast)માં ઊર્જા-ઉત્પાદન માટેનો રસાયણી પરાસરણ (chemiosmotic)નો સિદ્ધાંત વિકસાવ્યો. તેમના ટૅક્નિશિયન જેનિફર મોયલ સાથેના પ્રાયોગિક કાર્ય દ્વારા આ સિદ્ધાંતને ટેકો મળ્યો અને તેને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો. આ રીતે રસાયણી પરાસરણ સિદ્ધાંત રજૂ કરીને જૈવિક ઊર્જા-સ્થાનાંતરણની સમજૂતીમાં ફાળો આપવા બદલ તેમને 1978માં રસાયણશાસ્ત્ર વિષયનો નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી