માસ્પરો, ગાસ્ટોન

January, 2002

માસ્પરો, ગાસ્ટોન (જ. 23 જૂન 1846; અ. 30 જૂન 1916) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. 1881માં દેર-અલ-બહિર ખાતે રાજવી પરિવારની એક કબર શોધવાનો યશ તેમને ફાળે જાય છે. પૅરિસમાં ઇકૉલ દ હૉત્ઝ એત્યુદમાં 1869થી ’74 સુધી ઇજિપ્શિયન ભાષાના અધ્યાપક હતા, ત્યારબાદ 1874માં તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં એ જ વિષયના પ્રોફેસર બન્યા. 1880માં તેઓ પુરાતત્ત્વીય મિશનને માર્ગદર્શન આપવા ઇજિપ્ત ગયા અને એ કામગીરીના પરિણામે ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑરિયેન્ટલ આર્કિયૉલૉજીની સ્થાપના થઈ અને એ સંસ્થાના તેઓ 1881થી ’86 સુધી ડિરેક્ટર જનરલ રહ્યા. સ્ક્વારા ખાતેના પિરામિડોના ઉત્ખનનની કામગીરી અંગે તેમણે નિયમનો દાખલ કર્યાં અને એ રીતે પ્રાચીન કલાત્મક વસ્તુઓના ગેરકાયદે વેપાર પરત્વે તથા પ્રાચીન સ્મારકોની જાળવણી તથા સુરક્ષા પરત્વે યોગ્ય નિયંત્રણ મૂકવામાં સહાયરૂપ બન્યા.

બ્રિટિશ સરકાર તરફથી 1900માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો. તેમનાં અનેક પ્રકાશનોમાં ‘ઇજિપ્ત : એન્શિયન્ટ સાઇટ્સ ઍન્ડ પૉપ્યુલર સીન્સ’ (1911) તથા ‘પૉપ્યુલર ટેલ્સ ઑવ્ એન્શિયન્ટ ઇજિપ્ત’ (1915) મુખ્ય છે.

તેમના પુત્ર હેન્રી ચીની ભાષા, ઇતિહાસ તથા સંસ્કૃતિના નિષ્ણાત (sionlogist) હતા અને તેમણે ‘એન્શિયન્ટ ચાઇના’ (1927) લખ્યું હતું.

મહેશ ચોકસી