માસ્ત્રોઇયાની, માર્સેલો

January, 2002

માસ્ત્રોઇયાની, માર્સેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્ટાના લીરી, ઇટાલી; અ. 1996) : ત્રણ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ રહેલા ઇટાલિયન અભિનેતા. વિવેચકોએ એકમતે તેમના વિશે કહ્યું હતું કે ‘તેઓ જેટલું પોતાના હોઠ વડે કહે છે, તેનાથી વધુ તેમની ભાવપૂર્ણ આંખો દ્વારા કહે છે.’

માર્સેલો માસ્ત્રોઇયાની

ગરીબ કિસાન પરિવારમાં જન્મેલા માર્સેલો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં જોડાયા; પણ પકડાઈ જતાં જર્મનોએ તેમને શ્રમ-બંદીવાસમાં મોકલ્યા, જ્યાંથી તેઓ નાસી છૂટ્યા અને યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ રોમ જઈને એક કંપનીમાં કારકુન તરીકે કામ શરૂ કર્યું. સાથોસાથ નાટકોમાં પણ તેમણે રસ લેવા માંડ્યો. ચલચિત્રોમાં તક મળતાં 1947માં પ્રદર્શિત તેમના પ્રથમ ચિત્ર ‘લા મિઝરેબલ’થી તેમની ઓળખ બનવા માંડી હતી. 1948માં નિર્દેશક લ્યુસિનો વિસ્કોન્ટિની સાથે જોડાયા બાદ પ્રતિભાશાળી કલાકાર તરીકે તેમની ખ્યાતિ વધવા માંડી.

‘ક્રૉનિકલ ઑવ્ પુઅર લવર્સ’, ‘વ્હાઇટ નાઇટ્સ’, ‘લા ડોલ્સ વિટા’, 81, ‘લા નોટ’, ‘ડાયવૉર્સ ઇટાલિયન સ્ટાઇલ’, ‘યસ્ટરડે ટુડે ઍન્ડ ટુમૉરો’ ચિત્રોની સફળતા બાદ તેમની ગણના વિશ્વના ટોચના કલાકારોમાં થવા માંડી હતી. લા ડૉલ્સ વિટા(1960)માં એક પત્રકારની પ્રભાવી ભૂમિકા તેમણે ભજવી હતી. બેલ ઍન્ટોનિયો(1967)માં નામર્દ પતિની ભૂમિકા ભજવી હતી. ‘ડાયવૉર્સ ઇટાલિયન સ્ટાઇલ’(1961)માં સિસિલિયન સામંતની ભૂમિકા માટે ઑસ્કર ઍવૉર્ડનું નામાંકન મળ્યું હતું. ‘ધી ઑર્ગેનાઇઝર’(1963)માં તેમણે એક એવા પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી, જે કારખાનાના કામદારોને સંગઠિત કરવાનો પ્રયાસ કરે છે.

અભિનયની સૂક્ષ્મતાને સમજવાની અને તેને આત્મસાત્  કરવાની તેમની ક્ષમતા અદભુત હતી. દરેક પ્રકારની ભૂમિકા તેઓ સહજ અને સ્વાભાવિક રીતે ભજવી શકતા. ‘એ સ્પેશિયલ ડે’(1977)માં સજાતીય સંબંધોના શોખીન રેડિયો-ઉદ્ઘોષકની સશક્ત ભૂમિકા માટે અને ‘ડાર્ક આઇઝ’ (1987) માટે તેમને ઑસ્કર ઍવૉર્ડનાં નામાંકન મળ્યાં હતાં. ‘ધ પિઝા ટ્રાયગલ’(1970) ચિત્ર માટે કેન્સ ફિલ્મોત્સવમાં તેમને શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક મળ્યું હતું.

ઇટાલિયન અભિનેત્રી ફ્લોરા કેરેબેલા સાથે 1950માં તેમણે લગ્ન કર્યું હતું. અભિનેત્રી કૅથરિન ડેન્યુ સાથે તેમણે લગ્ન કર્યા વિનાનું સહજીવન ગાળ્યું હતું.

હરસુખ થાનકી