માળવા : ભારતના મધ્યભાગમાં આવેલ નર્મદાની ઘાટી સુધીનો ઐતિહાસિક પ્રદેશ. તેની રાજકીય સરહદો વખતોવખત બદલાતી રહી છે; પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરાઓના આધારે તેની સરહદો નિશ્ચિત થયેલી છે. પૂર્વમાં ચંદેરી, વિદિશા, ભોપાલ અને હોશાંગાબાદનો માળવામાં સમાવેશ થાય છે. પશ્ચિમમાં માળવા અને ગુજરાતની સરહદો દોહદ નગરથી અલગ પડે છે. તેની ઉત્તરે જૂનું પ્રતાપગઢ રાજ્ય, વાગડ અને જાબુઆ જિલ્લો માળવામાં આવે છે. હાલના મધ્યપ્રદેશમાં માળવાનો ઘણોખરો ભાગ સમાવી લેવામાં આવ્યો છે.
પ્રાગૈતિહાસિક કાલમાં માળવામાં નિષાદ અને દ્રાવિડ સંસ્કૃતિઓ ફેલાઈ હતી. તેના અવશેષો નાગદા, ઉજ્જૈન વગેરે સ્થળોએ ખોદકામ કરતાં મળ્યા છે. આર્યોએ હુમલા કરી દ્રાવિડોને હરાવ્યા અને આ પ્રદેશ કબજે કર્યો. આર્ય સંસ્કૃતિનો વિકાસ ક્ષિપ્રા, ચંબલ, નર્મદા વગેરે નદીઓના કાંઠે થયો. ત્યાંનાં ઉજ્જૈન અથવા અવંતી, માહિષ્મતી, વિદિશા, પદ્માવતી વગેરે નગરો હજારો વર્ષોથી ભારતમાં પ્રસિદ્ધ છે.
માહિષ્મતીના હૈહય સામ્રાજ્યના સમયે માળવામાં સામાજિક, આર્થિક અને રાજનૈતિક વ્યવસ્થાનો પાયો નંખાયો. મહાજનપદોનો ઉદય (ઈ. પૂ. 6ઠ્ઠી સદી) થવાથી અવંતીના પ્રદ્યોતો અને ત્યારબાદ વિદિશા અને પદ્માવતી પર રાજ્ય કરનારા નાગ લોકોના સમયમાં માળવામાં સાંસ્કૃતિક પરંપરાઓનો વિકાસ થયો હતો. શકોએ માળવા પર આધિપત્ય જમાવ્યું હતું. ઈ. સ. 225માં શકોનું અધિપત્ય નાબૂદ કરીને માલવગણોએ સ્વતંત્રતા જાહેર કરી. તેમના નામ પરથી આ પ્રદેશ માળવા કહેવાયો. માળવામાં સાંસ્કૃતિક, સાહિત્યિક, વૈજ્ઞાનિક કલા વગેરે વિષયક પરંપરાઓ ગુપ્તકાલ (ઈ. સ. 4થી અને 5મી સદી) દરમિયાન એવી ર્દઢ થઈ ગઈ કે જંગલી હૂણ લોકોના હુમલા થવા છતાં તે ટકી રહી હતી. યશોધર્મને હૂણોને હરાવીને માળવા બહાર કાઢી મૂક્યા.
દખ્ખણના નિવાસી રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ત્રીજાએ પ્રતીહાર રાજા નાગભટ બીજા પાસેથી માળવા જીતી લીધું. પ્રતીહારોએ તે પછી આશરે ઈ. સ. 946માં તે પ્રદેશ કબજે કર્યો. તેઓ પરમારો તરીકે ઓળખાય છે. આ વંશમાં સીયક બીજો (949–972) રાજા થયો. તે શૂરવીર સેનાપતિ હતો. તેણે હૂણોને હરાવ્યા તે મોટું પરાક્રમ ગણી શકાય. તેણે રાજ્યવિસ્તાર કર્યો હતો. મુંજ (974–995) પરમાર વંશનો સૌથી વિશેષ શક્તિશાળી શાસક અને શ્રેષ્ઠ સેનાપતિ હતો. તે ‘શ્રીવલ્લભ’, ‘પૃથ્વીવલ્લભ’ અને ‘અમોઘવર્ષ’ આદિ અનેક બિરુદો ધરાવતો હતો. તેણે અનેક વિજયો મેળવ્યા હતા. તેણે સાહિત્યકારો, કવિઓ અને પંડિતોને આશ્રય આપ્યો હતો. રાજા ભોજ (ઈ. સ. 1000–1055) યુદ્ધકળામાં નિષ્ણાત હતો અને એક પરાક્રમી યોદ્ધા તરીકે તેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેણે જેટલા વિજયો મેળવ્યા હતા લગભગ તેટલા જ પરાજયો પણ સહન કર્યા હતા. તે પરમાર વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. સંસ્કૃત સાહિત્યમાં તે અમર છે. તેનાં વિદ્યાપ્રેમ, સાહિત્યપ્રેમ, પાંડિત્ય અને યોગ્યતા વિશે અનેક કથાઓ પ્રચલિત છે. તેણે વૈદક, ચિકિત્સા, ખગોળ, ગણિત, કલા, વ્યાકરણ, અલંકાર, જ્યોતિષ વગેરે વિષયો ઉપર પુસ્તકો લખેલાં હોવાના ઉલ્લેખો મળે છે. તેણે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. તેના વંશજો નબળા નીકળ્યા. ઈ. સ. 1250માં દિલ્હીના સુલતાન બલબને એના રાજ્ય ઉપર ચડાઈ કરીને ત્યાં સલ્તનતની સત્તા સ્થાપી. ઈ. સ. 1305માં અલાઉદ્દીન ખલજીએ માળવા પર હુમલો કરી છેલ્લા પરમાર રાજા મહલકદેવને હરાવ્યો. તે પછી તે દિલ્હી સલ્તનતના એક ભાગ તરીકે રહ્યું. અને ત્યાં હાકેમો નીમીને શાસન ચલાવવામાં આવતું હતું. સુલતાન ફીરોઝશાહ તુગલુકે દિલાવરખાન ગોરીને ત્યાંનો હાકેમ નીમ્યો. તિમૂરે ઈ. સ.1398માં દિલ્હીમાં વિનાશ સર્જ્યો. તે પછી થયેલી અવ્યવસ્થાનો લાભ લઈને તે સ્વતંત્ર સુલતાન થયો. તેના પુત્ર હુશંગશાહે માંડુનો મજબૂત કિલ્લો બંધાવ્યો. તેણે બાંધકામો કરાવીને માંડુને ભવ્ય શહેર બનાવ્યું. તેના વિલાસી પુત્રને હરાવી મહમૂદ ખલજી માળવાનો સુલતાન બન્યો. તેણે બુંદેલખંડ, રણથંભોર, બિયાના, બૂંદી, કોટા વગેરે રાજ્યો જીતી લીધાં. તેના સમય(1436–1469)માં માળવા સમૃદ્ધ અને શક્તિશાળી બન્યું. તેણે મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બંધાવી હતી. તેનો પુત્ર સુલતાન ગિયાસુદ્દીન શિક્ષણ તથા કલાને ઉત્તેજન આપતો હતો અને તેને સંગીતનો શોખ હતો. સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજા(1511–1531)ના સમયમાં ચંદેરીનો જાગીરદાર મેદિનીરાય શક્તિશાળી સરદાર બન્યો હતો. ગુજરાતના સુલતાન બહાદુરશાહે 1531માં માંડુ ઉપર ચડાઈ કરીને તે જીતી લીધું. તેણે સુલતાન અલાઉદ્દીનને ગિરફતાર કરી ચાંપાનેર મોકલી દીધો. માળવાને ગુજરાતમાં જોડી દઈને ત્યાં પોતાનો વહીવટ સ્થાપ્યો. ઈ. સ. 1535માં હુમાયૂંએ બહાદુરશાહને મંદસોર તથા માંડુમાં હરાવી માળવા પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ત્યારબાદ શેરશાહ સૂર દિલ્હીની ગાદીએ બેઠો ત્યારે તેણે 1542માં માળવા જીતીને પોતાના રાજ્યમાં જોડી દીધું. તેણે શુજાતખાનને ત્યાંનો સૂબેદાર નીમ્યો. તેના પુત્ર બાજબહાદુરે 1555માં પોતાને માળવાનો સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો. તેને સંગીતમાં ઘણો રસ હતો. સારંગપુરની રાજકુમારી રૂપમતી સાથેનો તેનો પ્રેમ લોકપ્રચલિત કથાઓમાં જાણીતો છે. બાજબહાદુર અને રૂપમતીના મહેલો માંડુ(માંડવગઢ)ની સૌથી સુંદર ઇમારતો છે. ઈ. સ. 1561માં શહેનશાહ અકબરે બાજબહાદુરને હરાવીને માળવા જીતી લીધું. મુઘલ સામ્રાજ્યમાં જોડેલા માળવા પ્રાંતની રાજધાની ઉજ્જૈન બનાવવામાં આવી. આશરે સવા સો વરસ મુઘલ સામ્રાજ્યમાં રહીને માળવા પ્રાંત સમૃદ્ધ બન્યો. તે દરમિયાન હિંદુઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની તક મળી. ખેતી અને વેપારને ઉત્તેજન મળ્યું. ઈ. સ. 1699માં કૃષ્ણાજી સાવંતના નેતૃત્વ હેઠળ મરાઠા લશ્કરે માળવામાં લૂંટફાટ કરી. માળવાના સૂબેદાર સવાઈ જયસિંહે મે 1715માં નર્મદાના ઉત્તરના કાંઠે પિલસુદની લડાઈમાં મરાઠા સૈન્યને હરાવ્યું. પેશવા બાજીરાવની પ્રેરણાથી મરાઠા સૈન્ય વારંવાર માળવા પર આક્રમણ કરતું હતું. નવેમ્બર 1728માં દક્ષિણ માળવા અને 1733માં ઉત્તર માળવા મુઘલોએ ગુમાવ્યું. ત્યારબાદ 1741માં સમગ્ર માળવા પ્રાંત પેશવા બાલાજીરાવને વિધિસર સોંપી દેવામાં આવ્યો. માળવામાં મરાઠાની સત્તા સ્થપાઈ. તે અગાઉ દોસ્ત મુહમ્મદ નામના અફઘાન સરદારે ભોપાલમાં અલગ રાજ્ય સ્થાપ્યું હતું. તે પછી ગ્વાલિયરમાં રાણોજી સિંધિયાએ તથા ઇન્દોરમાં મલ્હારરાવ હોલકરે પોતાનાં રાજ્યો સ્થાપ્યાં.
ઈ. સ. 1802માં પેશવાને અંગ્રેજો સાથે વસઈની સંધિ થયા બાદ, માળવામાંના મરાઠા સરદારો સ્વતંત્ર થઈ ગયા. 19મી સદીના પ્રથમ અને બીજા દાયકામાં સિંધિયા અને હોલકર વચ્ચેનો વિરોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો ત્યારે આખા માળવામાં પીંઢારાઓ ભયંકર લૂંટ કરતા હતા. લૉર્ડ હેસ્ટિંગ્ઝે તટસ્થતાની નીતિ છોડીને પીંઢારાઓનો નાશ કર્યો. આ દરમિયાન 1818 સુધીમાં માળવામાં અંગ્રેજોનું વર્ચસ્વ સ્થપાયું હતું. શાંતિ સ્થપાવાથી ખેતીવાડી, વેપાર તથા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. 1857માં થયેલા વિપ્લવ દરમિયાન માળવાનાં ગ્વાલિયર, ઇન્દોર, નિમચ તથા મઉમાં સૈનિકોએ વિદ્રોહ કર્યો, પરંતુ રાજાઓએ અંગ્રેજોને સાથ આપ્યો અને વિદ્રોહીઓને સફળતા મળી નહિ. વિપ્લવ પછી 1858માં ભારતમાં તાજનું શાસન સ્થપાયું, ત્યારથી રેલવે, રસ્તા, કૉલેજો, હૉસ્પિટલો જેવી આધુનિક સગવડો વધારવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. વીસમી સદીના ત્રીજા દાયકા પછી રાષ્ટ્રવાદ અને સ્વાતંત્ર્ય-ચળવળોનો પ્રભાવ ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન જેવાં નગરોમાં પડવા લાગ્યો. દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં. તે પછી ‘મધ્યભારત દેશી રાજ્ય લોકપરિષદ’ની સ્થાપના કરવામાં આવી. ભારતને ઑગસ્ટ 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ આ વિસ્તારનાં બધાં રાજ્યોનું વિલીનીકરણ કરીને 1948માં મધ્યભારત રાજ્યની રચના કરવામાં આવી. એપ્રિલ 1949માં ભોપાલ રાજ્યનું પણ વિલીનીકરણ થયું. 1956માં રાજ્ય પુનર્રચના પંચના સૂચન મુજબ ભોપાલનું રાજ્ય મધ્યભારત સાથે જોડીને મધ્યપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી.
જયકુમાર ર. શુક્લ