માળવા ચિત્રકલા : માળવા અને બુંદેલખંડ(આજના મધ્યપ્રદેશ)ના વિસ્તારોમાં સત્તરમી સદીમાં પાંગરેલી લઘુચિત્રકલા. રાજસ્થાની કે રાજપૂત લઘુચિત્રકલાની તે એક શાખા છે. તેના ભૌગોલિક સ્થાનને લક્ષમાં લઈને ઘણી વાર તેનો ઉલ્લેખ મધ્ય ભારતીય લઘુચિત્રકલા તરીકે થાય છે. માળવા ચિત્રકલામાં આકૃતિઓનું આલેખન સપાટ (flat) હોય છે; તેમાં ત્રિપરિમાણી ઘનત્વ બતાવવાનો પ્રયત્ન જોવા મળતો નથી. પશ્ચાદભૂ ઘણી વાર ઘેરી કથ્થાઈ, કાળી કે ઘેરી ભૂરી આલેખવામાં આવતી હોય છે. આવી ઘેરી પશ્ચાદભૂમાં માનવ-આકૃતિઓનું અને સ્થાપત્યની આકૃતિઓનું ચિત્રાંકન કરાતું. માનવ-આકૃતિઓ ઠીંગણી તથા ભરાવદાર કદવાળી આલેખાતી. સ્થાપત્ય-આકૃતિઓમાં ઊંડાણ કે પરિપ્રેક્ષ્ય દર્શાવવામાં આવતાં નહિ. ઘેરા કથ્થાઈ, ભૂરા, કાળા અને લાલ રંગો સાથે આછા બદામી, પીળા અને સફેદ રંગોની સહોપસ્થિતિને કારણે આ ચિત્રો ચિત્તાકર્ષક બન્યાં. આ શૈલી-લક્ષણો સમય વીતવા છતાં બદલાયાં નહિ. તેની આવી સંરક્ષણવાદી સંકુચિતતાને કારણે આ ચિત્રકલાનો વિકાસ થયો નહિ. 1636માં ‘રસિકપ્રિયા’ – શ્રેણીનાં ચિત્રો અને સત્તરમી સદીના અંતમાં ચીતરાયેલાં ‘અમરુ-શતક’નાં ચિત્રોમાં કોઈ શૈલીગત ફેરફાર કે વિકાસ દેખાતો નથી. માળવા ચિત્રકલાના નમૂના નવી દિલ્હીના નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયામાં, અમદાવાદના એન. સી. મહેતા કલેક્શન મ્યુઝિયમ તથા હાલમાં છત્રપતિ શિવાજી સંગ્રહાલય નામાભિધાન પામેલ, મુંબઈના પ્રસિદ્ધ ધ પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં સંગ્રહાયેલાં છે.

અમિતાભ મડિયા