માલપુર : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 20´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 365 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મેઘરજ તાલુકો, પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, દક્ષિણે બાયડ તાલુકો અને ખેડા જિલ્લો તથા પશ્ચિમે મોડાસા તાલુકો આવેલા છે. તાલુકામાં માલપુર શહેર અને એક સો ગામડાં આવેલાં છે.

માલપુર તાલુકો ડુંગરાળ છે. વાત્રક નદી માલપુર તાલુકામાં થઈને વહે છે. તેના કાંઠે ગાજણ, કંસવાડ, પીપરાણા, પહાડિયા, મગોડી અને ખલકપુર ગામો આવેલાં છે. નદીનો કાંઠો ઊંચો અને આજુબાજુ કોતરોવાળો છે. નદીનો પટ ખડકાળ છે. આ વિસ્તાર સમુદ્રથી દૂર હોઈ આબોહવા વિષમ રહે છે. મે માસનું મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 43° સે. અને 20° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29° સે. અને 10°થી 14° સે. વચ્ચેનું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 750થી 800 મિમી. જેટલો પડે છે.

માલપુર દેશી રાજ્ય હતું ત્યારે અહીં જંગલો હતાં, પરંતુ આઝાદી અગાઉ જંગલનો ઇજારો આપી દેતાં જંગલ-વિસ્તાર અને તેની ગીચતા ઘટી ગયાં છે. તાલુકાના 6,911 હેક્ટર વિસ્તારમાં, ડુંગરાળ પ્રદેશમાં જંગલો આવેલાં છે. જંગલો સૂકા પાનખર પ્રકારનાં છે. અહીં મુખ્યત્વે આકડાથી માંડીને સાગ, હળદરવો, ખાખરો, ધવ, સાદડ, તણછ, બાવળ, બોરડી, ટીમરુ, અર્જુન, ખેર જેવાં વૃક્ષો જોવા મળે છે. 2,912 હેક્ટર ભૂમિમાં ગૌચર છે. તાલુકાની 19,000 હેક્ટરની ભૂમિમાં વાવેતર થાય છે; તે પૈકીના 15થી 16 હજાર હેક્ટરમાં જુવાર, બાજરી, જવ, મકાઈ, તુવેર, ચણા, મગ, અડદ, શાકભાજી જેવા ખાદ્યપાકોનું વાવેતર થાય છે; બાકીની જમીનમાં શેરડી, કપાસ, મગફળી, એરંડા, રાઈ તથા અન્ય અખાદ્ય (રોકડિયા) પાકોનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગની ખેતી કૂવાના પાણીથી થાય છે. અહીંના પશુધનમાં મુખ્યત્વે ગાય, ભેંસ, બળદ અને બકરાંનો સમાવેશ થાય છે. દુધાળાં પ્રાણીઓને કારણે અહીં દૂધ સહકારી મંડળીઓ આવેલી છે. આ તાલુકામાંથી બેસાલ્ટ પથ્થર, મુરમ, રેતી તેમજ રંગીન માટી મળે છે.

માલપુર તાલુકામાં 191 કિમી.ના પાકા અને 285 કિમી.ના કાચા રસ્તા છે. તાલુકામાં 23 જેટલી ટપાલ-કચેરીઓ છે. અહીં એક તેલ મિલ, ચાર જિન અને એક ડાંગર ભરડવાનું કારખાનું છે. તાલુકામાં પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની સગવડ છે. અહીં શાળા વિનાનું એક પણ ગામ નથી. તાલુકામાં એક પુસ્તકાલય તેમજ અન્ય છ વાચનાલયો છે.

1991 મુજબ આ તાલુકાની વસ્તી 73,398 જેટલી છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના આદિવાસીઓ જંગલની પેદાશો એકઠી કરીને વેચે છે. માલપુર ગ્રામીણ વિસ્તાર હોઈ અહીં ઉદ્યોગોનો અભાવ છે.

શહેર : માલપુર 23° 22´ ઉ. અ. અને 73° 28´ પૂ. રે. પર આવેલું છે. તે મોડાસાથી 20 કિમી. દૂર આવેલું છે. તેની આજુબાજુ ટેકરીઓ આવેલી છે. ત્યાં ઈ.સ. 1466માં રાજ્ય કરતા માલજી ખાંટના નામ પરથી તેનું નામ માલપુર પડેલું છે.

1991 મુજબ માલપુરની વસ્તી 5,525 હતી. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 70 % જેટલું છે. માલપુર આજુબાજુનાં ગામો માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર છે. માલપુર તાલુકામાં ત્રણ વાણિજ્ય-બૅંકોની તથા ચાર સહકારી બૅંકોની શાખાઓ છે. માલપુર મગફળી, કપાસ, મકાઈ, ડાંગર, ચણા, તુવેર, ઘઉં, બાજરી, તલ, કોદરા, એરંડાના જથ્થાબંધ વેપારનું કેન્દ્ર છે.

ઇતિહાસ : માલપુરનું દેશી રાજ્ય આઝાદી પૂર્વે મહીકાંઠા એજન્સીની હકૂમત હેઠળ ત્રીજા વર્ગનું દેશી રાજ્ય હતું. કિરીટસિંહજીના નાના પુત્ર વીરજમલસિંહજીથી આઠમી પેઢીએ થઈ ગયેલા વાઘસિંહજીએ ખાંટ માલજી પાસેથી માલપુર જીતી લીધું હતું. 1780માં ઇન્દ્રસિંહજીના શાસન દરમિયાન ફતેહસિંહ ગાયકવાડે ચડાઈ કરી, માલપુર જીતી લઈને ઘાસદાણા ખંડણી ઉઘરાવી હતી. તખ્તસિંહજીના શાસન દરમિયાન (1816) ઈડરને ‘ખીચડી’ તરીકે ઓળખાતી ખંડણી ભરવી પડતી હતી. છેલ્લા રાજવી ગંભીરસિંહજી હતા. ગુજરાતનાં દેશી રાજ્યોનું વિલીનીકરણ થતાં તેમને રૂપિયા 40,600નું સાલિયાણું આપવામાં આવતું હતું, જે 1971માં નાબૂદ કરવામાં આવ્યું.

શિવપ્રસાદ રાજગોર