માર્શલ, થરગુડ (જ. 1908, બાલ્ટિમૉર, મૅરીલૅન્ડ, અમેરિકા; અ. 1993) : રંગભેદવિરોધી ન્યાયાધીશ. તેમણે લિંકન યુનિવર્સિટી ખાતે તેમજ હાર્વર્ડ યુનિવર્સિટી લૉ સ્કૂલ ખાતે અભ્યાસ કર્યો. તે પછી તેમણે ‘નૅશનલ ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ કલર્ડ પીપલ’ (1936) માટે સક્રિયપણે કાર્ય કરવા માંડ્યું અને 1940માં તેના કાનૂની સ્ટાફના વડા નિયુક્ત થયા. એટર્ની તરીકે ‘બ્રાઉન વિ. બોર્ડ ઑવ્ એજ્યુકેશન ઑવ્ ટૉપેકા’ અંગેના કેસમાં 1954માં તેમની ઐતિહાસિક જીત થઈ; કારણ કે અદાલતમાં એવો ચુકાદો આવ્યો કે જાહેર શાળાઓમાં રંગભેદની નીતિ બંધારણવિરુદ્ધ છે. આફ્રિકન-અમેરિકન પ્રકારના લોકો પ્રત્યે રખાતા પૂર્વગ્રહ અંગેના કેસમાં બીજો નોંધપાત્ર વિજય તેમણે હાંસલ કર્યો.

થરગુડ માર્શલ

1961માં અમેરિકાની ‘કૉર્ટ ઑવ્ અપીલ્સ’માં તેઓ નિયુક્તિ પામ્યા હતા. 1965માં તેઓ સોલિસિટર જનરલ તરીકે નિમાયા. સૌથી મહત્વની સિદ્ધિ એ કે તેઓ અમેરિકાની સુપ્રીમ કૉર્ટના સર્વપ્રથમ આફ્રિકન-અમેરિકન સભ્ય નિયુક્ત થયા હતા.

મહેશ ચોકસી