માર્શલ, બેરી (જ. 30 સપ્ટેમ્બર 1951, કૅલ્ગૂર્લી, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. તેમણે 1974માં યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1977–84 સુધી રૉયલ પર્થ હૉસ્પિટલમાં સેવા આપી અને પછી યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા નૅડલૅન્ડ્સમાં આયુર્વિજ્ઞાનનું શિક્ષણકાર્ય કર્યું. 1981માં જઠરાંત્રવિજ્ઞાન (gastroenterology) વિભાગમાં કામ કરતા આ યુવાન વિજ્ઞાનીને રૉબિન વૉરેનનાં સંશોધનોમાં રસ જાગ્યો. જઠરમાં થતા આ કુંતલાકાર બૅક્ટેરિયાનું ચિકિત્સીય મહત્વ નક્કી કરવા તેમણે અને વૉરેને સાથે સંશોધન કરવાનો પ્રારંભ કર્યો. તેમણે બંનેએ પ્રયોગશાળામાં આ બૅક્ટેરિયાનું સંવર્ધન કર્યું અને તેને નવી જાતિ, Helicobacter pylori તરીકે ઓળખાવ્યું. જઠરશોથ (gastritis), જઠરીય ચાંદાં અને પક્વાશય(duodenum)નાં ચાંદાંના 100 દર્દીઓની જઠરની પેશીઓનું જૈવપરીક્ષણ કરી તેમણે પ્રતિપાદિત કર્યું કે H. pylori આ બધા રોગો માટે જવાબદાર છે.

બેરી માર્શલ

જઠરીય ચાંદાંના ચેપના આ કારણ વિશે ચિકિત્સકો શંકાશીલ હતા. તેઓ આ રોગ માટે પરંપરાગત ચિકિત્સાઓને વળગી રહ્યા. માર્શલ અને વૉરેન પણ તેમનાં સંશોધનો માટે અડગ રહ્યા અને પુરાવાઓ એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું. આયુર્વિજ્ઞાનના ઇતિહાસમાં પોતાના પર પ્રયોગ કરવા(self-experimentation)નાં સૌથી નોંધપાત્ર ઉદાહરણોમાં માર્શલના ઉદાહરણનો સમાવેશ થાય છે. તેમણે H. pyloriનું સંવર્ધન પ્રવાહી પીધું અને એક જ અઠવાડિયામાં તેમને જઠરનો દુખાવો અને તીવ્ર જઠરશોથનાં અન્ય ચિહનો જણાયાં. તેમના જઠરની પેશીનું જૈવપરીક્ષણથી સાબિત થયું કે તેમને જઠરશોથ થયો હતો અને તેમના જઠરના ચેપગ્રસ્ત ભાગોમાં H. pyloriની હાજરી હતી. માર્શલ પ્રતિજૈવિક ઔષધો લેતાં સાજા થઈ ગયા.

માર્શલ અને વૉરેનના સંશોધનથી હવે જઠરીય ચાંદાં વારંવાર અશક્તિ ઉત્પન્ન કરતો દીર્ઘકાલિક (chronic) રોગ રહ્યો નથી. ટૂંકા ગાળાની પ્રતિજૈવિક (antibiotic) ઔષધની અને ઍસિડ-સ્રાવના અવરોધકોની ચિકિત્સા આપતા રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. ઉપર્યુક્ત સંશોધનો બદલ માર્શલ અને વૉરેનને સંયુક્તપણે 2005નું દેહધર્મવિદ્યા કે આયુર્વિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્વીડન આ શોધને ‘અસાધારણ અને અનપેક્ષિત’ ગણાવે છે.

આ સંશોધનો પરથી એવો એક ખ્યાલ બંધાઈ રહ્યો છે કે અન્ય દીર્ઘકાલિક શોથના રોગોમાં સૂક્ષ્મજીવ કારણરૂપ હોઈ શકે છે. સંધિવા(arthritis)થી માંડી ધમની-કઠિનીકરણ (atherosclerosis) અને ધમની-અવરોધન (artery-clogging) જેવા રોગો (જે હૃદયરોગના હુમલા માટે જવાબદાર છે.) ઉપર બૅક્ટેરિયલ ચેપના પ્રભાવ વિશે સંશોધનો થઈ રહ્યાં છે.

બળદેવભાઈ પટેલ