માર્શલ ટાપુઓ : પેસિફિક મહાસાગરના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલા 31 કંકણાકાર પ્રવાળદ્વીપોથી, 5 ટાપુઓથી તથા 1,152 નાનકડા બેટોથી બનેલો સમૂહ. તે 5°થી 15° ઉ. અ. અને 161°થી 173° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ સમૂહ કેરોલિન ટાપુઓથી પૂર્વમાં અને ગિલ્બર્ટ ટાપુઓથી વાયવ્યમાં આવેલો છે, તે કિરિબાતી રાષ્ટ્રના એક ભાગરૂપ ગણાય છે. આ ટાપુઓ પેસિફિકના આ વિસ્તારમાં માઇક્રોનીશિયા(નાના ટાપુઓ)ના નામથી પણ ઓળખાય છે. તે યુ.એસ. સાથે સંકલિત હોવા છતાં મુક્ત સ્વશાસિત રાજકીય એકમ છે.

તેમનો કુલ વિસ્તાર આશરે 181 ચોકિમી. જેટલો છે. તે વાયવ્ય-અગ્નિ દિશામાં કમાન આકારે વિસ્તરેલી બે લગભગ સમાંતર હારમાં ગોઠવાયેલા છે. બંને હાર એકમેકથી આશરે 200 કિમી. અંતરમાં રહેલી છે, તથા પ્રત્યેક હાર 1,000 કિમી. લંબાઈવાળી છે. પૂર્વ સમૂહની હાર રતાક (જૂનું નામ રડાક, સૂર્યોદય શ્રેણી) અને પશ્ચિમ સમૂહની હાર રેલિક (અથવા સૂર્યાસ્ત શ્રેણી) નામથી ઓળખાય છે.

આ ટાપુઓની આબોહવા અયનવૃત્તીય છે, પરંતુ દરિયાઈ લહેરો હવાને ઠંડી રાખે છે. વરસાદનું પ્રમાણ ટાપુઓના ઉત્તર ભાગોમાં ઓછું અને દક્ષિણ ભાગોમાં વધુ રહે છે. ભૂમિ પર આચ્છાદિત પ્રવાળયુક્ત રેતીમાં અમુક જ પ્રકારની વનસ્પતિ ઊગી શકે છે; નાળિયેરી, કેળાં, પપૈયાં, પાંડાનસ તેમજ બ્રેડફ્રૂટનાં વૃક્ષોનો તેમાં સમાવેશ થાય છે. કોપરાં અહીંની મુખ્ય પેદાશ છે. પરવાળાના ખરાબાઓમાં પુષ્કળ પ્રમાણમાં માછલાં પણ થાય છે. કોપરાં, માછલાં, નાળિયેર, ટમેટાં, તડબૂચ, બ્રેડફ્રૂટ અને ફૉસ્ફેટની અહીંથી નિકાસ કરવામાં આવે છે. પ્રવાસનને અહીં ખૂબ મહત્વ અપાય છે. અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે.

અહીંના લોકો માઇક્રોનીશિયન કહેવાય છે. તેઓ હુન્નરઉદ્યોગ ક્ષેત્રે જાણીતા છે. ઓગણીસમી સદીમાં યુરોપિયનો અહીં આવેલા, તેમના દ્વારા રોગ ફેલાયેલો અને અહીંના ઘણા લોકો મૃત્યુ પામેલા. 1994 મુજબ આ ટાપુઓની કુલ વસ્તી 54,000 જેટલી છે, તે પૈકીના 97 % માર્શલીઝ છે, તેઓ મૂળ માઇક્રોનીશિયન વંશના છે. અહીંના 93 % લોકો શિક્ષિત છે. માર્શલીઝ તેમજ અંગ્રેજી ભાષાઓ અહીં બોલાય છે. તેઓ ખ્રિસ્તી (પ્રૉટેસ્ટંટપંથીઓ) તેમજ બહાઈ ધર્મ પાળે છે. નાણાવ્યવહાર અહીં ડૉલરમાં ચાલે છે.

ઈ.પૂ. 1000ના અરસામાં માઈક્રોનીશિયનોએ અહીં વસવાટ કરેલો. માર્શલ ટાપુઓ પર 1529માં મુલાકાત લેનાર પ્રથમ શ્વેત માનવ કદાચ સ્પૅનિશ નૌકાયાત્રી આલ્વેરો (મિગ્વેલ) દ સાવેદ્રા હતો. તે પછીથી આ ટાપુઓ પર સ્પેનનો કબજો રહેલો. 1788માં આ ટાપુઓને ખૂંદી વળનાર બ્રિટિશ દરિયાઈ કૅપ્ટન જૉન માર્શલના નામ પરથી આ ટાપુઓને નામ અપાયેલું છે. 1875માં જર્મન વેપારીઓ આવેલા અને તેમણે અહીં પોતાનું વર્ચસ્ જમાવવા માંડેલું. 1885માં આ ટાપુઓ જર્મનીના કબજામાં ગયા. 1899માં તેમણે મરિયાના અને કેરોલિન ટાપુઓ સહિત સ્પેન પાસેથી આ ટાપુઓ પણ ખરીદી લીધેલા. પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભે 1914માં જ જાપાની દળોએ માર્શલ ટાપુઓનો કબજો મેળવી લીધેલો. યુદ્ધ બાદ 1920–44 દરમિયાન રાષ્ટ્રસંઘની મુખત્યારી હેઠળ જાપાનને અહીં શાસન કરવાની મંજૂરી મળી. તે પછીથી અહીં વસ્તી વધતી ગઈ. 1933માં જાપાને રાષ્ટ્રસંઘ છોડી દીધું અને પોતે આ ટાપુઓનું માલિક હોવાનું જાહેર કર્યું. તેમણે યુરોપિયનોને ત્યાં પ્રવેશની મનાઈ ફરમાવી અને લશ્કરી થાણાં બાંધી દીધાં. 1944ની શરૂઆતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી દળોએ માર્શલ ટાપુઓ પરના ક્વાજાલીન (Kwajalein) અને એનવિતોક (Enewetok) પર હુમલા કર્યા, તથા બધા જ ટાપુઓ પર કબજો મેળવી લીધો. 1947માં, યુદ્ધની સમાપ્તિ બાદ માર્શલ ટાપુઓ પૅસિફિક ટાપુઓની યુનાઇટેડ નેશન્સ ટ્રસ્ટ ટેરિટરીનો ભાગ બની રહ્યા, તેમજ ત્યાં યુ.એસ.નો વહીવટ શરૂ થયો. 1946–63 દરમિયાન યુ.એસ. દ્વારા એનવિતોક અને બિકિની ટાપુઓ પર અણુઅખતરા કરવામાં આવેલા. અહીંના ટાપુવાસીઓએ તેમને થયેલા નુકસાન બદલ વળતર પણ માગેલું. 1986માં યુ.એસ.એ આ ટાપુઓને સ્વશાસનનો અને પોતાની સરકાર નીમવાનો અધિકાર આપ્યો. તે પછીથી તેમણે શાસન માટે ઉદ્દામવાદી લોકશાહી પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ હેઠળ તેઓ પોતાની આંતરિક અને વિદેશી નીતિની બાબતો સંભાળે છે, તેમ છતાં કટોકટી આવી પડે તો આ ટાપુઓનું રક્ષણ કરવાનો અધિકાર યુનાઇટેડ સ્ટેટ્સે પોતાને હસ્તક અબાધિત રાખેલો છે. અહીંની રાજધાનીનું સ્થળ મજરો (Majuro) નામના કંકણાકાર પ્રવાળદ્વીપ ખાતે આવેલું છે. વસ્તીવાળો પ્રત્યેક દ્વીપ પોતાનો વહીવટ સ્થાનિક સરકાર દ્વારા ચલાવે છે.

ગિરીશભાઈ પંડ્યા