માર્શલ, જ્યૉર્જ કૅટલેટ (જ. 31 ડિસેમ્બર 1880, યુનિયનટાઉન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1959) : બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યોને મળેલા વિજયમાં મહત્વનો ભાગ ભજવનાર ને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર વ્યવસાયી લશ્કરી અધિકારી.

જ્યૉર્જ કૅટલેટ માર્શલ

1897માં વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ, લૅક્સિંગટન, વર્જિનિયામાં પ્રવેશ મેળવી 1901માં તેમણે અભ્યાસ પૂરો કર્યો. 1902થી લશ્કરી કારકિર્દીની શરૂઆત કરી 1 સપ્ટેમ્બર 1939ના રોજ ચીફ ઑવ્ સ્ટાફ ઑવ્ આર્મીના સર્વોચ્ચ પદે તેઓ પહોંચ્યા. આ જ દિવસે જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું હતું ને બીજું વિશ્વયુદ્ધ આરંભાયું હતું. આ પદ પર તેઓ છ વર્ષ રહ્યા. યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસના સૌથી મોટા હવાઈ દળ સહિતના સૈન્યને આ ગાળા દરમિયાન તેમણે ઊભું કર્યું ને સુસજ્જ કર્યું. તેમણે હોદ્દો સંભાળ્યો ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં બે લાખ ઑફિસર ને સૈનિક હતા; ચાર વર્ષ બાદ તેની પાસે ત્યાશી લાખનું સુસજ્જ તાલીમબદ્ધ સૈન્ય હતું. યુદ્ધ-સંચાલન સાથે સંકળાયેલી કાસાબ્લાંકા, વૉશિંગ્ટન, ક્વિબેક, કેરો અને તહેરાનમાં મળેલી કૉન્ફરન્સમાં પણ તેમણે આગળપડતો ભાગ લીધો હતો. વિન્સ્ટન ચર્ચિલે એમને મિત્રરાજ્યોના વિજયના ખરા પ્રબંધક તરીકે ઓળખાવેલા. તે પરથી બીજા વિશ્વયુદ્ધમાં તેમની ભૂમિકા કેટલી મહત્વની હતી તેનો ખ્યાલ આવે છે. 21 નવેમ્બર, 1945ના રોજ તેમણે ચીફ ઑવ્ આર્મી સ્ટાફનું પદ છોડ્યું હતું.

નિવૃત્તિ પછી એમની શક્તિઓનો લાભ લેવા પ્રેસિડન્ટ ટ્રુમેને એમને ત્રણ વાર સક્રિય સેવા માટે બોલાવેલા. એક તો ચીનમાં નૅશનલિસ્ટ ને સામ્યવાદી પરિબળો વચ્ચે ચાલતા આંતરસંઘર્ષમાં મધ્યસ્થી કરવા પ્રેસિડન્ટે જે મિશન મોકલ્યું તેના વડા તરીકેની કામગીરી એમને સોંપવામાં આવી હતી. આ કાર્યમાં તેમને ખાસ સફળતા મળી નહોતી.

જાન્યુઆરી 1947માં પ્રમુખ ટ્રુમેને માર્શલને સેક્રેટરી ઑવ્ સ્ટેટ તરીકે નીમ્યા. માર્શલ યોજના તરીકે જાણીતો યુરોપના આર્થિક પુનરુત્થાન માટેનો કાર્યક્રમ તેમણે રજૂ કર્યો ને અમલી બનાવ્યો. બીજા વિશ્વયુદ્ધમાં ભાંગી પડેલા યુરોપને બેઠું કરવાના કામમાં આ યોજના નીચે અપાયેલી સહાયે મહત્વનો ભાગ ભજવ્યો. તેમના સેક્રેટરી ઑવ્ સ્ટેટ તરીકેના કાર્યકાળમાં જ યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયલને માન્યતા આપી. નાટોનૉર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગનિઝેશન-ની સ્થાપના તરફ દોરી જતી વાટાઘાટો પણ આ ગાળામાં આરંભાઈ હતી. તબિયતને કારણે બે વર્ષ બાદ તેમણે આ સ્થાન છોડ્યું હતું. 1950માં માર્શલ સિત્તેર વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે વળી પ્રેસિડેન્ટ ટ્રૂમેને એમને સેક્રેટરી ઑવ્ ડિફેન્સનો કાર્યભાર સોંપ્યો. કોરિયન યુદ્ધ માટે સૈન્ય વધારવાનું, તેને સજ્જ કરવાનું, ને તેનો જુસ્સો ટકાવવાનું કામ 1950–51ના ગાળામાં તેમણે કર્યું. લશ્કરી સરંજામનું ઉત્પાદન પણ તેમણે વધાર્યું ને સાર્વત્રિક લશ્કરી તાલીમની યોજનાનેય આગળ ધપાવી.

માર્શલ ઉત્તમ સૈનિક હતા ને સરકારમાં સૈનિક પાંખના શ્રેષ્ઠ પ્રતિનિધિ જેવા હતા; છતાં તેમણે સરકારમાં સર્વોચ્ચતા તો મુલકી, બિનલશ્કરી પાંખની જ હોવી જોઈએ એ લોકતંત્રના સિદ્ધાંતનો પૂરો આદર જાળવ્યો. ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને ટ્રુમેનના નેતૃત્વ હેઠળ રહીને જ તેમણે કામ કર્યું.

1953માં બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપના આર્થિક પુનરુત્થાનમાં ને વિશ્વમાં શાંતિ ને સમજ વિસ્તારવામાં કરેલા પ્રદાનને અનુલક્ષીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર તેમને અર્પણ કરવામાં આવ્યો. આ બહુમાન મેળવનાર તેઓ એકમાત્ર વ્યવસાયી સૈનિક રહ્યા છે.

જીવનનાં પાછળનાં વર્ષોમાં મેકાર્થી ને તેમના સહયોગીઓની કડવી ટીકાઓનો તેઓ ભોગ બન્યા હતા. ડિસેમ્બર 1941માં થયેલ પર્લ હાર્બર પરના હુમલાની જાપાની યોજના અંગે ત્યાંના સેનાપતિઓને અંધારામાં રાખવાનું કાવતરું તેમણે ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ સાથે મળીને કર્યું હતું, તેવો આક્ષેપ તેમના પર થયો. વ્યૂહરચનામાં તેમણે સતત સોવિયેત રશિયાને અનુકૂળ ઝોક રાખ્યો હતો એમ પણ કહેવાયું. ચીનના આંતરસંઘર્ષના પ્રશ્નમાં નૅશનલિસ્ટ નેતા ચાંગ કાઇ-શેકને તેમણે દગો દીધો હતો એવો આક્ષેપ પણ થયો. પાછલા અભ્યાસોએ આ આક્ષેપો ખોટા અથવા વધુપડતા હતા એમ દર્શાવી આપ્યું છે; આમ છતાં પાછલાં વર્ષોમાં આ સર્વની છાયા તેમના જીવન પર પડેલી રહી.

બદરીપ્રસાદ મ. ભટ્ટ