માર્લો, ક્રિસ્ટોફર (જ. 6 ફેબ્રુઆરી 1564, કૅન્ટરબરી; અ. 30 મે 1593, ડેફ્ટફર્ડ) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ. એલિઝાબેથના સમયના ‘યુનિવર્સિટી વિટ’ નામક વૃંદના સભ્ય. સામાજિક રૂઢિઓ વિરુદ્ધ બંડ કરવાની સ્વૈરવૃત્તિ અને તે મુજબનું આચરણ કરનારા લેખક. પિતા ચર્મકાર. શિક્ષણ કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને કૉર્પસ ક્રિસ્ટી કૉલેજ, કેમ્બ્રિજમાં. બી.એ. 1584માં અને એમ.એ. 1587માં. એલિઝાબેથના યુગના શેક્સપિયરના પુરોગામીઓમાં સૌથી મોટા અને અગત્યના નાટ્યકાર. જોકે નાટ્યકાર તરીકેની તેમની કારકિર્દી માત્ર 6 વર્ષની. શિષ્ટ સાહિત્યના અઠંગ અભ્યાસી. ‘ઍડમિરલ્સ મૅન’ નામના નટમંડળ સાથે તેમનો આત્મીય સંબંધ અને તે નિમિત્તે નાટકોનું સર્જન. સરકારમાં ફ્રાન્સિસ વૉલ્સિંગહૅમના રહસ્યમંત્રી તરીકે ફરજ બજાવતા. સર વૉલ્ટર રૅલેના મિત્રવૃંદમાં તેમની ગણતરી થતી. મૂળથી જ સાહસિક સ્વભાવના અને દુરાચારી જીવનતરફી ઝોકવાળા. ધર્મ-સંબંધી તેમના વિચારો ઉદ્દંડ હતા. 1593માં તેમને પાખંડી-નાસ્તિક તરીકે વખોડી કાઢવામાં આવ્યા. તેમના ઉપર મુકદ્દમો ચલાવાય તે પહેલાં જ તે જ વર્ષના મે માસમાં ખાણીપીણીના પીઠામાં નાણાકીય લેવડદેવડના ઝઘડામાં તેમનું ખૂન થઈ ગયું.

ક્રિસ્ટોફર માર્લો

પ્રાસરહિત પદ્ય તરીકે બ્લૅન્ક વર્સના વિકાસમાં માર્લોનું પ્રદાન નોંધપાત્ર છે. તેમનાં 5 નાટકોમાં 3નું પ્રકાશન મરણોત્તર થયું છે. ‘ટૅમ્બરલેન ધ ગ્રેટ’ (1590) કરુણાંતિકામાં સામાજિક, રાજકીય અને ધાર્મિક વિચારોને ઠેબે ચડાવતા અતિમહત્વાકાંક્ષી અને સત્તાના નશામાં ચૂર અને ક્રૂર એવા તુર્ક સમ્રાટ તૈમૂર લંગનું ચરિત્રચિત્રણ છે. ‘એડ્વર્ડ સેકંડ’ (1594) ઐતિહાસિક નાટક સફળ ગણાયું છે. રાજા એડ્વર્ડ, ઉમરાવ પિયર્સ ગૅવસ્ટન અને રાણી ઇઝાબેલાનો પ્રેમી મૉર્ટિમર – એમ ત્રણેયના કરુણ અંજામની રજૂઆત કરતું આ નાટક નોંધપાત્ર છે. ‘ધ ટ્ર્રૅજિકલ હિસ્ટરી ઑવ્ ડૉક્ટર ફૉસ્ટસ’ (1604 ?) ફૉસ્ટસ વિશેની યુરોપની જાણીતી દંતકથા પર આધારિત નાટક છે. સત્તાના ચરમ શિખરે બેઠેલા ડૉ. ફૉસ્ટસના આત્માનો કબજો લેવા શરત મુજબ મેફિસ્ટૉફિલીસ આવે છે. તે અંતિમ પળોમાં સમયને વરસ, મહિનો કે છેવટે એક દિવસ થોભી જવા માટે ડૉક્ટરે કરેલી આજીજીના શબ્દો સાહિત્યમાં ચિરસ્મરણીય બન્યા છે. ‘મૅસેકર ઍટ પૅરિસ’માં પ્રૉટેસ્ટન્ટ ધર્મના માણસોની કતલ સેંટ બાર્થોલોમ્યુના 24 ઑગસ્ટના પવિત્ર દિવસે થઈ તે સમકાલીન ઘટનાનું વસ્તુ છે. ‘ધ જ્યૂ ઑવ્ માલ્ટા’(1633)માં પોતાનાં ઘરબાર અને ધન તુર્કીના સુલતાને જપ્ત કરતાં ઝનૂની બનેલો બાર્બાસ પોતાની પુત્રી આબિગેલ અને તેના પ્રેમીને મારી નંખાવે છે અને છેવટે તુર્કીના સેનાધિપતિનો પણ ધ્વંસ કરવાનું કાવતરું કરે છે; પરંતુ પોતાના કાવતરાનો ભોગ તે ખુદ બને છે અને ઊકળતા તાવડામાં પડી જાય છે અને મૃત્યુ પામે છે. ‘ધ ટ્રૅજડી ઑવ્ ડિડો, ક્વીન ઑવ્ કાર્થેજ’ (1594) માર્લો અને નૅશનું સહિયારું સર્જન છે. આ નાટક વર્જિલના મહાકાવ્ય ‘ઈનીડ’ પર આધારિત છે. આમાં રાણી ડિડો પોતાના પ્રેમી ઇનિયસને કાર્થેજમાં રહેવા મનાવી શકતી નથી અને તેથી આત્મહત્યા કરે છે. આ નાટક ‘ચિલ્ડ્રન ઑવ્ ક્વીન્સ ચૅપલ’ દ્વારા ભજવાયેલું.

એક મત અનુસાર શેક્સપિયરનાં કેટલાંક નાટકોના અંશો માર્લોએ લખ્યા છે. તેના પ્રત્યેક નાટકમાં કેન્દ્રસ્થાને રહેલું પાત્ર તે તીવ્ર લાગણી ધરાવતાં અને એક જ ધ્યેયમાં રચ્યોપચ્યો રહેતો માણસ છે. તે ધ્યેયને હાંસલ કરવાની તેની અપરિમિત ઇચ્છા તેના સર્વનાશનું નિમિત્ત બને છે. આ નાટકો તેમાંની રણકાદાર અને બુલંદ નાદમાધુર્ય ધરાવતી પ્રવાહી ભાષા અને તેની જીવંતતાને લીધે જાણીતાં બન્યાં છે.

કવિ તરીકેની માર્લોની ઓળખ તેમના ‘ધ પૅશનેટ શેફર્ડ’ (1599) (જેમાંનું ઊર્મિગીત ‘કમ, લિવ વિથ મી ઍન્ડ બી માય લવ’ ખૂબ જાણીતું છે) અને ‘હીરો ઍન્ડ લિયૅન્દર’ (જે અધૂરું રહ્યું હતું અને તેને જ્યૉર્જ ચૅપમૅન નામના કવિએ પૂરું કર્યું હતું.) (1598) કાવ્યોથી સવિશેષ છે. માર્લોએ તેમના વિદ્યાર્થીકાળમાં લૅટિન કવિઓ લ્યુકન અને ઑવિડનાં અનુક્રમે ‘ફ્રેઝાલિયા’ (1600) અને ‘એલિજિઝ’ (1595) નામનાં કાવ્યોના અનુવાદ કર્યા હોય તેમ લાગે છે.

વિ. પ્ર. ત્રિવેદી