માર્લ (Marl) : જળકૃત ખડકનો એક પ્રકાર. ચૂનાયુક્ત પંકપાષાણ. માટી અને કૅલ્સાઇટ કે ડૉલોમાઇટની કવચ-કણિકાઓના ઓછાવત્તા ઘનિષ્ઠ મિશ્રણથી બનેલો પ્રમાણમાં નરમ ખડક. સામાન્ય રીતે તે રાખોડી કે ભૂરા રાખોડી રંગવાળો અને ઓછાવત્તા પ્રમાણમાં વિભાજનશીલ તેમજ ચૂર્ણશીલ હોય છે. કેટલાંક લક્ષણોમાં તે ચૉક(ખડી)ને મળતો આવે છે અને તેથી કેટલાંક સ્થાનોમાં તો તે ચૉક સાથે આંતરસ્તરો રૂપે મળે પણ છે. તે દરિયાઈ ઉત્પત્તિજન્ય હોઈ શકે છે, તેમ છતાં તે કેટલાંક સ્વચ્છ જળનાં સરોવરોમાં પણ બને છે. તેની રચના માટે અમુક જલજ વનસ્પતિની વિશિષ્ટ ક્રિયા કારણભૂત ગણાય છે; કારણ કે જલજ વનસ્પતિ પાણીમાંના બાયકાર્બોનેટમાંથી પોતાના પ્રકાશસંશ્લેષણ માટે CO2 ખેંચે છે અને તેથી ત્યાં સ્થાનિક રીતે CaCO3ની દ્રાવ્યતા ઘટાડે છે, પરિણામે તેનું અવક્ષેપન થાય છે. CaCO3ની અવક્ષેપિત પતરીઓ કે કણિકાઓ તળ પર જમા થાય છે, નીચેની માટી સાથે અવક્ષેપ મિશ્ર થતો જઈ માર્લ તૈયાર થાય છે. ઇંગ્લૅન્ડની ટ્રાયાસિક રચનામાં માર્લ ખડકો મળે છે. સ્થાનભેદે માર્લમાંનું માટીપ્રમાણ ભિન્ન ભિન્ન રહે છે. ઓછી માટીની માત્રાવાળા આ પ્રકારના ખડકને માર્લયુક્ત ચૂનાખડક (marly limestone), તો વધુ માટીપ્રમાણવાળા હોય તેને માર્લયુક્ત મૃદ (marly clay) કહે છે. 25 % થી 75 % માટીદ્રવ્ય અને CaCO3(ભાગ્યે જ ડૉલોમાઇટ)ના બંધારણવાળા, માર્લ જેવા જ, પણ પ્રમાણમાં સખત ખડકને માર્લાઇટ અથવા માર્લપાષાણ કહે છે; તે વિભાજકતાનો ગુણધર્મ ધરાવતો હોતો નથી, પરંતુ દળદાર અને ગચ્ચાંમાં તૂટતો, આછા વલયાકાર પ્રભંગવાળો હોય છે. ચૂનેદાર દ્રવ્ય વધવાની સાથે તે મૃણ્મય ચૂનાખડક તરીકે ઓળખાય છે. અમેરિકામાં ઉપર્યુક્ત પર્યાય બિનસંસક્ત (incoherent) રેતીજથ્થા માટે, પરંતુ અન્ય દેશોમાં ઘનિષ્ઠ અશુદ્ધ ચૂનાખડક માટે વપરાય છે. યુ.એસ.ના કિનારાનાં મેદાનોમાં આ નામ ઓછા સંસક્ત જળકૃત નિક્ષેપ માટે ઉપયોગમાં લેવાય છે, પછી તે આંશિક કે વિપુલ માત્રાવાળી ચૂનાયુક્ત માટી હોય અથવા કાંપકાદવ હોય, સૂક્ષ્મ દાણાદાર ચૂનાયુક્ત રેતી હોય, ગ્લોકોનાઇટ–ધારક–માટી–કાંપકાદવ કે રેતી હોય, કે પછી જામ્યા વગરના કવચ-કણિકાઓના નિક્ષેપો હોય. યુ.એસ.ના અંદરના ભાગોમાં જેમાં CaCO3નું પ્રમાણ 90 %થી 30 % કે થોડું ઓછું પણ હોય એવા સરોવરજન્ય ચૂનાયુક્ત નિક્ષેપો માટે પણ ‘માર્લ’ શબ્દ વપરાય છે. તેથી આ નામ હેઠળ વિશિષ્ટ બંધારણવાળો ખડક હોવાનો અર્થ નીકળતો નથી, માટે ‘માર્લ’ પર્યાયને કાલગ્રસ્ત ગણવાનું સૂચન થયેલું છે; તેમ છતાં દુનિયાભરમાં તે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતો હોવાથી આ પર્યાય તેના સ્પષ્ટ અર્થઘટન સહિત જ ઉપયોગમાં લેવાનું રાખવું એવું સૂચન થયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા