માર્લો-પૉન્તી, મૉરિસ (જ. 14 માર્ચ 1908, રૉકફર્ડ, ફ્રાન્સ; અ. 4 મે 1961, પૅરિસ) : ફ્રેન્ચ તત્વચિંતક. પૉન્તીએ પ્રત્યક્ષાનુભવ(perception)ના નિરૂપણને અને શરીરવિષયક વિચારણાને તેમના તત્વચિંતનમાં ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે.

પૉન્તીના પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પૉન્તીએ ફ્રૅન્ચ પાયદળ(ઇનફન્ટ્રી)માં સેવાઓ આપી હતી. જર્મનોએ તે સમયે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. જર્મનોનો પ્રતિકાર કરવા માટે ‘સોશ્યલિઝમ ઍન્ડ ફ્રીડમ’ નામનું એક જૂથ કામ કરતું હતું. તેમાં અગ્રણી ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર સાથે પૉન્તી પણ જોડાયા હતા. સાર્ત્ર અને સિમોં દ બોવા સાથે પૉન્તીએ 1945થી 1952 દરમિયાન ફ્રાન્સના એક પ્રખ્યાત જર્નલ ‘Les Temps Modernes’માં કામ કર્યું હતું.

સાર્ત્ર અને પૉન્તી કેવળ ગ્રંથનિષ્ઠ વિદ્વાનો ન હતા. તેઓ ક્રિયાશીલ બૌદ્ધિકો (intellectuals) હતા. સર્જકો કે ચિંતકો પોતાના સમયના રાજકીય-સામાજિક પ્રવાહો સાથે કશી નિસબત ન ધરાવે તે કલ્પના પણ તેમને માટે અસહ્ય હતી. ફ્રાન્સમાં તે સમયે મુખ્ય સમસ્યા એ હતી કે સર્જકો-ચિંતકોએ પોતાના દેશના સામ્યવાદી પક્ષ સાથે જોડાઈને સમાજ-પરિવર્તન માટે પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે પછી ક્રિયાશીલ બૌદ્ધિકો તરીકે પોતાની રીતે–સ્વતંત્ર રીતે સામાજિક-રાજકીય ક્ષેત્રે પ્રતિબદ્ધ થવું જોઈએ ? ફ્રાન્સમાં જ્યારે મોટાભાગના બૌદ્ધિકો માર્ક્સવાદના સમર્થક બન્યા હતા ત્યારે ભૌતિકવાદ સામેના વિરોધને કારણે સાર્ત્ર માર્ક્સવાદને સ્વીકારવા તૈયાર ન થયા, પરંતુ જ્યારે સ્તાલિનવાદી દમન અંગેની જાણકારી પછી મોટાભાગના તે જ બૌદ્ધિકો સામ્યવાદનો વિરોધ કરતા હતા ત્યારે (એટલે કે 1952–53માં) સાર્ત્ર માર્ક્સવાદના સમર્થક બની રહ્યા હતા. મૂડીવાદી શોષણ અને સામ્રાજ્યવાદી દમન સામે તો માર્ક્સવાદી વિચારધારાને જ ટેકો આપવો પડે તેવું તે સમયે ઘણા ફ્રેન્ચ ચિંતકોની જેમ પૉન્તી પણ સમજતા હતા, પરંતુ ફ્રેન્ચ સામ્યવાદી પક્ષની નીતિઓની સમીક્ષા કરવાનું સ્વાતંત્ર્ય ગુમાવવાની પૉન્તીની તૈયારી ન હતી. હંગેરીની ઘટનાઓ (1955–1956) પછી પૉન્તીએ આખરે સામ્યવાદને સમર્થન આપવાનું છોડી દીધું હતું. આલ્બેર કામૂ અને પૉન્તી સાથેની સાર્ત્રની મૈત્રીનો આ ક્ષેત્રના વિવાદના સંદર્ભમાં જ અંત આવ્યો હતો તે બાબતનો ઉલ્લેખ તે બંનેને આપેલી શોકાંજલિઓમાં સાર્ત્રે કર્યો છે.

1949થી પૉન્તીએ સૉરબા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને 1953થી તેમણે ફ્રાન્સની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા કૉલેજ-દ-ફ્રાન્સમાં તત્વવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

‘ધ સ્ટ્રક્ચર ઑવ્ બિહેવિયર’ (1942 : અંગ્રેજી અનુવાદ 1963); ‘ફિનૉમિનૉલૉજી ઑવ્ પર્સેપ્શન’ (1942, 1963); ‘હ્યૂમેનિઝમ ઍન્ડ ટેરર’ (1947, 1969); ‘સેન્સ ઍન્ડ નૉનસેન્સ’ (1948, 1964); ‘ઇન પ્રેઇઝ ઑવ્ ફિલૉસૉફી’ (1953, 1963); ‘એડવેન્ચર્સ ઑવ્ ડાયલેક્ટિક’ (1955, 1973); ‘સાઇન્સ’ (1960, 1964) અને ‘ધ વિઝિબલ ઍન્ડ ધી ઇનવિઝિબલ’ (મરણોત્તર પ્રકાશન 1964, 1966) – એ પૉન્તીનાં મહત્વનાં પુસ્તકો છે. તે દ્વારા તેમણે ફ્રેન્ચ ફિનૉમિનૉલૉજી અને ફ્રેન્ચ અસ્તિત્વવાદમાં પોતાનું આગવું યોગદાન કર્યું છે.

પૉન્તીએ જ્ઞાતા/જ્ઞેય, મન/શરીર અને સત્તા/અસ્તિત્વના પ્રચલિત તાત્વિક ભેદોને જીવંત અનુભવ(live experience)ની ફિનૉમિનૉલૉજીના સંદર્ભમાં વિસર્જિત કરવાનું પસંદ કર્યું હતું.

પૉન્તીના શરીરવિચાર અને પ્રત્યક્ષ વિચારને સમજવા માટે આ સદીના પૂર્વાર્ધમાં સ્થપાયેલા જર્મન ફિલસૂફ એડમન્ડ હુસેર્લ(1859–1938)ના પ્રતિભાસવિચાર(phenomenology)નો સંદર્ભ સમજવો જરૂરી છે. ફિનૉમિનૉલોજી એટલે કોઈ પણ અનુભવાતા વિષયનો, માત્ર અનુભવાતા વિષય તરીકેનો જ વિચાર કે અભ્યાસ. પ્રતિભાસ-વિચારપદ્ધતિ પ્રમાણે ચેતના સમક્ષ પ્રતિભાસિત થતી બાબતો(phenomena)નું વર્ણન એટલે ફિનૉમિનૉલૉજી. પ્રતિભાસવિચારનું લક્ષ્ય ચેતનાનું અને તેમાં પ્રતિભાસિત થતા વિષયોનું સત્વ (essence) નિશ્ચિત કરવાનું છે. પ્રતિભાસમાન એવા વિષયોના એમના બાહ્ય વાસ્તવિક અસ્તિત્વ અંગેનાં પ્રાકૃતિક ર્દષ્ટિબિન્દુને મોકૂફ રાખીને તેવા વિષયોના ચેતનામાં અનુભવાતા વિષય તરીકેનો અભ્યાસ ફિનૉમિનૉલૉજીમાં કરવામાં આવે છે અને તેવા અનુભવવિષયોનું શુદ્ધ સ્વરૂપ કે સત્વ અવ્યવહિત માનસપ્રત્યક્ષ(intuition)થી પ્રાપ્ત થાય છે તેમ હુસેર્લ માનતા હતા.

હુસેર્લ પ્રમાણે તમામ ચેતના હંમેશાં સવિષયક જ હોય છે. એટલે કે કોઈ ને કોઈ બાબતને તે હમેશાં પોતાનો વિષય બનાવતી હોય છે. કોઈ પણ ચેતના હંમેશાં કશાકને વિશેની જ ચેતના હોય છે. કોઈક બાબતને વિશે હોવું  એટલે કે aboutness – એ લક્ષણ તમામ માનસિક ક્રિયાઓને અને માત્ર તેને જ લાગુ પડે છે. હુસેર્લ ચેતનાના આ લક્ષણને ચેતનાની વિષયાભિમુખતા – intentionality – તરીકે સમજાવે છે. પ્રત્યક્ષ-કલ્પના, સ્મરણ કે વિચાર-ક્રિયા હંમેશાં કશાકને વિશેની જ હોય છે. ચેતનાનું એ સત્વ કે હાર્દ છે.

પૉન્તી, સાર્ત્ર અને સિમોં દ બોવાને હુસેર્લના પ્રતિભાસવિચારાત્મક અભિગમનો પરિચય ઈમૅન્યુએલ લેવિનાસ (1906–1996) દ્વારા થયો હતો. લેવિનાસે ફ્રાયબુર્ગ, જર્મનીમાં હુસેર્લની ફિનૉમિનૉલૉજીનો અભ્યાસ કર્યો હતો. ફ્રાન્સમાં હુસેર્લની કૃતિઓનો પરિચય લેવિનાસ દ્વારા પણ ચિંતકોને થયો હતો.

જોકે હુસેર્લની પદ્ધતિને ફ્રાન્સમાં સાર્ત્ર અને પૉન્તીએ, હુસેર્લના અનુગામી જર્મન ફિલસૂફ હાઇડેગર(1889–1976)ના પ્રભાવ હેઠળ, નવી જ રીતે પ્રસ્થાપિત કરી હતી. હુસેર્લે પ્રતિભાસવિષયનિરૂપણ દ્વારા શુદ્ધ અહમ્(transcendental ego)ની વિભાવના રજૂ કરી હતી. સાર્ત્ર અને પૉન્તીએ પોતપોતાની રીતે આ વિભાવનાને પડકારી હતી. હુસેર્લે કલ્પેલા શુદ્ધ પ્રમાતા/વિષયી/અનુભવકર્તા(subject of knowledge)ને સ્થાને પૉન્તીએ સશરીર (embodied) સજીવ જ્ઞાતાને કેન્દ્રસ્થાને મૂક્યો, તો વળી સાર્ત્રે હુસેર્લના વિશુદ્ધ અહમના ખ્યાલનો અસ્વીકાર કરીને અહમને પણ અન્ય વિષયોની જેમ જ એમના માટેના એક વિષય તરીકે જ ઘટાવ્યો હતો. સાર્ત્ર મનુષ્યને એક સ્વતંત્ર જવાબદાર નૈતિક કર્તા તરીકે સમજે છે, જ્ઞાનના આશ્રય-રૂપ વિશુદ્ધ પ્રમાતા તરીકે નહિ. પૉન્તીએ માનવચેતનાને તેના શારીરિક સંદર્ભમાં મૂકીને વિચારી છે, તો સાર્ત્રે તેને સામાજિક-નૈતિક સંદર્ભમાં વિચારી છે અને આ રીતે બંને ચિંતકોએ ફ્રેન્ચ ફિનૉમિનૉલૉજીને અસ્તિત્વવાદી ફિનૉમિનૉલૉજી બનાવી દીધી છે.

હાઇડેગરે મનુષ્યના જગતમાં હોવાપણાનો વિચાર રજૂ કર્યો હતો. પૉન્તી પ્રમાણે મનુષ્યનું જગતમાં હોવાપણું તેનું શરીરી (embodied) હસ્તી તરીકેનું હોવાપણું છે. પર્વત કે વૃક્ષ જેમ વ્યક્તિ માટે તેના શરીરથી ઇતર એવા બાહ્ય પદાર્થો છે, તેમ વ્યક્તિનું શરીર વ્યક્તિથી ઇતર એવો વ્યક્તિ માટેનો બાહ્ય પદાર્થ નથી. ખરેખર તો દરેક વ્યક્તિનું અસ્તિત્વ એટલું શરીરાધીન છે કે કોઈ પણ પદાર્થનો પોતાનાથી અન્ય એવા બાહ્ય પદાર્થ તરીકે અનુભવ કરવો હોય તો તેવો અનુભવ પોતાના શરીરને લીધે જ શક્ય બને છે. વ્યક્તિ અને તેના મકાનને જે રીતે જુદાં પાડવામાં આવે છે તે રીતે વ્યક્તિ અને તેના શરીરને એમ જુદાં પાડી શકાતાં નથી. ફ્રેન્ચ ફિલસૂફ દેકાર્તે (1596–1650) સ્થાપેલા મન-શરીર-દ્વૈતવાદને લીધે પાશ્ચાત્ય ચિંતનમાં એવો મત ર્દઢ થયો હતો કે અહમ્ (ego) એ તો કેવળ વિચાર કરનાર દ્રવ્ય (substance) છે અને વ્યક્તિનું શરીર તો ભૌતિકશાસ્ત્રના નિયમોને અધીન એવું એક યંત્ર જ છે. પૉન્તી આવા દ્વૈતવાદનો વિરોધ કરે છે. શરીરનો એક બાહ્ય ભૌતિક પદાર્થ તરીકે જરૂર વિચાર કરી શકાય છે, પણ અનુભવાતા જીવંત શરીરનો વિચાર કેવળ બિનવૈયક્તિક વસ્તુલક્ષી શરીરનો વિચાર નથી તેવું પૉન્તીએ સ્પષ્ટ કર્યું છે. તેથી જ, પૉન્તી શરીરરૂપ જ્ઞાતા–body subject–નો ખ્યાલ રજૂ કરે છે. મનુષ્ય એક જગતવિયોજિત વિશુદ્ધ ચેતના નથી, પણ જગત-સંલગ્ન શરીરધારી કર્તા (agent) તરીકે તે જગતમાં પ્રવૃત્ત થાય છે. જગતનું જગતપણું મનુષ્યના શારીરિક હોવાપણાને લીધે જ તેની સમક્ષ પ્રસ્ફુટિત થાય છે. શરીર મિથ્યા નથી. સશરીર હોવાપણા સિવાયનું મનુષ્યનું કોઈ હોવાપણું જ નથી તેવું પૉન્તીએ સ્પષ્ટ કર્યું છે. હુસેર્લની પ્રતિભાસવિચારાત્મક પદ્ધતિ માન્ય કરીને પણ પૉન્તી પ્રમાણે પ્રતિભાસિત વિષયોનાં જે સત્વો ચેતનામાં પ્રકાશે છે તે સત્વો મૂર્ત શરીરધારી વ્યક્તિના જગતમાં હોવાપણાનાં સત્વો છે, કોઈ વિશુદ્ધ અહમનાં સત્વો નહિ.

જેમ મનુષ્યનું અસ્તિત્વ સશરીર અસ્તિત્વ છે તેમ તેનું પ્રત્યક્ષીકરણ પણ સશરીર અનુભવ જ છે. શરીરને એટલે કે જીવંત શરીરના સ્વાનુભવને અવગણીને વિશુદ્ધ ચેતનાના સ્વરૂપના અભ્યાસને ઇચ્છનીય ગણનાર ચિંતકો કરતાં આ રીતે પૉન્તીનો અભિગમ જુદો પડે છે. પ્રત્યક્ષાનુભવ કેવળ માનસિક અનુભવ નથી. તે શરીર દ્વારા થતો મૂર્ત અનુભવ છે. દેકાર્ત પ્રમાણે વ્યક્તિ વિચાર કરનાર તરીકે અસ્તિત્વમાં હોય છે, પૉન્તી પ્રમાણે વ્યક્તિ પ્રત્યક્ષાનુભવ કરનાર તરીકે અસ્તિત્વમાં હોય છે. કોઈ પણ વસ્તુનો પ્રત્યક્ષાનુભવ કરવામાં આવે ત્યારે તે વસ્તુનાં તમામ પાસાંઓ એક સાથે અનુભવાતાં નથી, પણ તે વસ્તુનાં જુદાં જુદાં પાસાંઓ કાલાનુક્રમિક રીતે અનુભવાય છે, તેવું હુસેર્લે દર્શાવ્યું હતું. પ્રત્યક્ષાનુભવમાં કોઈ પણ વસ્તુ તેનાં તમામ પાસાંઓ સાથે એકકાલીન રીતે કદી પણ ઉપસ્થિત થઈ શકે નહિ. ધારો કે કોઈ વૃક્ષને કોઈ જોતું હોય ત્યારે અમુક પરિપ્રેક્ષ્ય(perspective)થી તેના અમુક ભાગને તે જોતું હોય છે. એ જ્યારે તેનો આગળનો ભાગ જોતો હોય ત્યારે તેનો પાછળનો ભાગ તેના તે સમયના અનુભવમાં આવતો હોતો નથી. કોઈ પણ વસ્તુ તેનાં અનેક પરિપ્રેક્ષ્યો(perspectives)માં અનુભવાતી હોય છે તેવો હુસેર્લનો અભિગમ સાર્ત્રની જેમ જ પૉન્તી સ્વીકારે છે.

વિજ્ઞાનનિર્માણ કે સિદ્ધાન્તસ્થાપન પહેલાં જ મનુષ્ય જગત સાથે મૂળથી જ પ્રત્યક્ષાનુભવ દ્વારા સંકળાયેલો છે. પ્રત્યક્ષાનુભવ મનુષ્યને તેની ચેતનાથી ભિન્ન અને સ્વતંત્ર હોય એવા બાહ્ય પદાર્થોના જગત સાથે અવ્યવહિત રીતે જોડે છે. સૈદ્ધાન્તિક સાક્ષીરૂપ ચિંતક તરીકે મનુષ્યના સ્વરૂપને સમજવાનો અભિગમ મુખ્ય ન હોઈ શકે. મનુષ્ય કર્તા છે, કેવળ જ્ઞાતા નહિ. પૉન્તી પ્રમાણે પ્રત્યક્ષાનુભવ સ્વરૂપથી જ વિષયનિર્દેશક (referential) છે. પ્રત્યક્ષાનુભવ પોતાને અતિક્રમીને અન્ય વસ્તુને પ્રાપ્ત કરાવનાર (self-transcendent) અનુભવ છે. પ્રત્યક્ષાનુભવ શરીરબદ્ધ અનુભવ છે. વિચાર કરનાર વ્યક્તિ પોતાના વિચારના વિષય સાથે જે રીતે જોડાય છે તેના કરતાં તદ્દન ભિન્ન રીતે વ્યક્તિ પોતાના પ્રત્યક્ષાનુભવના વિષય સાથે જોડાતી હોય છે. વ્યક્તિ, દેકાર્તે કલ્પેલો, વિચાર કરનાર કેવળ શુદ્ધ જ્ઞાતા કે સાક્ષી નથી. આમ પૉન્તીએ પોતાના ચિંતનમાં પ્રત્યક્ષાનુભવની અગ્રિમતા (primacy of perception) સ્થાપી છે.

શરીરના વિચારને અવગણીને અહમ્ (I) કે અનુભવકર્તા-(subject)ને કેવળ ચિત્તસ્વરૂપ ગણવાથી મન-શરીરના સંબંધનો પ્રશ્ન ઉગ્ર બને છે તે દેકાર્તના દ્વૈતવાદને લીધે થયેલા ઊહાપોહથી સમજાય છે. પૉન્તીએ હાઇડેગરના જગતસંલગ્નતાના અભિગમને મનુષ્યના સશરીર અસ્તિત્વના ખ્યાલથી વધુ સ્ફુટ કર્યો છે અને પ્રત્યક્ષાનુભવ દ્ધારા મનુષ્ય જગત સાથે કઈ રીતે જોડાયેલો છે તે પણ સ્પષ્ટ કર્યું છે. આમ, સાર્ત્રના ચિંતન કરતાં ઘણી રીતે જુદું પડતું હોવા છતાં, પૉન્તીના તત્વચિંતનમાં હુસેર્લની ફિનૉમિનૉલૉજીનું હાઇડેગર-પ્રભાવિત રૂપાન્તર નવી નવી રીતે વિકસાવવામાં આવ્યું છે.

મધુસૂદન બક્ષી