માર્ટી જોસ જુલિયન (જ. 28 જાન્યુઆરી 1853, હવાના; અ. 19 મે 1895, ડોસ રાઓસ, ક્યુબા) : પ્રખર સ્વાતંત્ર્યપ્રેમી અને શહીદ, કવિ અને નિબંધકાર. ક્યુબાના સ્વાતંત્ર્યનું ધ્યેય ધરાવનાર આ સ્વાતંત્ર્યપ્રેમી સમગ્ર લૅટિન અમેરિકામાં સ્વાતંત્ર્યના પર્યાય બની ગયા. સ્પેનમાં રહીને તેમણે ક્યુબાના સ્વાતંત્ર્યની અહાલેક જગવી. ક્યુબાના સ્વાતંત્ર્ય માટેની લડતનું સંગઠન ઊભું કરી તેમણે સૌને એકત્ર કર્યા.

માર્ટી જોસ જુલિયન

પ્રારંભે હવાનામાં અભ્યાસ કરી 15 વર્ષની કિશોર વયે ઘણી કવિતાઓ રચી અને પ્રકાશિત કરી. 16 વર્ષની વયે ‘ધ ફ્રી ફાધરલૅન્ડ’ નામનું વર્તમાનપત્ર પ્રકાશિત કર્યું. 1868માં ક્યુબામાં ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે તેમની સહાનુભૂતિ રાષ્ટ્રવાદીઓને પક્ષે રહી. આ માટે તેમને છ મહિનાની સખત કેદની સજા ભોગવવી પડી. 1871માં તેમની હકાલપટ્ટી કરી સ્પેન મોકલવામાં આવ્યા. સ્પેનના વસવાટ દરમિયાન તેમણે અભ્યાસ તરફ મન વાળ્યું અને 1874માં ઝારાગોઝા યુનિવર્સિટીમાંથી વિનયનની અનુસ્નાતક પદવી તથા કાયદાના સ્નાતકની પદવી મેળવી તેમજ સર્જનકાર્ય કર્યું. આ સાથે તેમના રાજકીય નિબંધો પણ પ્રકાશિત થયા. તે પછીનાં થોડાં વર્ષો તેમણે ફ્રાંસ, મેક્સિકો અને ગ્વાટેમાલામાં ગુજાર્યાં. ત્યાં તેઓ સતત અધ્યયન અને લેખનમાં વ્યસ્ત રહ્યા.

1878માં ફરી ક્યુબા આવી રાજકીય પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. રાજકીય પ્રવૃત્તિઓને કારણે 1879માં ફરી દેશવટો મળ્યો અને ક્યુબામાંથી સ્પેન ગયા. સ્પેનમાંથી ફ્રાંસ, અમેરિકામાં ન્યૂયૉર્ક શહેર અને 1881માં વેનેઝુએલા ગયા. વેનેઝુએલામાં તેમણે ‘વેનેઝુએલા રિવ્યૂ’ સામયિકનો આરંભ કર્યો. તેમના આ સામયિકમાં રાજકારણની વાતો મુખ્ય સ્થાને હોવાથી ત્યાંના સરમુખત્યાર  એન્ટોનિયો ગુઝમાન બ્લાનકો  ઉશ્કેરાયા. આથી તેમને ન્યૂયૉર્ક પાછા ફરવું પડ્યું હતું.

અહીં તેમણે કવિતાઓ, નિબંધો તથા અન્ય લેખો પ્રકાશિત કર્યાં. આર્જેન્ટીનાના બૂએનૉસ એરિસમાંથી તેમણે નિયમિત સ્તંભલેખન કર્યું એથી તેઓ સમગ્ર લૅટિન અમેરિકામાં ખ્યાતનામ બન્યા. તેમણે પોતાને અમેરિકાના નાગરિક તરીકે ઓળખાવીને મૂળગામી અને પ્રબળ વૈયક્તિક વિચારો વ્યક્ત કર્યા. તેમની આ વૈયક્તિક શૈલી ઉત્તમ સ્પૅનિશ ગદ્ય ગણાયું. 1892માં તેઓ ક્યુબન રેવોલ્યૂશનરી પાર્ટીના અધ્યક્ષ (પ્રેસિડેન્ટ) ચૂંટાયા. અલબત્ત, તેમને ‘અધ્યક્ષ’ શબ્દ નાપસંદ હતો અને તેઓ પ્રતિનિધિ તરીકે ઓળખાવાનું જ પસંદ કરતા. ન્યૂયૉર્ક શહેરને તેમણે ક્યુબાની સ્વતંત્રતાની કાર્યવાહીનું કેંદ્ર બનાવ્યું. ક્યુબા પર ચડાઈ કરવાનું આયોજન કર્યું. ક્યુબાના ક્રાંતિકારી નેતા મેક્સિમો ગોમેઝને તથા અન્યને સાથ-સહકાર આપવા તેમણે ન્યૂયૉર્ક છોડ્યું અને સાન્તો ડોમીન્ગોમાં જઈને સ્થિર થયા. 11 એપ્રિલ 1895માં ક્યુબામાં જઈને ચડાઈની તૈયારીઓ કરી. લગભગ પાંચ અઠવાડિયાં પછી ડૉસ રીઓસના યુદ્ધમેદાન પર તેમનું અવસાન થયું. તેમના અવસાનનાં સાત વર્ષ બાદ ક્યુબાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી.

તેમનો કાવ્યસંગ્રહ ‘ફ્રી વર્સીસ’ (1913) 1878થી 1882ની વચ્ચે રચાયો, પણ ઘણો મોડેથી પ્રકાશિત થયો. સ્વાતંત્ર્યની તેમની વિભાવના ઊંડી સંવેદનશીલતા ધરાવતા કવિની છે. તેમના નિબંધો પણ વિવેચકો દ્વારા વધાવાયા, ઘણા વિવેચકો માને છે કે આ નિબંધો સ્પૅનિશ–અમેરિકન પત્રસાહિત્યમાં તેમણે કરેલું ઉત્તમ પ્રદાન છે. ‘ઇનસાઇડ ધ મોન્સ્ટર’ (1975); ‘અવર અમેરિકા : રાઇટિંગ્સ ઑન લૅટિન અમેરિકા ઍન્ડ ધ ક્યુબન સ્ટ્રગલ ફૉર ઇન્ડિપેન્ડન્સ’ (1978) અને ‘ઑન એજ્યુકેશન’ (1979) તેમના ગ્રંથો છે. આ બધા ગ્રંથોનું સંપાદન ફિલિપ ફોનરે કર્યું છે.

રક્ષા મ. વ્યાસ