માર્ટી, હોસે (જ. 28 જાન્યુઆરી 1853, હવાના; અ. 19 મે 1895, ડૉસ રિયૉસ) : સ્પૅનિશ સાહિત્યિક અને રાજકીય ક્રાંતિકાર. સ્પેનના સંસ્થાનવાદી શાસન સામે તેમની રાજકીય ઝુંબેશ એવી જોશીલી હતી કે તેમણે સૌપ્રથમ ધરપકડ અને દેશવટો માત્ર 16 વર્ષની વયે જ વહોરી લેવાનું થયેલું. 1871થી 1878 દરમિયાનના પ્રથમ દેશવટા વખતે તેમને સ્પેન, ફ્રાન્સ, મેક્સિકો અને ગ્વાટેમાલા લઈ જવાયા હતા. 1879માં આરંભાયેલા તેમના બીજા લાંબા દેશવટા દરમિયાન તેમને વેનેઝુએલા અને અમેરિકાનો સંપર્ક થયો.

‘અવર અમેરિકા’ (1891, અંગ્રેજી ભાષાંતર – 1977) નામના તેમના નિબંધસંગ્રહમાં લૅટિન અમેરિકાની સામાજિક-રાજકીય સમસ્યાઓનું તાત્વિક વિશ્લેષણ છે. ન્યૂયૉર્ક શહેરમાંના લાંબા વસવાટને પરિણામે તેમને અમેરિકાના સામર્થ્યનો પ્રત્યક્ષ અનુભવ થયો. તેમણે અવારનવાર એવી દહેશત વ્યક્ત કરી હતી કે અમેરિકા અન્ય સ્થળોએ લોકશાહીના વિકાસમાં અવશ્ય હસ્તક્ષેપ કરશે. ન્યૂયૉર્કમાંના તેમના આખરી વસવાટ દરમિયાન, તેમણે ક્યૂબન રેવલૂશનરી પાર્ટીની સ્થાપના કરી.

લેખક તરીકે માર્ટીની ગણના ‘મૉડર્નિસ્તા’ આંદોલનના મહત્વના અગ્રેસર તરીકે થાય છે. ‘મૉડર્નિસ્તા’ એ પ્રતીકવાદ માટેનો સ્પૅનિશ ભાષાનો સમાનાર્થી શબ્દપ્રયોગ છે. તેમણે અત્યંત મૌલિક અને નિજી ગદ્યશૈલી વિકસાવી, તે બહુવિધ–અનેકરંગી કલ્પનો અને ઉપમાઓથી દીપી ઊઠે છે અને છતાં ડોળઘાલુ બનતી નથી. તેમણે પ્રચલિત આડંબરી સ્પૅનિશ શૈલીના સ્થાને સ્થાપત્યસહજ વિગતો અને ઝીણવટથી લવચીક બનેલી શૈલી પ્રયોજી. તેમના કાવ્યલેખનથી સ્પૅનિશ કવિતા રંગદર્શિતાનાં અતિરેક અને અતિશયતામાંથી ઊગરી ગઈ. ‘ધ ગોલ્ડન એજ’ (1898) નામક સંગ્રહમાંની તેમની બાલવાર્તાઓની જેમ તેમની કવિતા પણ નિખાલસ, કોમળ અને સરળ છે. ‘ઇસ્મેલિલો’ (1882) તથા ‘પ્લેન વર્સિસ’ (1891) નામક કાવ્યસંગ્રહની રચનાઓમાં આ તમામ શૈલી-વિશેષતાઓ આસ્વાદવા મળે છે.

ક્રાંતિ શરૂ થયાના એક મહિના પછી, ક્યૂબાના સ્વાતંત્ર્ય માટેની લડતમાં તેઓ માર્યા ગયા હતા.

મહેશ ચોકસી