માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા બૉન યુનિવર્સિટીમાં જોડાયા. તે પછીના વર્ષે તે બર્લિન યુનિવર્સિટીમાં ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે ઇતિહાસ અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1841માં તેમણે તત્વજ્ઞાનના વિષયમાં જેનાની યુનિવર્સિટીની પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અને તે જ વર્ષમાં બૅરન વૉન વેસ્ટ ફાલેન નામના ઉચ્ચ સરકારી અધિકારીની જેની નામની પુત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો. આ પ્રેમસંબંધને કારણે કાર્લ માર્કસ કવિતા કરતા થયા હતા. 1842માં બૉનમાંથી પ્રસિદ્ધ થતા એક જર્મન વર્તમાનપત્રમાં તે જોડાયા અને પછીથી તેના તંત્રી થયા. પરંતુ 1843માં એ પત્ર પર પ્રતિબંધ મુકાયો. એ જ વર્ષના ઉનાળામાં તેમણે જેની સાથે લગ્ન કર્યાં તેણે જીવનભર માર્કસને સાથ આપ્યો.
જર્મનીમાં કામ થઈ શકે તેમ નથી તેવું લાગતાં માર્કસ પૅરિસ ગયા. પૅરિસ તે સમયે ક્રાંતિકારીઓનું કેન્દ્ર હતું. પૅરિસમાંથી પ્રસિદ્ધ થતા એક જર્મન પત્રમાં તેમણે ક્રાંતિકારી લેખો લખવા માંડ્યા. તે પૅરિસમાં હતા તે દરમિયાન તેમને ક્રાંતિકારી ફ્રેડરિક એન્ગલ્સનો પ્રથમ પરિચય થયો, જે પાછળથી તેમના આજીવન સાથી, ગાઢ મિત્ર અને સહલેખક બની રહ્યા. પ્રશિયન સરકારની વિનંતીથી તેમને પૅરિસમાંથી હદપાર કરવામાં આવ્યા. એ પછી તેઓ બ્રસેલ્સ ગયા. બ્રસેલ્સમાંથી બેલ્જિયમની સરકારે તેમને હાંકી કાઢતાં તે ફરીથી ફ્રાન્સ અને પ્રશિયા ગયા. પરંતુ ત્યાં તેમને કોઈ આવકારે તેમ ન હતું. છેવટે 1845માં તેઓ કાયમ માટે લંડનમાં સ્થિર થયા.
લંડનમાં તેમના દિવસો ભયંકર ગરીબીમાં પસાર થયા. તેમનાં 6માંથી 2 બાળકો માંદગીમાં મૃત્યુ પામ્યાં. તે પોતે અને તેમની પત્ની પણ રોગનો ભોગ બન્યાં. એમણે એમની માતા તથા બહેનો સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. જોકે તેમના મિત્ર એન્ગલ્સ તેમને નાણાકીય તથા અન્ય તમામ પ્રકારની મદદ કરતા હતા. માર્કસે આ બધી મુશ્કેલીઓ વચ્ચે તેમનું ચિંતન અને લેખનનું કાર્ય ચાલુ રાખ્યું. મજૂરોના સંગઠનમાં તે સક્રિય ફાળો આપતા હતા. 1847માં લંડન, બ્રસેલ્સ અને પૅરિસના સામ્યવાદીઓની એક પરિષદ લંડનમાં મળી, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંઘની સ્થાપના થઈ. તેના ઉપક્રમે માર્કસે અને એન્ગલ્સે 1858માં ‘સામ્યવાદી જાહેરનામું’ (The Communist Manifesto) બહાર પાડ્યું હતું.
એ પછી માર્કસે તેમના જીવનનું ભગીરથ કાર્ય હાથમાં લીધું. લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં એ દરરોજ કલાકો સુધી વાચન, મનન અને લેખન કરતા. 30 વર્ષ સુધી મહેનત કરીને એમણે જર્મન ભાષામાં ‘દાસ કૅપિટલ’નો પ્રથમ ભાગ 1867માં બહાર પાડ્યો. બીજા બે ભાગનું વસ્તુ તેમણે તૈયાર કર્યું હતું. તેનું સંપાદન કરીને તેમના મિત્ર ફ્રેડરિક એન્ગલ્સે બીજો ભાગ 1885માં અને ત્રીજો ભાગ 1894માં પ્રસિદ્ધ કર્યો. કાર્લ માર્કસે જીવનભર મજૂરોની ઉન્નતિ માટે કામ કર્યું હતું અને છેવટે તેઓ આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના પ્રમુખ બન્યા હતા.
અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ વેઠીને માર્કસની પત્ની જેની 1881ની 2જી ડિસેમ્બરે કૅન્સરના રોગથી મૃત્યુ પામી. માકર્સે ઘણા લેખો અને પુસ્તકો લખ્યાં હતાં. પરંતુ તેમાં ‘સામ્યવાદી જાહેરનામું’ અને ‘દાસ કૅપિટલ’ સૌથી વધારે પ્રસિદ્ધ છે. ‘સામ્યવાદી જાહેરનામા’માં એમણે સમગ્ર વિશ્વના મજદૂરોને એક થઈ મૂડીવાદ સામે લડત ચલાવવા હાકલ કરી છે. જ્યારે ‘દાસ કૅપિટલ’માં એમણે ક્રાંતિકારી સામ્યવાદની ફિલસૂફી રજૂ કરી છે. આ ફિલસૂફી એવી છે કે વિશ્વમાં પ્રાચીન સમયથી જમીનદારો અને માલિકો ખેડૂતો તથા મજદૂરોનું શોષણ કરતા આવ્યા છે. આ શોષિત લોકોએ શોષણ કરનાર વર્ગ સામે હિંસક ક્રાંતિ કરીને રાજકીય સત્તા અને સમાન અધિકારો પ્રાપ્ત કરવાં જોઈએ. આમ થશે ત્યારે વિશ્વમાં શોષણરહિત સમાજની સ્થાપના થશે. માર્કસની આ વિચારસરણી માર્કસવાદ તરીકે વિશ્વમાં વિખ્યાત છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી