માકર્યુઝ, હર્બર્ટ (જ. 19 જુલાઈ 1898, બર્લિન, જર્મની; અ. 29 જુલાઈ 1979, સ્ટર્નબર્ગ, પૂર્વ જર્મની) : જર્મન બૌદ્ધિક અને અમેરિકન સામાજિક રાજકીય ચિંતક. બર્લિનના ફાઇબર્ગમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી 1922માં ડૉક્ટરેટ મેળવ્યા બાદ ફ્રૅંકફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચની સ્થાપના કરી. આ સંસ્થા માર્કસવાદના અભ્યાસનું કેંદ્ર બની. જર્મનીમાં હિટલર સત્તા પર આવતાં, યહૂદી પ્રજાજનોની પરેશાની વધતાં આ મૂળ યહૂદી અને માર્કસવાદી વિચારસરણી ધરાવતા બૌદ્ધિકો નાઝી શાસકોનું લક્ષ્યાંક બન્યા. આથી તેઓ જર્મની છોડી જિનીવા ગયા અને ત્યાંથી 1934માં અમેરિકા ગયા. અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટી હેઠળ ઉપર્યુક્ત સંસ્થાની પુન:સ્થાપના કરી. 1940માં અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું અને ઑફિસ ઑવ્ સ્ટ્રેટીજિક સર્વિસિઝમાં બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન સેવાઓ આપી. ત્યારબાદ હાર્વર્ડ, કોલંબિયા અને બ્રાન્ડિઝ યુનિવર્સિટીઓમાં (1954થી ’65) પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમણે સામાજિક અને રાજકીય સિદ્ધાંતોનું ઊંડું અધ્યયન કર્યું અને કરાવ્યું. 1965માં સાનડિયાગો ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા.

હેગલના સંદર્ભમાં ફરી માર્કસનો ગહન અભ્યાસ કર્યો અને પ્રારંભિક તેમજ માનવતાવાદી માર્કસમાં તેમણે ઊંડો રસ દાખવ્યો. માર્ક્સ અને ફ્રૉઇડના સિદ્ધાંતોનો સમન્વય કરી આધુનિક ઔદ્યોગિક સમાજનું મૂલ્યાંકન કરવાના તેમના સરાહનીય પ્રયાસોને કારણે તેઓ સવિશેષ ખ્યાતિ પામ્યા. અમેરિકા અને યુરોપમાં જાગેલા યુવા-અજંપાને કારણે થયેલી બગાવતની બૌદ્ધિક અને તર્કસંગત રજૂઆત કરી. વિદ્યાર્થીજગતના દોષભાવને વાચા આપી અને ક્રાંતિકારી વિદ્યાર્થી સંગઠનના પ્રિય અને માનીતા સલાહકાર બન્યા. તેમના મતે આધુનિક ટૅકનૉલૉજિકલ-બ્યુરોક્રૅટિક સમાજો કાવતરાખોરીને જન્મ આપે છે.

તેમના અનુભવસમૃદ્ધ અને નોંધપાત્ર ગ્રંથ ‘વન-ડાઇમેન્શનલ મૅન’-(1964)માં તેઓ એમ પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરે છે કે કચડાયેલા અને દબાયેલા વર્ગોના અસંતોષને મૂડીવાદ ઘેનમાં રાખે છે. આ મૂડીવાદ સંચાર-માધ્યમો દ્વારા ભૌતિક ઇચ્છાઓ અને ક્ષુદ્ર ઇચ્છાઓને ઉત્તેજન આપે છે, જે સંતોષવાનું કામ સરળ હોય છે. આમ કરીને અસંતોષ અને બળવાખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે. મૂડીવાદના આવા પ્રયાસોને તેમણે ‘દમનભરી સહિષ્ણુતા’-(repressive tolerance)ની વિભાવનામાં વ્યક્ત કર્યા. તેમણે આ ગ્રંથ દ્વારા વર્તમાન સામાજિક વ્યવસ્થાને ફગાવી દેવાની ભલામણ કરેલી. અલબત્ત, તેઓ હિંસક ક્રાંતિના પુરસ્કર્તા નહોતા. આ ગ્રંથે તેમને નવા ડાબેરી ઉદ્દામો(new left radicals)ના નેતા બનાવી દીધા હતા.

‘રીઝન ઍન્ડ રેવોલ્યૂશન’ (1941), ‘ઇરૉસ ઍન્ડ સિવિલાઇઝેશન’ (1955), ‘સોવિયેત કૉમ્યુનિઝમ ઍન્ડ રશિયન માર્કસિઝમ’ (1958), ‘નેગેશન્સ’ (1968), ‘ઍન એસે ઑન લિબરેશન’ (1969) અને ‘કાઉન્ટરરેવોલ્યૂશન ઍન્ડ રિવોલ્ટ’ (1972) તેમના જાણીતા ગ્રંથો છે.

રક્ષા મ. વ્યાસ