માકર્સ બ્રધર્સ (જ. હયાત : 1891થી 1979 વચ્ચે ન્યૂયૉર્ક સિટી) : હાસ્યકાર અભિનેતાઓનો પરિવાર. તેમાં 4 ભાઈઓનો સમાવેશ થાય છે : જુલિયસ (1895–1977) અથવા ગ્રૂચો; લિયોનાર્દ (1891–1961) અથવા ચિકો; આર્થર (1893–1961) અથવા હાર્પો અને હર્બર્ટ (1901–79) અથવા ઝિપ્પો. તેમણે તેમની કારકિર્દીનો આરંભ કર્યો નૃત્ય-નાટક-સંગીતના મનોરંજક કાર્યક્રમોથી; તે વૃંદ ‘સિક્સ મ્યૂઝિકલ મૅસ્કટ્સ’ના નામે ઓળખાતું હતું અને તેમાં તેમનાં માતા તથા માસીનો પણ સમાવેશ થતો હતો. બીજા એક ભાઈ નામે મિલ્ટન (1897–1977) અથવા ગૂમો વહેલા છૂટા થયા હતા.

પાછળથી તે ‘ફોર નાઇટિંગેલ્સ’ તરીકે કાર્યક્રમ આપવા લાગ્યા અને છેવટે તેમણે માકર્સ બ્રધર્સ તરીકે કાર્યક્રમો આપ્યા.

તેમને મળેલી વ્યાપક અને અપાર ચાહના અને પ્રસિદ્ધિ માટે કારણભૂત મુખ્ય ફિલ્મો તે – ‘ઍનિમલ ક્રૅકર્સ’ તથા ‘મંકી બિઝનેસ’ (બંને 1932). 1935માં હર્બર્ટ ફિલ્મ-ક્ષેત્રેથી નિવૃત્ત થયા. બાકીના ભાઈઓની સફળ ફિલ્મ તે ‘એ ડે ઍટ ધ રેસિઝ’ (1937).

માર્કસ બ્રધર્સ : (ડાબી બાજુથી) : ઉપલી હરોળ – ઝિપ્પો અને ગ્રૂચો;
નીચલી હરોળ – ચિકો અને હાર્પો

દરેક હાસ્ય-અભિનેતાની વ્યક્તિગત લાક્ષણિકતા હતી. આ વૃંદ 1949માં છૂટું પડ્યું અને તે પછી દરેક ભાઈ પોતપોતાની રીતે કામગીરી કરતા રહ્યા.

મહેશ ચોકસી