મારાર, કુટ્ટીકૃષ્ણ (જ. 1900; અ. 1973) : કેરળના સાહિત્યવિવેચક. પિટ્ટમ્પી ખાતેની સંસ્કૃત કૉલેજમાંથી 1923માં ‘સાહિત્યશિરોમણિ’ની પદવી મેળવી. કારકિર્દીના આરંભકાળે તેઓ મલયાળમ કવિ વલ્લથોલના પ્રભાવ હેઠળ આવ્યા; આ ઉપરાંત નલપટ્ટુ નારાયણ મેનન નામના બીજા કવિ અને થિયૉસૉફિસ્ટનો નિકટનો સંપર્ક પણ કેળવાયો અને તેનાથી જીવન તથા સાહિત્ય પરત્વે તેમનો ર્દષ્ટિકોણ બદલાઈ ગયો. આ ગાળામાં તેમનું પ્રથમ પુસ્તક ‘સાહિત્યભૂષણમ્’ 1928માં છપાયું, પણ વેચાણમાં ન મૂકી શકાયું. એ પુસ્તક છેક 1965માં વિધિસર પ્રગટ થયું. તેમની પ્રથમ જ સાહિત્યકૃતિમાં તેમણે સાહિત્યક્ષેત્રની કેટલીક પ્રચલિત માન્યતાઓને પડકારી હતી અને સાહિત્યિક વિવેચનાના ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
1938થી 1961 સુધી તેમણે ‘માતૃભૂમિ’(કાલિકટ)માં પ્રૂફવાચક તરીકે કામ કર્યું અને આ જ વર્ષો દરમિયાન તેમની મોટાભાગની મહત્વની વિવેચનકૃતિઓની રચના થઈ.
વિવેચક તરીકે જીવન તથા સાહિત્ય પરત્વે તેમનો આગવો અભિગમ હતો. ઝડપથી બદલાતાં જતાં મૂલ્યો સાથે તેઓ સમાધાન સાધી શક્યા ન હતા. ઊલટું, છેલ્લા શ્વાસ સુધી તેઓ કેટલાક સનાતન સિદ્ધાંતોને વળગી રહ્યા; પરિણામે વીસમી સદીના ચોથા તેમજ પાંચમા દાયકા દરમિયાન કેરળ સમસ્તમાં પ્રસરેલા પ્રગતિશીલ સાહિત્યિક આંદોલનથી તેઓ અતડા પડી ગયા હતા. ડાબેરી લેખકો તેમનાથી, તેમનાં કોપ અને કલમની તાકાતથી ખૂબ ડરતા અને ખાનગીમાં તેમની પ્રશંસા કરતા. ‘પ્રોગ્રેસિવ લિટરેચર’ના એક પ્રવક્તા અને પ્રતિષ્ઠિત વિવેચક જૉસેફ મુંદેસરી સાથે તેમણે કાલિદાસના ‘અભિજ્ઞાન-શાકુંતલ’ વિશે લાંબું શબ્દ-યુદ્ધ ખેલ્યું હતું. વાલ્મીકિના રામના પાત્રની નબળાઈઓ તેમણે પૂરેપૂરી નીડરતાથી તારવી બતાવી હતી (‘રાજનકનમ્’, 1940). ‘ભારતપર્યટનમ્’(1950)માં તેમણે મહાભારતનો તત્ત્વદર્શી અભ્યાસ કરી નવો પ્રકાશ પાડ્યો. કાલિદાસની ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’ અને ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવી કૃતિઓનાં તેમણે કરેલાં ગદ્ય રૂપાંતરોના પરિણામે કાલિદાસની રચનાઓને કેરળમાં ખૂબ લોકપ્રિયતા સાંપડી.
તેમની ગદ્યશૈલી અનન્ય રહી છે. તેમનાં વિચાર-વલણો સાથે અસહમત થનારાં પણ તેમની શૈલીની ભારોભાર પ્રશંસા કરે છે. લાઘવ, તર્કસંગતતા તથા ચોકસાઈ – ચીવટ એ તેમની શૈલીની વિશેષતા છે. ‘મલયળ શૈલી’(1942)માં મલયાળમ ગદ્ય-શૈલીના મૂળભૂત સિદ્ધાંતોની છણાવટ છે અને તે લેખન-માર્ગદર્શિકાનું સ્થાન ધરાવે છે. ‘વૃત્તિશિલ્પમ્’ (1952) નામના તેમના અત્યંત મૌલિક ગ્રંથમાં મલયાળમ છંદોની વિગત-ચર્ચા છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ વેદાંત તરફ વળ્યા હતા અને ઉપનિષદો તથા ગીતાના નવતર અર્થઘટનની કામગીરીમાં પ્રવૃત્ત બન્યા હતા.
મહેશ ચોકસી