મારવાડ (જોધપુર) : રાજસ્થાનમાં આવેલું રાઠોડ વંશનું શક્તિશાળી રાજ્ય. કનોજના જયચંદ્ર રાઠોડના પૌત્ર સેતરામના પુત્ર સીહાજીએ તેરમી સદીમાં મારવાડમાં રાજ્ય સ્થાપ્યું. ત્યારબાદ મુસલમાનોનો સામનો કરતાં ઈ. સ. 1273માં સીહાજી અવસાન પામ્યો. તેનો પુત્ર આસથાનજી અને ત્યારપછી પૌત્ર ધુહડજી ગાદીએ બેઠા (અ. 1309). ધુહડ પછી રાયપાલ, કાન્હાપાલ, જલણસી, છડાજી, તિડાજી, સલખા અને મલ્લિનાથ નામના રાજાઓ થઈ ગયા. તેમનો સળંગ ઇતિહાસ અપ્રાપ્ય છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી(1296–1316)એ મારવાડનો પૂર્વનો પ્રદેશ જીતી લીધો હતો. આ દરમિયાન મારવાડની ત્રણ બાજુ શક્તિશાળી મુસ્લિમ રાજ્યો આવેલાં હોવાથી તેનું અસ્તિત્વ જોખમમાં હતું. કાન્હાપાલ, જલણસી અને તિડાજી મુસ્લિમો સામે લડતાં મૃત્યુ પામ્યા હતા. સલખાજી તથા મલ્લિનાથે મુસ્લિમોનું આધિપત્ય સ્વીકારીને રાજ્ય બચાવી લીધું હતું. ચૌદમી સદી દરમિયાન દિલ્હીના સુલતાનો શક્તિશાળી હોવાથી રાઠોડ શાસકો રાજ્યનો વિસ્તાર કરી શક્યા નહિ. મારવાડની વાયવ્યમાં આવેલ જેસલમેરના રાજાઓ સાથે મારવાડના શાસકોને સંઘર્ષો થતા હતા. મારવાડના રાઠોડ રાજ્ય માટે ચૌદમી સદી સંઘર્ષોથી ભરેલી હતી અને મારવાડના કેટલાક રાજાઓ એ સંઘર્ષોમાં માર્યા ગયા હતા. મલ્લિનાથે ગાદી મેળવવા માટે મુસ્લિમોની મદદ મેળવી હતી. પરંતુ પાછળથી તેણે મુસ્લિમો પ્રત્યેની વફાદારીનો ત્યાગ કર્યો. દિલ્હીના સુલતાનો નબળા આવ્યા બાદ, મારવાડ પ્રદેશવિસ્તાર કરી શક્યું.

મલ્લિનાથ પછી ચુંડાજી ગાદીએ બેઠો. તેણે મંડોર કબજે કર્યું અને ત્યાં પાટનગર રાખ્યું. તેણે મેવાડના શક્તિશાળી સિસોદિયા રાજપૂત રાજા સાથે લગ્નસંબંધ બાંધ્યો, તે મુત્સદ્દીભર્યું પગલું હતું. મેવાડના વયોવૃદ્ધ રાણા લાખાજી સાથે ચુંડાજીએ તેની યુવાન દીકરી હંસાબાઈને પરણાવી. આ રીતે શૂરવીર સિસોદિયા શાસકોને પોતાના પક્ષમાં લીધા તે તેની નોંધપાત્ર સિદ્ધિ હતી. ઈ. સ. 1422માં ચુંડાજીનું અવસાન થવાથી કાન્હાજી, પછી સતાજી અને 1427માં રણમલ્લ મંડોરમાં ગાદીએ બેઠો. તે મારવાડ અને મેવાડમાં એટલે કે રાજસ્થાનનાં બે શક્તિશાળી રાજ્યોમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતો હતો. આ બે રાજ્યોના સંયુક્ત લશ્કરે નાગોરના મુસ્લિમ શાસક પર હુમલો કરી તેને મારી નાખ્યો અને તેનો પ્રદેશ કબજે કરી વહેંચી લીધો. મેવાડના સિસોદિયા સરદારોમાં રણમલ્લ અપ્રિય થવાથી 1438માં ચિતોડમાં તેની હત્યા કરવામાં આવી. તેનો પુત્ર જોધાજી પ્રતાપી શાસક નીવડ્યો. તેણે 1438થી 1458 સુધી – એટલે તેના શાસનનાં વીસ વર્ષ દરમિયાન મેવાડના પ્રદેશો સહિત કેટલાક મહત્વના વિજયો મેળવીને પોતાની સરહદો વિસ્તારી. તેણે પાટનગર મંડોરની નજીકમાં 1459માં જોધપુર નગર વસાવ્યું. વિલીનીકરણ (1949) થતાં સુધી તે મારવાડનું પાટનગર રહ્યું. પછીનાં 30 વર્ષ 1458થી 1488 દરમિયાન રાઠોડ સરદારોએ પ્રદેશવિસ્તાર કર્યો. જોધાજીને 17 પુત્રો હતા. તેમાંના સાતલે કેટલાક પ્રદેશો જીતીને સાતલમેરમાં રાજ્ય સ્થાપ્યું. બીકાજીએ નાગોર કબજે કર્યું અને 1465માં બીકાનેર નગર વસાવી અલગ રાજ્ય સ્થાપ્યું. દૂદાએ મેડતા કબજે કરી ત્યાં રાજ્ય કરવા માંડ્યું. આ નવાં રાજ્યોને થોડાં વરસ જોધપુરની કેન્દ્ર સરકારની મદદ મળતી; પરંતુ પચાસેક વરસ બાદ એ રાજ્યોએ સમસ્યાઓ પેદા કરી. ઈ. સ. 1488માં જોધાજીનું અવસાન થયા બાદ તેના પુત્રો વચ્ચે ગાદીવારસા માટેની લડાઈ થઈ.

આધુનિક સ્થાપત્ય-કલા ધરાવતો મારવાડનો રાજમહેલ

રાજ્યમાં સરદારો વર્ચસ્ ધરાવતા હોવાથી શક્તિશાળી સરદારોનો ટેકો મળે તે રાજા બનતો હતો. સોળમી સદીમાં, મુઘલ શહેનશાહ હુમાયૂંના સમયમાં મારવાડનો શાસક મહારાજા માલદેવ હતો. તે બહાદુર સેનાપતિ અને શક્તિશાળી શાસક હતો. તેણે મેડતા, જેતરણ, સિવાના, જાલોર, ટોંક, નાગોર અને અજમેર કબજે કરીને રાજ્યનો વિસ્તાર કર્યો હતો. કેટલાક પરાજિત રાજપૂત રાજાઓની ઉશ્કેરણીથી શેરશાહે વિશાળ સૈન્ય સાથે મારવાડ પર આક્રમણ કર્યું. રાજપૂત સરદારો અફઘાન સેના સામે વીરતાથી લડ્યા; પરંતુ અફઘાનો જીત્યા. અફઘાનોએ અજમેરથી આબુ સુધીનો પ્રદેશ કબજે કર્યો. મુઘલ શહેનશાહ અકબર સાથે 1570માં, જોધપુરના રાજા ચંદ્રસેને તેની ભત્રીજી પરણાવી અને અકબર પ્રત્યે વફાદારી દાખવી હતી. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં મહારાજા જશવંતસિંહ મારવાડનો માલિક હતો. તે ધરમાતની લડાઈમાં મુઘલો સામે લડ્યો હતો. પાછળથી તેણે મુઘલોની વફાદારી સ્વીકારી. ડિસેમ્બર 1678માં વાયવ્ય સરહદે પેશાવર જિલ્લાના જામરૂદમાં મુઘલોના સેનાપતિ તરીકે તે બિનવારસ મરણ પામ્યો. ત્યારે રાઠોડ સરદારો અફઘાનિસ્તાનમાં હતા. એ તક ઝડપીને ઔરંગઝેબે વિના વિરોધે મારવાડ કબજે કર્યું. તેણે રૂપિયા છત્રીસ લાખ લઈને નાગોરના જાગીરદાર ઇન્દ્રસિંહ રાઠોડને મારવાડનું રાજ્ય સોંપ્યું. ઇન્દ્રસિંહને રાઠોડ સરદારોનો ટેકો ન હોવાથી મુઘલ લશ્કર ત્યાં રાખવામાં આવ્યું. થોડા સમયમાં જશવંતસિંહની વિધવાએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અજિતસિંહ મોટો થતાં મારવાડની ગાદીનો દાવેદાર હતો. તેને ઝાલોર, સાંચોર અને શિવાનાની જાગીર તથા મુઘલ સૈન્યમાં મનસબ આપવામાં આવી. પરંતુ તેને મારવાડનું રાજ્ય મળ્યું નહિ. જશવંતસિંહના દીવાન અશકરણનો પુત્ર દુર્ગાદાસ બહાદુર, મુત્સદ્દી, રાજભક્ત અને શક્તિશાળી સેનાપતિ હતો. તેની મદદથી રાઠોડ સરદારો અજિતસિંહના પક્ષે મુઘલો સામે સતત લડતા રહ્યા. આ દરમિયાન ઔરંગઝેબના શાહજાદા અકબર બીજાએ મારવાડનાં નગરો લૂંટ્યાં અને મંદિરોનો નાશ કર્યો. મારવાડમાંથી મુઘલોને દૂર કરવા ઈ. સ. 1681થી 1707 સુધી લગભગ ત્રણ દાયકા પર્યંત વફાદાર રાઠોડ રાજપૂતો સતત ગેરીલા યુદ્ધ કરતા રહ્યા. માર્ચ 1707માં ઔરંગઝેબનું અવસાન થયાના સમાચાર જાણી, અજિતસિંહની સેનાએ મુઘલ સૈન્યને હરાવી જોધપુર કબજે કર્યું. તે પછી પોતાના બીજા પ્રદેશો પણ જીતી લીધા.

6 જાન્યુઆરી 1818ના રોજ મારવાડ (જોધપુર) બ્રિટિશ સરકાર સાથે સહાયકારી સંધિમાં જોડાયું. દેશને સ્વતંત્રતા મળ્યા બાદ, છેલ્લા મહારાજા હનવંતસિંહના સમયમાં જાન્યુઆરી 1949માં બૃહદ રાજસ્થાન સંઘમાં મારવાડ(જોધપુર)ના રાજ્યનું વિલીનીકરણ થયું.

જયકુમાર ર. શુક્લ