મારફત : મૂળ અરબી શબ્દ મઅરિફત એટલે આધ્યાત્મિક જ્ઞાન, સૂફી વિચારધારા પ્રમાણે મારફત એટલે પરમાત્માની ઓળખ થવી, પિછાણ થવી, પરિચય થવો અને તેમની સાથે એકત્વ અનુભવવું. એ જ્ઞાન દ્વારા મનુષ્ય સમજી શકે છે કે જે પોતાને જે ભિન્નત્વની પ્રતીતિ થાય છે તે મિથ્યા છે. આ જ્ઞાનને સથવારે પ્રથમ તો નિજને જાણી શકે છે અને જે નિજને જાણે છે તે પરમાત્માને જાણી શકે છે. આ રીતે પરમાત્માવિષયક રહસ્યમય જ્ઞાનને ‘સૂફી મારિફ’ કહે છે. આ જ્ઞાન-પ્રકાશ વડે હૃદય આલોકિત થાય છે અને એના સહારે સાધક પરમાત્મા સાથેનું ‘એકત્વ’ પામીને તેનો નિરંતર અનુભવ કરવા સમર્થ બને છે.
પ્રવીણચંદ્ર પરીખ