મારફતિયા, નગીનદાસ તુલસીદાસ

January, 2002

મારફતિયા, નગીનદાસ તુલસીદાસ (જ. 1840, સૂરત; અ. 1902) : ગુજરાતીમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક. સૂરતની મોઢ વણિક જ્ઞાતિના નગીનદાસ 1863માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર બીજા સ્નાતક જૂથના પહેલા ગુજરાતી હતા. 1868માં તેમણે કાયદા વિષયમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને મુંબઈ હાઇકૉર્ટમાં પહેલા ગુજરાતી ઍડ્વોકેટ તરીકે સનદ મેળવી હતી. તેઓ કવિ નર્મદના ભારે પ્રશંસક હતા. મહારાજ લાયબલ કેસમાં તેઓ નર્મદના કાયદાકીય સલાહકાર પણ હતા.

કવિ નર્મદે સ્થાપેલી ‘બુદ્ધિવર્ધક સભા’ના તેઓ સક્રિય સભ્ય હતા અને સંસ્થાના મુખપત્ર ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ના સંચાલનમાં પણ સક્રિય હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટી વિશે ‘મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય’ – એવા શીર્ષકવાળો નિબંધ લખ્યો હતો.

ગુજરાતી સાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન નાટ્યક્ષેત્રે છે. ‘ગુલાબ’ (1862) નાટકથી તેમને આ ક્ષેત્રના પ્રસ્થાનકાર તરીકેનો યશ મળ્યો હતો. નાટ્યસ્વરૂપમાં દલપતરામે ઍરિસ્ટૉફેનીઝના ‘પ્લુટસ’ ઉપરથી કરેલું રૂપાંતર ‘લક્ષ્મી નાટક’ (1851) પહેલું ગણાય; પરંતુ મૌલિક વિષય તેમજ સ્વરૂપવિધાનની ર્દષ્ટિએ નગીનદાસનું આ નાટક પ્રથમ ગણાય. તેઓ આ હકીકતથી સભાન હતા. તેમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : ‘ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાયું નથી ને આ પેલું છે.’

આ નાટકનું સંવિધાન અંગ્રેજી નાટક પર આધારિત છે, છતાં અંકો અને ર્દશ્યોની યોજનામાં નાટ્યકારની આગવી સૂઝ દેખાય છે. વિષયની પસંદગી અને માવજતમાં એક નીડર સમાજનિષ્ઠ કાર્યકરનું, આ સમયે માત્ર નર્મદના જ મિત્રોમાં મળે તેવું ખમીર દેખાય છે. તેમાં સ્નેહલગ્ન અને શિક્ષણના પ્રસારનો વિષય તો છે જ, ઉપરાંત ‘સરકારી કારખાનાં’માં નીચેથી ઉપર સુધી વ્યાપેલી રુશવતખોરી સામે લડી લેવાના નાયક ભોગીલાલના અટંકી ખમીરનું આલેખન આ યુગની નવી પ્રગટી રહેલી ચેતનાને વાચા પણ આપે છે. આ અટંકીપણું નવા શિક્ષણના પારસસ્પર્શે આણેલી ક્રાન્તિનું સુફલ છે એમ આ નાટક દ્વારા દર્શાવી નાટ્યકારે શિક્ષણનો મહિમા કર્યો છે. નાટકમાં સૂરતી સ્વભાવ ને સહજ નર્મવિનોદ છે, તેમ તત્કાલીન સૂરતી બોલાશનાં લક્ષણો પણ જળવાયાં છે. આ નાટક પહેલાં ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’(1862)માં હપતાવાર પ્રગટ થયું હતું, તે પછી તે જ વર્ષમાં તે ગ્રંથસ્વરૂપે પણ પ્રકાશિત થયું હતું. પ્રકાશિત અને ગ્રંથસ્થ નાટક તરીકે પણ તે પ્રથમ છે. નગીનદાસ આ સમયે ઍલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થી હતા અને નર્મદના વ્યક્તિત્વ અને કાર્યથી પ્રભાવિત હતા. તેમણે આ નાટક કવિ નર્મદને ‘અર્પણ’ કર્યું હતું. આમાં થયેલો કોરસનો પ્રયોગ પણ ઉલ્લેખનીય છે.

તેમની આ નાટકમાંની અર્પણનોંધ ઉપરથી નગીનદાસે પદ્યરચનાઓ પણ કરી હોવાનું સમજાય છે. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં કવિનું/લેખકનું નામ પ્રગટ કરવાનો રિવાજ ન હતો તેથી અને તેઓ પછી વકીલાતના વ્યવસાયમાં વિશેષ વ્યસ્ત થયા તે કારણે કાવ્યલેખન પ્રતિ ઉદાસીન થતાં એવી રચનાઓ ભુલાઈ ગઈ છે. તેમનું એક બીજું નાટક ‘માણેક’ ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં પ્રગટ થયું હતું.

નર્મદે નવજાગરણના પ્રહરીરૂપ સાપ્તાહિક વર્તમાનપત્ર ‘ડાંડિયો’ શરૂ કર્યું ત્યારે તેના ‘સાક્ષરમંડળ’માં બીજા ચાર મિત્રો સાથે નગીનદાસ પણ હતા. ‘ડાંડિયો’ નામ સૂચવનાર પણ તેઓ હતા. ‘મ્હોટું નામ રાખી હલકું કામ કરવું, તેના કર્તાં હલકું નામ રાખી મ્હોટું કામ કરવું વધારે સારૂં’ – એ વિચારે નર્મદે આ નામકરણ વધાવી લીધું હતું. નગીનદાસ ‘90’ની સંજ્ઞાથી ‘ડાંડિયો’માં લખતા હતા. તેમના બત્રીશેક લેખો તેમાં પ્રગટ થયા હતા.

રમેશ મ. શુક્લ