માનમંદિર, ગ્વાલિયર : સ્થાપત્ય તથા કલાકારીગરીના સુંદર નમૂનારૂપ રાજમહેલ. મુઘલ સલ્તનતના શરૂઆતના દિવસોમાં ભારતમાં આમેર સહિત રજપૂતાના અને મધ્ય ભારતમાં ઘણા રાજપ્રાસાદો અને કિલ્લાઓનું નિર્માણ થયેલું. તેમાં ગ્વાલિયરનો કિલ્લો એક એવું ઉદાહરણ છે, જે મુઘલ સ્થાપત્યના પ્રભાવથી મુક્ત રહી પોતાની આગવી સ્થાપત્ય-રચના ધરાવે છે. બાબરનામામાં બાબરે ભારતમાં તેણે જોયેલાં સ્થાપત્યોમાં એ કિલ્લાને સૌથી સુંદર અને ભવ્ય ગણાવ્યો છે; ગ્વાલિયરનો માનમંદિર રાજમહેલ મહારાજા માનસિંહ તોમર (1486–1516) દ્વારા પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના પૂર્વાર્ધ વચ્ચે બંધાવાયો હતો.

નગરથી કિલ્લા સુધીના માર્ગ ઉપર તેના સમકાલીન ચિતોડના કિલ્લાની જેમ અનેક દરવાજાઓ (પોળ) વટાવીને માનમંદિરના પૂર્વ તરફના મુખ્ય પ્રવેશદ્વાર ‘હાથીપોળ’ સુધી પહોંચી શકાય છે. અહીંથી જ રાજમહેલની 40થી 50 મી. ઊંચી અને અત્યંત કલાકારીગરીપૂર્ણ દીવાલો ભવ્યતાનો અનુભવ કરાવે છે. દીવાલો ઉપર પીળા, લીલા અને વાદળી રંગના ટાઇલ્સના વિવિધ ટુકડાઓ દ્વારા ચિત્રાંકિત કરેલાં હાથી, પંખીઓ, ઝાડ-પાન અને અન્ય સુશોભન-વસ્તુઓની ભાત(ડિઝાઇન)ના કારણે માનમંદિર મહેલ તેના સમકાલીન હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યો કરતાં વધુ દર્શનીય બન્યો છે. રાજમહેલની દરેક બાજુએ દીવાલની ટોચ પર જાળીદાર કઠેડાની ઉપર આવતા નાના 5-5 ઘુમ્મટો ઉપર તાંબાના પતરાનું આવરણ ચઢાવેલું છે.

માનમંદિર (પશ્ચિમ ભાગ), ગ્વાલિયર

અંદરના ભાગમાં રાજમહેલ મુખ્યત્વે 2 મજલાનો બનેલો છે. પૂર્વ તરફ બીજા 2 મજલા ભોંયરામાં બનાવવામાં આવ્યા છે, જે પર્શિયન સ્થાપત્યોમાં ગરમીથી બચવા માટે બનાવવામાં આવતાં ભૂગર્ભ-સ્થાપત્યોની યાદ અપાવે છે. રાજમહેલના 45 મી. × 35 મી.ના મુખ્ય ભાગમાં નાનામોટા 40 ખંડો 2 ખુલ્લા ચોક ફરતે બનાવેલા છે. ઉપરના માળના મહિલા વર્ગ માટેના ખંડોની આગળની જાળીદાર પરસાળોમાંથી નીચે ખુલ્લા ચોકમાં ચાલતી રાજદરબારની કામગીરી ઉપર નજર કરી શકાય એવી સુવિધા છે. સૌથી ઉપરના માળે નમૂનેદાર નકશીકામ સાથેની છત્રીઓ છે.

પથ્થર અને ચૂનાથી બંધાયેલ સમગ્ર મહેલમાં બારીક રંગીન ટાઇલ-વર્ક અને કોતરણી-કામનો અતિરેક સુગ્રથિત યોજનાનો અભાવ દર્શાવે છે. અકબરે પોતાનાં આગ્રા અને ફતેહપુર સિક્રીનાં બાંધકામોમાં માનમંદિરનું ઘણું અનુકરણ કર્યું જણાય છે.

નિગમ ચૌધરી