માન, ટૉમસ (જ. 6 જૂન 1875, લુબેક; અ. 12 ઑગસ્ટ 1955, ઝુરિક) : જર્મન નવલકથાકાર. 1929માં એમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમનાં લખાણોમાં વિનોદ, પ્રજ્ઞા, તત્વદર્શી વિચારો આદિનો સુમેળ દેખાય છે. બૌદ્ધિક સમન્વય, મનોવૈજ્ઞાનિક તીવ્ર ર્દષ્ટિ અને સાંસ્કૃતિક તથા રાજકીય પરિસ્થિતિઓની વિવેચનાત્મક જાગૃતિએ એમને સમકાલીન અગ્રગણ્ય માનવહિતવાદી લેખકોની હરોળમાં મૂકી દીધા. એમના સર્જનમાં મૃદુ કટાક્ષ સાથે કલાકીય તાટસ્થ્ય તથા સહિષ્ણુતા વર્તાય છે. ક્યારેક વક્રોક્તિના ઉપયોગમાં એમની શૈલી છટાદાર અને આડંબરયુક્ત બને છે અને તે પણ ખાસ કરીને ગટેનાં લખાણોના સંદર્ભે વક્રોક્તિમાં.

ટૉમસ માન

માનનો લુબેકમાં એક શ્રીમંત વેપારી કુટુંબમાં જન્મ થયો હતો. નાઝીઓએ સત્તા હાંસલ કરી ત્યારે તે જર્મની છોડીને સ્વિટ્ઝર્લૅન્ડમાં 1933થી 1938 સુધી રહેલા. 1944માં તે અમેરિકાના નાગરિક બન્યા અને 1952માં સ્વિટ્ઝર્લૅન્ડ પાછા ફર્યા અને ત્યાં જ અવસાન પામ્યા. એમના ભાઈ હાઇનરિક માન અને પુત્ર ક્લૉસ માન પણ લેખકો હતા.

માન સાહિત્યશૈલીના શ્રેષ્ઠ કસબી હતા. 1800ની આસપાસના પરંપરાગત વાસ્તવવાદ અને શૈલી તથા રચના માટેના અવનવા પ્રયોગ વચ્ચે એમણે એમની સમતુલા જાળવી રાખી હતી. યુરોપિયન મધ્યમવર્ગનાં મૂલ્યો અને વલણોનું એમણે ટીકાત્મક છતાં સહાનુભૂતિભર્યું પૃથક્કરણ કર્યું છે. એમના સર્જનનો કેન્દ્રવર્તી વિષય છે જીવન અને ચૈતન્ય વચ્ચેનો દ્વૈતભાવ. બૌદ્ધિક સૌજન્ય અને સર્જનાત્મકતાને એમણે ચૈતન્યસ્વરૂપે આલેખ્યાં છે, જ્યારે જીવનને એક સાદી, સરળ શક્તિ તરીકે વર્ણવ્યું છે. ક્યારેક કલાકાર અને મધ્યમવર્ગનાં વલણો વચ્ચેના સંઘર્ષના આલેખનમાં પણ આ દ્વૈતભાવ દેખાયો છે.

એમની પ્રથમ નવલકથા ‘બુડન બ્રુક્સ’(1901)થી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. એમાં એક વેપારી કુટુંબની શારીરિક દુર્દશાની સાથે સાથે બૌદ્ધિક સૌજન્યનું વર્ણન છે. આ વિષયનાં રૂપાંતરો એમની ટૂંકી કૃતિઓ ‘ટ્રિસ્ટિન’ (1903) અને ‘ટૉનિયો ક્રૉગર’(1903)માં દેખાય છે. ‘ડેથ ઇન વેનિસ’ (1912) ટૂંકી નવલકથા છે. એમાં એક કિશોર પ્રત્યેના અનિયંત્રિત અને શરમજનક આવેગમાંથી સર્જાતો લેખકનો નૈતિક હ્રાસ દર્શાવાયો છે.

12 વર્ષના પરિશ્રમ બાદ એમણે ‘મૅજિક માઉન્ટન’ 1922માં પ્રસિદ્ધ કરી. ક્ષયરોગ માટેના આરોગ્યધામના દરદીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) પહેલાંના યુરોપીય સમાજની રાજકીય માન્યતાઓ તથા સંઘર્ષયુક્ત વલણોનું તે પ્રતિનિધિત્વ કરે છે.

માનની સૌથી લાંબી નવલકથા ‘જોસેફ ઍન્ડ હિઝ બ્રધર્સ’ (1933–1943) છે. 4 નવલકથાઓની આ શૃંખલામાં બાઇબલમાં આલેખાયેલી જોસેફની કથાના મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિબિંદુ સાથે પૌરાણિક કથાઓનું ર્દષ્ટિબિંદુ લઈ પૃથક્કરણ કરવામાં આવ્યું છે.

‘ડૉક્ટર ફૉસ્ટસ’ (1947) માનની હતાશાત્મક નવલકથા છે. એમાં એક જર્મન સંગીતજ્ઞ પોતાની કલામય સર્જનાત્મકતા માટે સ્નેહ અને નૈતિક જવાબદારીને ઠુકરાવે છે. એમાં નાઝીવાદના ઉદયનો પ્રતીકાત્મક નિર્દેશ છે. ‘કન્ફેશન્સ ઑવ્ ફેલિક્સ ક્રલ–કૉન્ફિડન્સ મૅન’ (1954) એક મજાની નવલકથા છે. મધ્યમવર્ગના સમાજના એક ધૂર્ત માનવીનાં સાહસોની એ કથા છે.

એમના નિબંધસંગ્રહો છે : ‘ઑર્ડર ઑવ્ ધ ડે’ (1942), ‘એસેઝ ઑવ્ ધ થ્રી ડિકૅડ્ઝ’ (1947) અને ‘લાસ્ટ એસેઝ’ (1959). એના વિષયોમાં રાજકારણ, સાહિત્ય, સંગીત, દર્શનશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. એમની ડાયરીઓ તથા પત્રોના પણ ઘણા સંગ્રહો પ્રસિદ્ધ થયા છે.

જયા જયમલ ઠાકોર