માનવ-અધિકારો : માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલાં છે. માનવજીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વસ્તરે વ્યાપ્ત બની અને માનવ-અધિકારો રૂપે સ્વીકૃતિ પામી.

વૈચારિક સ્તરે માનવ-અધિકારનાં બીજ ગ્રીસના સ્ટોઇક ચિંતકોએ રજૂ કરેલા ‘પ્રાકૃતિક કાયદા’ની વિભાવનામાં રહેલાં છે. તેઓ માનતા કે સૃષ્ટિનાં તમામ જીવંત સર્જનમાં એક સનાતન અને વિશ્વવ્યાપી શક્તિ રહેલી હોય છે. આથી માનવવર્તનને ‘રાષ્ટ્રના કાયદાઓ’ કરતાં પ્રાકૃતિક નિયમોને આધારે મૂલવવું જોઈએ. રોમન વિચારક સિસેરોએ આ પ્રાકૃતિક નિયમોને સર્વોપરી (સરકારોથી પણ ઉપરવટના) અને સર્વવ્યાપી નિયમો તરીકે ઓળખાવ્યા, જેમાંથી ક્રમશ: પ્રાકૃતિક અધિકારોનો ખ્યાલ વિકસ્યો અને વ્યાપક બન્યો. ઉદારમતવાદી ચિંતનમાં આ સંદર્ભમાં પ્રાકૃતિક અધિકારોની વાત કરવામાં આવી. ઉદારમતવાદનાં દાર્શનિક અને વ્યક્તિવાદી પાસાંઓ ધર્મસુધારણાની સાથે વિકસ્યાં, જેમાં પ્રત્યેક ક્ષેત્રમાં બૌદ્ધિક, સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય માટેની માંગ હતી. આથી માનવ-અધિકારોનો પાયો નંખાયો. એક તરફ ટૉમસ એક્વાઇનસ, હ્યૂગો, ગ્રોશિયસ, સ્પિનોઝા, ફ્રાંસિસ બેકન, લૉક, વૉલ્તેર, મૉન્તેસ્ક અને રૂસો જેવા વિચારકો હતા, જેમણે વિવિધ ર્દષ્ટિકોણથી માનવીય ગૌરવને બિરદાવ્યું. લૉકે પ્રાકૃતિક અધિકારોના વિચારોની વિગતે છણાવટ કરી અને જણાવ્યું કે સરકાર આવા પ્રાકૃતિક અધિકારોના રક્ષણાર્થે હોય છે તેમજ માનવ હોવાને નાતે વ્યક્તિને કેટલાક સ્વયંસિદ્ધ હક્કો મળેલા હોય છે. વિવિધ વિચારકો અને ક્રાંતિઓ દ્વારા આ અધિકારોની વિભાવના પરિપુષ્ટ થતી રહી તેમજ નાગરિક-અધિકાર સ્વરૂપે વ્યક્ત થતા પૂર્વે બ્રિટનમાં પિટિશન ઑવ્ રાઇટ્સ(1628)માં રજૂઆત પામી. નાગરિકના વૈયક્તિક અધિકારોની આ વિભાવના બિલ ઑવ્ રાઇટ્સ(1689)માં અને અમેરિકાના બંધારણની ઘોષણા(1776)માં આવરી લેવામાં આવી : ‘અમે એ સ્વયંસિદ્ધ સત્યને સ્વીકારીએ છીએ કે તમામ માનવો જન્મે સમાન છે. પરમ સર્જકે તેમને કેટલાક અદેય અધિકારો દીધા છે; જેમાં જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિના અધિકારો સમાયેલા છે.’ ત્યારબાદ જ્યૉર્જ વૉશિંગ્ટનના પરમ મિત્ર અને તેની સાથે અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધની ઘેરી તકલીફો ઝીલનાર ફ્રેંચ વિચારક લાફાયેતે ઇંગ્લિશ અને અમેરિકાની ક્રાંતિમાંથી પ્રેરણા લઈ ‘ફ્રેંચ ડેક્લેરેશન ઑવ્ ધ રાઇટ્સ ઑવ્ મૅન ઍન્ડ ઑવ્ ધ સિટિઝન્સ’ (26 ઑગસ્ટ 1789) દ્વારા માનવ-અધિકાર સ્વરૂપે તે વિભાવનાને રજૂ કરી. માનવ મુક્ત જન્મ્યો છે અને અધિકારો અંગે મુક્ત તથા સમાન રહેવા સર્જાયો છે એમ કહી તેની વિશદ ચર્ચા કરતાં સ્વતંત્રતા, સમાનતા, સલામતી અને જુલ્મોનો પ્રતિકાર કરવાના અધિકારો તેણે પ્રમાણ્યા. 1791માં અમેરિકાના બંધારણમાં પૂરું ‘બિલ ઑવ્ રાઇટ્સ’ સુધારાઓના રૂપમાં આમેજ કરી, લાફાયેતની રજૂઆતને અમેરિકાએ નિજી ઢબે પુષ્ટિ આપી. તો ફ્રેંચ ક્રાંતિ માનવ-અધિકારોની વિભાવનાનો વ્યાપક પ્રસાર કરનાર પાયાનું પરિબળ બની રહી.

આમ માનવ-અધિકારો પ્રકૃતિદત્ત અધિકારો તરીકે સ્વીકૃતિ પામ્યા ખરા, છતાં તે પ્રાકૃતિક હોવાના વિચારને પડકારવામાં આવ્યો. ઓગણીસમી સદીમાં નિરંકુશ સત્તાવાદ વિરુદ્ધ માનવ-અધિકારની લડત વધુ વિસ્તૃત ને વ્યાપક બની. જૉન સ્ટુઅર્ટ મિલ, ફ્રેડરિક કાર્લ વૉન સેવિગ્ની, હેનરી મેઇન, જૉન ઑસ્ટિન અને લુડવિગ ક્વીડ જેવા વિચારકોએ અન્ય આધારો શોધી માનવ-અધિકારોને ઉચિત ઠેરવ્યા, આમ અધિકારો અંગેની ચર્ચા જીવંત રહી. માનવ-અધિકારોને વિકસાવવામાં ફ્રેંચ ક્રાંતિનું પ્રદાન નોંધપાત્ર છે. વિશેષે, આ ક્રાંતિ દરમિયાન રજૂ થયેલી સ્વતંત્રતા અને સમાનતાની વિભાવનાએ માનવ-અધિકારના પાયામાં નવી શક્તિનું સિંચન કર્યું. ક્રાંતિની ભ્રાતૃભાવની વિભાવનાએ રાષ્ટ્રવાદી ભાવનાઓને વેગ આપ્યો. આથી ગુલામી-વિરોધી લડતોને યુરોપભરમાં વેગ મળ્યો. ઔદ્યોગિક ક્રાંતિને લીધે આ લડતને નવું પરિમાણ સાંપડ્યું અને તે હતું શોષણના પ્રતિકારનું. શોષણનો વિરોધ કરવો એ વ્યક્તિની નૈતિક જવાબદારી બની. લોકશાહીએ આ જવાબદારીનું સમર્થન કર્યું અને વાજબી વેતન તથા કામના નિશ્ચિત કલાકો સ્વીકૃતિ પામ્યાં. માનવ-અધિકારોમાં આર્થિક પાસું પણ ઉમેરાયું.

માનવ-અધિકારોનું ઘોષણાપત્ર રજૂ કરતા પંચના પ્રમુખ એલિનૉર રૂઝવેલ્ટ

પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધોને કારણે માનવ-અધિકારોની સ્થિતિ ચિંતાજનક હતી અને તેનો વ્યાપક પ્રમાણમાં ભંગ થતો હતો. આથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના બાદ 10 ડિસેમ્બર, 1948ના રોજ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ’ ઘોષિત કરવામાં આવ્યું અને યુનોના તમામ સભ્યોએ તેનો સ્વીકાર કર્યો. આ કારણે જ 10મી ડિસેમ્બરને માનવ-અધિકાર દિન તરીકે મુકરર કરવામાં આવ્યો છે. અહીં એક નોંધપાત્ર બાબત પરત્વે સ્પષ્ટતા કરવામાં આવી કે ‘મૅન’ શબ્દ માત્ર પુરુષ નાગરિકોના અધિકારો વ્યક્ત કરે છે અને મહિલાઓ અધિકારોથી વંચિત રહી જાય છે. આથી અધૂરી અભિવ્યક્તિરૂપ ‘મૅન’ શબ્દને સ્થાને ‘હ્યૂમન’ શબ્દ પ્રયોજાવા લાગ્યો અને એમ ‘માનવ-અધિકાર’ શબ્દ દ્વારા પુરુષો અને મહિલાઓના અધિકારોની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી, જેમાં પ્રત્યેક વ્યક્તિને પાયાના નાગરિક, આર્થિક, રાજકીય અને સામાજિક અધિકારો તથા સ્વાતંત્ર્ય છે એ વાત દોહરાવવામાં આવી.

1946માં યુનાઇટેડ નેશન્સ કમિશન ઑન હ્યૂમન રાઇટ્સની સ્થાપના કરવામાં આવી અને આ પંચે માનવ-અધિકારોનો દસ્તાવેજ ઘડ્યો. 1933થી ’45 દરમિયાન અમેરિકાનાં તત્કાલીન પ્રથમ મહિલા નાગરિક અને અમેરિકાના પ્રમુખનાં પત્ની એલિનૉર રૂઝવેલ્ટ આ પંચના પ્રમુખપદે હતાં. પંચે ઝડપી કામગીરી કરીને બે વર્ષથી ઓછા ગાળામાં આ દસ્તાવેજ તૈયાર કર્યો, જેને રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ મંજૂર કર્યો. આથી વિશ્વમાં સમાન અને ભેદભાવવિહીન અધિકારોનો વ્યાપ વિસ્તર્યો.

માનવઅધિકારોનું ઘોષણાપત્ર : આ ઘોષણાપત્રમાં પ્રારંભે આમુખ છે જે આ દસ્તાવેજનો હેતુ સ્પષ્ટ કરે છે. આમુખ જણાવે છે કે ‘તમામ પ્રજાઓ અને તમામ રાષ્ટ્રોની સિદ્ધિઓ માટેનાં સર્વસામાન્ય ધોરણો અભિવ્યક્ત’ કરવાનો તેનો હેતુ છે. તેની શેષ 30 કલમોમાં વિશ્વની તમામ પ્રજાઓના મૌલિક અધિકારો જણાવવામાં આવ્યા છે. આ ઘોષણાપત્રમાં માનવ-અધિકારોના બે બૃહદ્ વર્ગો પાડવામાં આવ્યા છે. પ્રથમ વર્ગમાં નાગરિક અને રાજકીય અધિકારોનો સમાવેશ થયો છે. તેમાં જીવન અને સ્વાતંત્ર્યના; ગુલામી અને અત્યાચારની નાબૂદીના અને કાયદા સમક્ષ સમાન વ્યવહારના અધિકારોનો સમાવેશ થયો છે. વધુમાં તેમાં વાણી, માન્યતા (belief) અને સંગઠનની રચનાના સ્વાતંત્ર્યની વાત કરવામાં આવી છે. બીજા વર્ગમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો સમાવિષ્ટ છે; જેમાં શિક્ષણના, કામના, વાજબી જીવનધોરણના, બેકારી સામે રક્ષણના અને સાંસ્કૃતિક જીવનમાં ભાગીદારી કરવા જેવા અધિકારો સમાવાયા છે. ઘણા દેશોનાં બંધારણો નાગરિક અને રાજકીય અધિકારોને પ્રાથમિકતા આપતા હતા, તેથી આ બીજા વર્ગના અધિકારોનો ઘોષણાપત્રમાં કરવામાં આવેલ સમાવેશ બહુ મહત્વની બાબત હતી. આ તમામ અધિકારો અવિભાજ્ય અને પરસ્પરાવલંબી છે એટલે કે એક અધિકાર પ્રાપ્ત કર્યા વિના બીજો અધિકાર સંપૂર્ણ બની શકે નહિ. ઘોષણાપત્ર જણાવે છે કે ‘પ્રત્યેક વ્યક્તિ પોતાના સમાજ પ્રત્યે કેટલીક ફરજો ધરાવે છે, કારણ કે માત્ર સમાજમાં જ તેના વ્યક્તિત્વનો મુક્ત અને પૂર્ણ વિકાસ શક્ય છે.’

ફ્રાંસના રેને કાસીન, કૅનેડાના જૉન હમ્ફ્રી, અમેરિકાનાં એલિનૉર રૂઝવેલ્ટ, ચિલીના હરનાન સાન્તાક્રૂઝ, લેબેનૉનના ચાર્લ્સ મલિક, ચીનના પી. સી. ચેંગ, બેલ્જિયમના ફરનાન્ડ ડેહાઉસ – આ બધા આ દસ્તાવેજના ઘડવૈયા હતા. આ ઘોષણાપત્રનો મૂળ મુસદ્દો વૈશ્વિક રીતે મર્યાદિત હતો અથવા તો એમ કહી શકાય કે વિશ્વની મુખ્ય રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને ચિંતનપરંપરાને પૂરતા પ્રમાણમાં સમાવિષ્ટ કરતો નહોતો. આ દસ્તાવેજના મૂળ ઘડવૈયાઓ પશ્ચિમી ર્દષ્ટિબિંદુ ધરાવતા યુરોપ-અમેરિકાના નાગરિકો હતા. ચાંગ અને મલિક જેવા પૌરસ્ત્ય પ્રતિનિધિઓ પણ પશ્ચિમી શિક્ષણ અને વિચારપ્રણાલીથી પ્રભાવિત હતા; તેથી પાશ્ચાત્ય ઉદારમતવાદી વિચારધારા અને ચિંતનનો આ દસ્તાવેજ પર ભારે પ્રભાવ પડે તે સ્વાભાવિક હતું. તેમાં પશ્ચિમી લોકશાહીનો મૂડીવાદયુક્ત આર્થિક વ્યવહાર (laissez faire) પ્રતિબિંબિત થાય છે. લોકશાહીની પાશ્ચાત્ય પરંપરાઓથી અજાણ વ્યક્તિ માટે આ ઘોષણાપત્ર અસાધારણ એટલે કે અરૂઢ છે.

1945 સુધી એશિયા અને આફ્રિકાનાં  ઘણાં રાજ્યો સાંસ્થાનિક દરજ્જો ધરાવતાં હતાં જેને પરિણામે તેઓ આ દસ્તાવેજની ઘડતરની પ્રક્રિયામાં ભાગ લઈ શક્યાં નહોતાં. સમાજનાં હિતો સાથે વ્યક્તિનાં હિતો તેમજ જવાબદારીઓની સમતુલા સાધવાની  આ દેશોની પરંપરાઓ આ દસ્તાવેજમાં જોવા મળતી નથી. ભારતીય પ્રતિનિધિની અપેક્ષા હતી કે લઘુમતીઓ વિરુદ્ધના ભેદભાવને વખોડતી અને તેમના સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહિત કરતી કલમો આ દસ્તાવેજમાં સામેલ હશે; પરંતુ અમેરિકા અને લૅટિન અમેરિકાના દેશોએ આ દરખાસ્તો અવગણી હતી.

આવી કેટલીક મર્યાદા છતાં આ ઘોષણાપત્ર વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા બાદ યુનોની સામાન્ય સભાએ બહાલ રાખ્યું. સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, સોવિયેત સંઘ અને તેના પૂર્વ યુરોપના સાથી દેશો મતદાન-પ્રક્રિયાથી દૂર રહ્યા. આ દસ્તાવેજ કોઈ કરાર નથી, તેથી તેને કાયદાના ટેકાનું (સાર્વભૌમ સત્તાનું) પીઠબળ નથી અને તેથી તે દરેક દેશ માટે કાયદેસર રીતે બંધનકર્તા નથી. આમ છતાં 50 વર્ષના ગાળા દરમિયાન તેની 30 કલમોમાં રેખાંકિત અધિકારોએ આંતરરાષ્ટ્રીય કાયદા જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં જાતિસંહાર, ગુલામી, અત્યાચાર અને જાતીય ભેદભાવોની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઘોષણાપત્ર તેના મૂળભૂત ઉદ્દેશથી આગળ વધીને રાષ્ટ્રસંઘનાં સભ્ય રાજ્યો માટેની કાનૂની જવાબદારી બની ગયું છે. આંતરરાષ્ટ્રીય કાયદાને લાગેવળગે છે ત્યાં સુધી એથી બાહ્ય સાર્વભૌમત્વની વાત ઘણી મોળી પડે છે અને એ સંદર્ભમાં સાર્વભૌમત્વની વિભાવના પણ અંશત: બદલાઈ છે. વિવિધ સરકારો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો આ ઘોષણાપત્રને માનવ-અધિકારોની આધારભૂત અભિવ્યક્તિ માને છે. અન્ય કોઈ પણ દસ્તાવેજને આવું વિશિષ્ટ નૈતિક અને કાનૂની સ્થાન પ્રાપ્ત થયેલ નથી.

1948થી માનવ-અધિકાર સંબંધે એક પ્રભાવક સૂચિ ઘડાઈ અને વિવિધ રાજકીય વિચારધારા ધરાવતી સરકારોએ વ્યાપક અર્થમાં તેનો સ્વીકાર કર્યો. 1966માં સંયુક્ત રાષ્ટ્રે ‘ઇન્ટરનૅશનલ કૉવેનન્ટ ઑન સિવિલ ઍન્ડ પોલિટિકલ રાઇટ્સ’નો તથા ‘ઇન્ટરનૅશનલ કૉવેનન્ટ ઑન ઇકોનૉમિક, સોશિયલ ઍન્ડ કલ્ચરલ રાઇટ્સ’નો સ્વીકાર કર્યો. આથી માનવ-અધિકારો વધુ સ્પષ્ટ અને વિશદ બન્યા. 1976થી આ બંને ખતપત્રોનો અમલ થવા લાગ્યો. 1998થી સંયુક્ત રાષ્ટ્રનાં 135 કરતાં વધુ સભ્ય રાજ્યોએ આ ખતપત્રોને બહાલી આપી છે. માનવ-અધિકારોનું ઘોષણાપત્ર અને બંને ખતપત્રો સંયુક્ત રીતે ‘ઇન્ટરનૅશનલ બિલ ઑવ્ રાઇટ્સ’ તરીકે માન્ય રહ્યાં છે. તેમાંથી કાયદેસર રીતે બંધનકર્તા એવા અન્ય કરારો વિકસ્યા છે; જેમાં રંગભેદવિરોધી, મહિલા-ભેદભાવવિરોધી અને બાળ-અધિકાર માટેના કરારો પેદા થયા છે. એથી સરકારો નાગરિકોને ઉત્તરદાયી બનવા લાગી છે, ન્યાયતંત્રો વધુ સ્વતંત્ર અને નિષ્પક્ષ બન્યાં છે અને સત્તાધીશોના સત્તાના દુરુપયોગની વૃત્તિઓ પર અંકુશ રાખતાં થયાં છે. આફ્રિકા, લૅટિન અમેરિકા અને પૂર્વ યુરોપના ઘણા દેશો પર આ દસ્તાવેજે વ્યાપક અને વિધાયક અસર પાડી છે.

એકંદરે આ ઘોષણાપત્ર માનવ-અધિકારો માટેની લડતનું ખતપત્ર પુરવાર થયું છે અને માનવ-અધિકારોની જવાબદારીઓ પ્રત્યે ઊંડી વૈશ્વિક નિસબત દાખવવામાં સફળ રહ્યું છે. અલ સાલ્વાડોર, હૈતી, ઇન્ડોનેશિયા, જૉર્ડન, લિબિયા, પુઅર્ટોરીકા અને સીરિયાનાં બંધારણોમાં આ દસ્તાવેજના કેટલાક અંશો સમાવી લેવામાં આવ્યા છે.

તે પછી યુરોપિયન કન્વેન્શન ફૉર ધ પ્રોટેક્શન ઑવ્ હ્યૂમન રાઇટ્સ ઍન્ડ ફન્ડામેન્ટલ ફ્રીડમ્સ (1950), ધ યુરોપિયન કૉર્ટ ઑવ્ હ્યૂમન રાઇટ્સ (1958), ઇન્ટર-અમેરિકન કમિશન ઑન હ્યૂમન રાઇટ્સ (1959) અને ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ (1961) જેવી સંસ્થાઓ સ્થપાઈ અને પ્રત્યેક સંસ્થા માનવ-અધિકારના વિવિધ ક્ષેત્રે કામ કરતી થઈ. સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ આવતી સમસ્યાઓમાં એશિયા અને આફ્રિકાની જાતિવાદ, સંસ્થાનવાદ અને આર્થિક વિકાસની સમસ્યાઓ મુખ્ય છે. આ અધિકારોના અનુસંધાનમાં સંયુક્ત રાષ્ટ્રોએ ઇન્ટરનેશનલ કન્વેન્શન ઑન ધી ઇલિમિનેશન ઑવ્ ઑલ ફૉર્મ્સ ઑવ્ રેસિયલ ડિસ્ક્રિમિનેશનના કરાર કર્યા અને 27 રાષ્ટ્રોની મંજૂરી બાદ 1969થી તેને અમલી બનાવ્યા.

1975માં હેલસિન્કી ખાતે એક પરિષદ યોજાઈ જેમાં 35 દેશોએ ભાગ લીધો. તેમાં માનવ-અધિકારોને અનુલક્ષીને સલામતી માટે પણ સહકાર સાધવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પરિષદમાં સલામતીના પ્રશ્નનો વિચાર થયો ત્યારે અમેરિકાના દબાણથી માનવ-અધિકારની બાબતોને પણ સામેલ કરવામાં આવી. 1980થી માનવ-અધિકારની ભલામણ બાબતે, તેના પુરસ્કારાર્થે તેમજ રક્ષણાર્થે સ્થાનિક અદાલતોનો ઉપયોગ કરવાનું વલણ વિકસ્યું. 1981માં આફ્રિકી એકતા સંગઠને ‘આફ્રિકન ચાર્ટર ઑન હ્યૂમન ઍન્ડ પીપલ્સ રાઇટ્સ’ સ્વીકાર્યું.

માનવ-અધિકારની આવી વ્યાપક ઘોષણા અને સંગઠિત સંસ્થાઓને કારણે કેટલીક બાબતો સ્પષ્ટ બની : (1) માનવ-મૂલ્યોનો મૂળભૂત રીતે સ્વીકાર થવો જોઈએ. (2) ગુણવત્તાના કે અન્ય ભેદભાવ વિના તે પ્રત્યેક વ્યક્તિને સુપરત થયેલા હોય છે. (3) આ અધિકારો રાજ્યની સત્તાથી પર છે, એટલે કે રાજ્ય કોઈ પણ વિચારસરણીને વરેલું હોય છતાં માનવ-અધિકારો સ્વીકારવા બંધાયેલું છે.

માનવ-અધિકારોનો સૈદ્ધાંતિક સ્વીકાર મોટાભાગનાં રાજ્યોએ કરેલો છે, પરંતુ વ્યવહારમાં તેનો અમલ કરતાં જણાયું કે તેમાં અનેક ગંભીર પ્રશ્નો પણ સમાયેલા છે. રંગભેદ, લોકો કે વ્યક્તિઓનું અર્દશ્ય થવું, શરણાર્થીઓની મોટા પ્રમાણમાં હિજરત, આપખુદ ધોરણે અને અદાલતમાં વ્યવસ્થિત કાર્યવાહી કર્યા વગર લોકોનો કરવામાં આવતો વધ, વેઠિયા મજૂર અને બાળમજૂરોનો પ્રશ્ન વગેરે માનવ-અધિકારોના ભંગનાં ખરાબમાં ખરાબ ઉદાહરણો રાજ્યો પૂરાં પાડે છે. વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ, ઝડપી આર્થિક પરિવર્તનો, જીવનરીતિમાં આવી રહેલા ફેરફારો, વારંવાર થતાં રાજકીય પરિવર્તનો જેવાં કારણોસર આ અધિકારો સામે પડકારો ઊભા થયા છે. તેમાંનો એક મુખ્ય પડકાર છે ગરીબી. જ્યાં સુધી ગરીબીનાબૂદીને સઘન કાર્યક્રમ હેઠળ આવરી ન લેવાય ત્યાં સુધી માનવ-અધિકારો ગૌણ સ્થિતિમાં આવી જાય છે. બીજું, વ્યાપક બનતી જતી આર્થિક અસમાનતાની સમસ્યાઓ પણ માનવ-અધિકારોને રૂંધે છે. ત્રીજો પડકાર પ્રાદેશિક ભેદભાવનો છે. વિશ્વસ્તરે રાજકીય અને ભૌગોલિક સીમાઓ માનવ-અધિકારોને પ્રભાવિત કરીને જાણે સીમાડા બાંધીને માનવ-અધિકારોના અમલમાં ગૂંચવાડો પેદા કરે છે.

આમ વિવિધ દિશાના પ્રયાસો છતાં માનવ-અધિકારો કાયદાથી બંધનકર્તા નથી. તેનો અમલ કરાવનાર કોઈ સુનિશ્ચિત સત્તા નથી. માનવ-અધિકારોના અમલનો આધાર માત્ર રાજ્યોની શુભનિષ્ઠા પર હોય છે તેમજ તેના રક્ષણ માટે કાયદાકીય જોગવાઈ ન હોવાથી ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, ઇન્ટરનેશનલ લીગ ફૉર હ્યૂમન રાઇટ્સ, ઇન્ટરનેશનલ કમિશન ઑવ્ જૂરિસ્ટ્સ જેવી બિનસરકારી સંસ્થાઓનાં પ્રયાસો અને નિષ્ઠા પર જ આધાર રાખવો પડે છે. આ માનવ-અધિકારો માનવમાત્ર માટેનો પ્રેરણાસ્રોત હોવા છતાં એ દિશામાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા 2000ના વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલા હ્યૂમન ડેવલપમેન્ટ રિપૉર્ટમાં જણાવવામાં આવ્યું કે માનવવિકાસ માટે માનવ-અધિકારોનું અસ્તિત્વ અનિવાર્ય છે. અત્યાર સુધી માનવ-વિકાસના અને માનવ-અધિકારોના પુરસ્કર્તાઓ અલગ અલગ દિશામાં ચાલ્યા છે. વિવિધ દેશોએ માનવવિકાસને મુખ્યત્વે આર્થિક વિકાસ ગણી લઈ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ એમ કરવા જતાં માનવ-અધિકારોનો ભોગ લેવાયો છે. માનવના વિકાસ માટે માત્ર આર્થિક વિકાસની નહિ, પણ સર્વાંગીણ માનવવિકાસની  પણ આવશ્યકતા છે. માનવ-અધિકારો માનવ- વિકાસની આડે આવે તો રાજ્યો સત્તાના અતિરેક દ્વારા માનવ-અધિકારોનો છેદ ઉડાડે છે.

ધનિક અને મૂડીવાદી દેશો આર્થિક વિકાસ સાધવા સામાજિક ન્યાયને એક બાજુ પર ધકેલી દે છે. વળી, આ દેશો  રોજગારી મેળવવાના અધિકારની અવગણના કરે છે. આ અંગે વિકસતા દેશોની પરિસ્થિતિ સહેજ પણ સારી નથી. વૈશ્ર્વિકીકરણની નીતિઓ વિકસતા દેશોમાં નવી તકો ઊભી કરે છે, પરંતુ નવી ટૅકનૉલૉજી, નવો ઊભરતો વ્યાપાર કે વિદેશી મૂડી તે તે દેશોની ગરીબ પ્રજાને હાંસિયામાં ધકેલી દે છે અને માનવ-અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પરિણામે ધનિકો અને ગરીબો વચ્ચે તેમજ ધનિક અને ગરીબ દેશો વચ્ચે અસમાનતા વધે છે અને તેમાં પણ આવકની અસમાનતા વિશેષે કરીને વ્યાપક બને છે. ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બનતાં આમજનતાના માનવ-અધિકારો જોખમાય છે. આવા સંજોગોમાં સામાજિક ન્યાયની સ્થાપના કરવાની વાત અર્થહીન બની જાય છે તથા માનવ-અધિકારો સાથે માનવવિકાસનું સંયોજન મુશ્કેલ બની રહે છે.

ભારતમાં કેન્દ્ર સરકારરચિત માનવ-અધિકાર પંચ અસ્તિત્વમાં છે ખરું, પરંતુ આવક અને શિક્ષણની અસમાનતા દેશના નાગરિકો વચ્ચે ભારે અસ્થિરતા પેદા કરે છે. માનવ-અધિકારોનો છડેચોક ભંગ થાય છે. દલિતો અને મહિલાઓ કફોડી સ્થિતિમાં મુકાય છે. વૈશ્ર્વિકીકરણના નૂતન પ્રવાહને કારણે માનવ-અધિકારો અવગણાય છે.

આમ, તમામ વિકસતા દેશોમાં માત્ર માનવ-અધિકારોની વાત કરવી એ પૂરતું નથી, તેની સાથે અર્થપૂર્ણ માનવવિકાસ–આર્થિક વિકાસનું અનુસંધાન કરવામાં આવે તો જ માનવ-અધિકારો પરિપૂર્ણ બની શકે.

રક્ષા મ. વ્યાસ