માધવવાવ (વઢવાણ) : ગુજરાતની એક ઉત્તમ વાવ. આ સુંદર વાવ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 8 કિમી. દૂર આવેલા વઢવાણના પ્રાચીન નગરના મધ્યના જૂના વિસ્તારમાં આવેલી છે. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી. વાવમાંના એક પથ્થર પર ઈ. સ. 1294નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી નાગર જ્ઞાતિના કોઈ સિંધુ અને તુષમાદેવીનો આ વાવ સાથે સંબંધ હોવાનું જણાઈ આવે છે. વાવની રચના પણ એ અરસામાં થયેલી હોવાનું પ્રતીત થાય છે.
સ્થાનિક પથ્થરો વડે ઘડાયેલી આ વાવ સ્થાપત્યકીય રચના પરત્વે એક મુખ અને એક પ્રવેશદ્વાર ધરાવે છે. વાવ પૂર્વ–પશ્ચિમે આવેલી છે. 55 મી. લંબાઈ અને સરેરાશ 3.60 મી. પહોળાઈ ધરાવતી વાવના પશ્ચિમના છેડે પ્રવેશ અને પૂર્વના છેડે કૂવો કરેલો છે. 6 સોપાનશ્રેણીઓ દ્વારા કૂવાના તળ સુધી પહોંચી શકાય છે. કૂવો 5.30 મી.નો વ્યાસ ધરાવે છે. વાવની પડખાની દીવાલો ધસી ન પડે તે માટે દરેક સોપાનશ્રેણી પછી એક પડથાર કરેલો છે અને પડથાર પર મજલા(કૂટ)ની રચના કરેલી છે. આમ 6 મજલા કે 6 કૂટની રચના થયેલી છે. પડથાર અને કૂટનું માપ 2.70 × 3.60 મી.નું છે. છેક ઉપરના મજલે સંવરણા (દાદરી) ઘાટનું વિતાન કરેલું છે અને તેના પર આમલક અને પર્ણકલશની રચના કરેલી છે. કૂટનાં પડખાંની દીવાલોમાં ગવાક્ષો કરેલા છે, જેમાં મુખ્યત્વે દેવતાઓની પ્રતિમાઓ સ્થાપેલી છે. આમાંની ઘણી પ્રતિમાઓ ખવાઈને નષ્ટ થઈ ગયેલી છે, પરંતુ જે બચી છે તે પૈકીની ભૈરવ, દશાવતાર, સપ્તમાતૃકા, નવગ્રહ અને દાતા દંપતીની પ્રતિમાઓ સારી હાલતમાં છે. કૂવા પર પૂર્વ બાજુએ મથાળે ઝૂલતો ઝરૂખો કાઢેલો છે, જેના દ્વારા કૂવામાંથી જળ ખેંચી શકાય એવી વ્યવસ્થા કરેલી છે. કૂટની પડખાંની દીવાલોને આધાર આપવા અર્ધસ્તંભો કે ભીંત-સ્તંભો અને છતને આધાર આપવા માટે ચોરસ ઘાટના સ્તંભો કરેલા છે. કૂટના ઉપરના મજલાઓ પર જવા માટે પડખાંની દીવાલમાંથી કાઢેલી ખૂબ સાંકડી પગથીનો ઉપયોગ અત્યંત કાળજીપૂર્વક કરવો પડે છે.
વાવના પ્રવેશની આજુબાજુની જાળીઓમાં સુંદર નકશીકામ છે. એમાં દરેક જાળીમાં ચાર-ચારની ચાર હરોળને લઈને 16 ચોરસ ચોકઠાંઓની રચના થાય છે. પ્રત્યેક ચોરસના ખૂણા પર કમળનું બુટ્ટાકાર રૂપાંકન છે. ચોરસ ચોકઠાંઓમાં ભૌમિતિક કે ફૂલવેલની મનોહર ભાતો કંડારેલી છે. એમાં કરેલું નંદ્યાવર્તનું આલેખન જૈન રૂપાંકન-પ્રતીકનું સ્મરણ કરાવે છે. જાળીના ઉપરના ભાગમાં હંસોની હરોળ કંડારી છે. પ્રવેશદ્વારની ઊભી શાખાઓ(દ્વારશાખાઓ)માં દેવોની હરોળ કંડારી છે, જ્યારે ઓતરંગ પર માનવલીલાનાં કેટલાંક શિલ્પો કંડારેલાં છે. સ્તંભો પરના મદલો પર ક્યાંક ક્યાંક ભોગાસનોનાં શિલ્પો નજરે પડે છે.
એક ગવાક્ષમાં મૂકેલ દાતા દંપતીની મૂર્તિમાં લોકો માધવ અને તેની પત્ની હોવાનું કહે છે, પણ તે ત્યાંના લેખમાં જણાવ્યા અનુસાર સિંધુ અને તુષમાદેવી હોવાનું વધુ સંભવિત છે. આ વાવ વિશેની જાણીતી દંતકથા એવી છે કે એમાં પાણી નહિ આવતાં એક દંપતીએ પોતાના પ્રાણનો ભોગ આપેલો અને એ પછી પાણી આવ્યું હતું. ગુજરાતના વાવસ્થાપત્યમાં સર્વોત્તમ ગણાય એવી આ માધવવાવ આજે તો અત્યંત બિસ્માર હાલતમાં છે.
હસુતાબહેન સેદાણી