માતાનો મઢ : કચ્છના પશ્ચિમ કિનારે ભુજથી 100 કિમી. દૂર આવેલું કચ્છના રાજવીઓનાં કુળદેવી મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા એ મહાલક્ષ્મી-મહાકાળી-મહાસરસ્વતીનું સ્વરૂપ છે. ભાવિકોનો એક વર્ગ તેમને આઈ આવળનું સ્વરૂપ માને છે.

નિજ મંદિર (માતાનો મઢ)

એક કિંવદંતી અનુસાર, 1,500 વર્ષ પહેલાં મારવાડનો દેવચંદ વેપારી તેની વણજાર સાથે હાલના મઢના સ્થાનકે નવરાત્રિ કરવા રોકાયેલો. તેની ભક્તિથી પ્રસન્ન થઈ જગદંબાએ તેને દર્શન આપી તે સ્થળે મંદિર બંધાવવા આજ્ઞા કરી. તે મુજબ તેણે મંદિર બંધાવ્યું, પરંતુ દ્વાર ખોલવાની અવધિનો અધીરાઈથી ભંગ કરતાં દેવીની ભવ્ય પ્રતિમાનાં દર્શન તો થયાં, પણ તે પ્રતિમાનાં ચરણોનું પ્રાગટ્ય બાકી રહી ગયું.

પ્રાચીન લોકકથા પ્રમાણે કચ્છના પ્રતાપી રાજા લાખા ફૂલાણીના પિતા રાજા જામ ફૂલના કારભારી અજા અને અણગોર નામના બે વૈશ્યબંધુઓએ આ મંદિર બંધાવ્યું હતું. ઇતિહાસ જોતાં સિંધનગરના જામ ઉન્નડના પુત્ર જામ બાંભણિયાએ આ મંદિર બંધાવેલું. જોકે, દેવચંદ શાહે બંધાવેલ મંદિર વિશેનું પ્રમાણ ચોક્કસ જણાય છે. 1819માં ધરતીકંપથી તેને નુકસાન થતાં 1824માં સુંદરજી શિવજી અને વલ્લભજી રાજારામે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આ મંદિર ખીણમાં ચિત્તાકર્ષક પ્રાકૃતિક પરિસરમાં આવેલું છે. તેની ચારેબાજુ નાના નાના પર્વતો-ટેકરીઓ અને જંગલો આવેલાં છે. રોજેરોજ અને ખાસ કરીને આસો-નવરાત્રિમાં સંખ્યાબંધ યાત્રિકો-ભાવિકો દર્શન માટે ઊમટે છે. નવરાત્રિમાં ચામર-સવારી અને પત્રીના ઉત્સવો ઊજવાય છે. ચામર-યાત્રા મંદિરે પહોંચે પછી રાજવી માતાજીની આરતી ઉતારે તેવી પરંપરા ચાલુ છે. આસો સુદ 7-8ના રોજ હવનાષ્ટમીનો મેળો ત્યાં પ્રતિવર્ષ ભરાય છે.

મઢની જાગીરના ટ્રસ્ટે યાત્રિકોની સુવિધા ખાતર રહેવા-જમવાની સગવડ કરેલી છે. અહીં વીર રાજાની ગાદી તરીકે પ્રચલિત ગાદીનાં દર્શનનું પણ મહત્વ છે. આ દેવસ્થાન રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. અમદાવાદથી નારાયણ સરોવર જતી તમામ બસો દ્વારા આ સ્થાનકે પહોંચાય છે. ભુજથી પણ બસસેવા ઉપલબ્ધ છે. નજીકનું  હવાઈ મથક ભુજ અને નજીકનું રેલવે-મથક પણ ભુજ-ગાંધીધામ છે.

બળદેવભાઈ કનીજિયા