માતાજી (શ્રી) (જ. 21 ફેબ્રુઆરી 1878, પૅરિસ; અ. 17 નવેમ્બર 1973, પૉંડિચેરી) :  મહર્ષિ અરવિન્દનાં અંતેવાસી અને તેમના દર્શનનાં સર્વોત્તમ સાધક ને સમર્થક વિદેશી સન્નારી. શ્રી અરવિન્દનાં અનુયાયીઓમાં ‘શ્રી માતાજી’ તરીકે ઓળખાતાં મીરા આલ્ફાસા. શાળાનો અભ્યાસ પૂરો થતાં ઉજ્જ્વળ કારકિર્દીને કારણે તેમને પ્રી-દ’-ઑનર(prix d’ honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

શ્રી માતાજી

દસેક વર્ષે તેમણે ટેનિસ, પિયાનો અને ચિત્રકલા શીખવાની શરૂઆત કરી. આગળ જતાં તેમનાં ચિત્રો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં સ્થાન પામ્યાં. 1897માં તેમનું લગ્ન ચિત્રકાર હેન્રી મૉરિસૅટ સાથે થયું, 1898માં પુત્ર આંદ્રેનો જન્મ થયો. 1906માં અલ્જીરિયા જઈ તેમણે થેઓં (Theon) દંપતી પાસે ગૂઢવિદ્યા(occultism)નો અભ્યાસ કર્યો. 1908માં હેન્રીથી છૂટાં પડી 1911માં પૉલ રિશાર સાથે, તેમના પર ગૂઢવિદ્યા દ્વારા કાર્ય કરવા, લગ્ન કર્યું. 1914ની 29મી માર્ચે પૉંડિચેરી ખાતે તેમણે શ્રી અરવિન્દનાં પ્રથમ દર્શન કર્યાં અને તે જ ક્ષણે તેમને સદાયને માટે પૂર્ણપણે સમર્પિત થઈ ગયાં. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેમને ફ્રાંસ પાછાં જવું પડ્યું. 1916માં તેઓ જાપાન ગયાં, જ્યાં રવીન્દ્રનાથ ટાગોરે તેમનાથી પ્રભાવિત થઈ તેમને શાંતિનિકેતનમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું, જેનો તેમણે અસ્વીકાર કર્યો. 1920ની 24મી એપ્રિલે તેઓ કાયમ માટે પૉંડિચેરી આવી વસ્યાં. 1926ની 24મી નવેમ્બરે શ્રીકૃષ્ણની ચેતનાનું શ્રી અરવિન્દના શરીરમાં અવતરણ થયું. શ્રી અરવિન્દે અતિમનસની સાધના તીવ્ર કરવા એકાન્તવાસ સ્વીકાર્યો તથા સાધકોની ભૌતિક–આધ્યાત્મિક જવાબદારી માતાજીને સોંપી અને આશ્રમ અસ્તિત્વમાં આવ્યો. 1950ની 5મી ડિસેમ્બરે શ્રી અરવિન્દે દેહત્યાગ કર્યો. 1956ની 29મી ફેબ્રુઆરીએ ધ્યાન દરમિયાન માતાજીએ અતિમનસ શક્તિને પૃથ્વી પર ઉતારી. 1968માં માનવ-એકતાનો આદર્શ સિદ્ધ કરવા, બધા દેશોના લોકો સાધના કરવા એકસાથે રહી શકે એ હેતુથી, તેમણે ઑરોવિલ નગરીની સ્થાપના કરી. 1973માં અવસાન બાદ તેમનો દેહ લગભગ 60 કલાક નિર્વિકાર રહેલો. તે પછી તેને સમાધિ આપવામાં આવેલી.

શ્રદ્ધાળુઓના મતે બાળવયથી સંત તરીકેની તેમની સિદ્ધિઓ નીચે મુજબ ગણાવી શકાય : માતાજી પાંચ વર્ષની વયે પોતાની અંદરની દિવ્ય હાજરીથી સભાન હતાં, તથા અનુભવતાં કે ઉપરથી પ્રકાશ અને શક્તિ તેમનામાં ઊતરી એમના જીવનને ઘડી રહ્યાં છે. બાર-તેર વર્ષની વયે થયેલા અનેક આધ્યાત્મિક અનુભવોએ તેમને પ્રતીતિ કરાવી કે ઈશ્વર છે, મનુષ્ય તેની સાથે એક થઈ શકે છે અને જીવનમાં તેનો આવિર્ભાવ કરી શકે છે. ઊંઘ દરમિયાન અનેક મહાત્માઓએ તેમને આ સત્યનો સાક્ષાત્કાર કરવાની રીત દર્શાવી. તેમનામાંથી એક મહાત્માને તેઓ ‘કૃષ્ણ’ નામે ઓળખતાં અને તેમને એમ લાગતું કે ભવિષ્યમાં તેમની સાથે તેમણે દિવ્ય કર્મ કરવાનું છે. શ્રી અરવિન્દના પ્રથમ દર્શન વખતે તેમને પ્રતીતિ થઈ કે જેમને પોતે કૃષ્ણ નામે ઓળખતાં હતાં તે આ જ વ્યક્તિ છે. તેર-ચૌદ વર્ષની ઉંમરે રોજ રાતે પથારીમાં સૂતી વખતે તેમને અનુભવ થતો કે તેઓ તેમના શરીરમાંથી બહાર નીકળી સીધાં ઊંચે ને ઊંચે જઈ રહ્યાં છે અને તેમના ખૂબ નીચે સુધી લંબાયેલા ઝભ્ભા તળે ચોમેરથી આવી લોકો એકઠાં થાય છે અને ઝભ્ભાનો સ્પર્શ થતાં શાતા અનુભવે છે. વીસેક વર્ષની વયે કોઈ પણ બાહ્ય સહાય વિના તેમણે ભગવાનની સાથે સતત એકતા સિદ્ધ કરી. ગીતાનો અંગ્રેજી અનુવાદ વાંચ્યા પછી તેમણે એક જ માસમાં હૃદયમાં કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો. ગૂઢવિદ્યાના જ્ઞાનથી તેઓ મરજી મુજબ શરીરની બહાર નીકળી અનેક લોકમાં પરિભ્રમણ કરતાં. તે જ્ઞાનના ઉપયોગ દ્વારા જ તેમણે મેલી વિદ્યાથી આશ્રમ પર થયેલા પથ્થરોના હુમલાને બંધ કર્યો હતો. બૌદ્ધ ધર્મ પરનું વ્યાખ્યાન સાંભળતી વખતે તેમને બુદ્ધનાં દર્શન થયેલાં. એ જ રીતે પહેલી વાર ૐનો નાદ સાંભળતાં તેમણે અનુભવેલું કે આખો ઓરડો સોનેરી પ્રકાશથી ભરાઈ ગયો છે. શ્રી અરવિન્દના પ્રથમ દર્શન વખતે અનાયાસે જ તેમને સંપૂર્ણ નિર્વિચાર અવસ્થાનો અનુભવ થયેલો. તેમના એ પ્રથમ સમર્પણ વિશે પાછળથી શ્રી અરવિન્દે કહેલું, ‘મેં ક્યાંય પણ આટલું સંપૂર્ણ આત્મસમર્પણ જોયું નથી.’ જાપાનમાં વ્યાપક ઇન્ફ્લુએન્ઝાએ સેંકડોને ભરખી લીધેલા ત્યારે તેમણે તેની પાછળ રહેલા આસુરી સત્ત્વનો ગૂઢવિદ્યાથી નાશ કરેલો, જેની નોંધ જાપાની વૃત્તપત્રોએ પણ લીધેલી. 1920માં ધ્યાન દરમિયાન તેમણે જોયેલું કે ભારત રક્તપાત વિના આઝાદ થયું છે. તેઓ પુષ્પોની ચેતનામાં પ્રવેશ કરી તેમને નામો આપતાં, કેમ કે તેમની ર્દષ્ટિએ પુષ્પો ચેતનાની અવસ્થાઓનાં પ્રતીકો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે શ્રી અરવિન્દની સાથે તેમણે જાહેર કરેલું કે હિટલર વિનાશક આસુરી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને બ્રિટન તથા સાથી દેશો, તેમની મર્યાદાઓ છતાં, દિવ્યશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેથી શ્રી અરવિન્દે તથા શ્રી માતાજીએ તેમની આધ્યાત્મિક શક્તિથી સાથી દેશોને સહાય કરેલી તથા તેમને માટે ભંડોળ ઊભું કરેલું. 1942માં ભારતની સ્વતંત્રતા સંબંધી ક્રિપ્સ(Cripps)ની દરખાસ્તો પાછળ ભગવાનની કૃપા સીધી જ કાર્ય કરી રહી છે એમ કહી તેમણે ઉમેરેલું કે એ દરખાસ્તો નહિ સ્વીકારાય તો ભારત પર આપત્તિઓ ઝીંકાશે અને તેને ઘણું સહન કરવું પડશે. શ્રી અરવિન્દના દેહત્યાગ વખતે તે દેહમાંની મનથી ઉપરની અતિમનસ ચેતનાશક્તિ માતાજીમાં સંક્રાન્ત થઈ હતી. 1956ના ફેબ્રુઆરીની 29મી તારીખે ધ્યાન દરમિયાન તેમણે જોયું કે એક સોનેરી બારણું અતિમનસને નીચે પૃથ્વી પર આવતાં રોકી રહ્યું છે. તેમણે સોનેરી હથોડાના એક જ ઘાથી બારણાના ટુકડા કરી નાખ્યા અને તેથી અતિમનસ ચેતના, શક્તિ અને પ્રકાશનો ધોધ પૃથ્વી પર ઊતરી આવ્યો. આમ શ્રી અરવિન્દનું તથા તેમનું અતિમનસને પૃથ્વી પર ઉતારવાનું જીવનકાર્ય સિદ્ધ થયું.

શ્રી અરવિન્દ આશ્રમ પૂર્ણપણે માતાજીનું સર્જન છે. તેઓ અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા સાધકો તથા બહારથી આવનારાઓને મુલાકાત આપવી, સાધકો સાથે ધ્યાન, સવારે બાલ્કનીમાંથી દર્શન આપવાં, સાંજે પ્લેગ્રાઉન્ડમાં હાજરી અને ધ્યાન, સાધકો સાથે ટેનિસ રમવું, આશ્રમનું સંચાલન, વર્ગો લેવા વગેરે. આ બાહ્ય પ્રવૃત્તિઓ પાછળ તેમનો મુખ્યત્વે એક જ હેતુ રહેતો – પોતાની આધ્યાત્મિક શક્તિથી સાધકોની ચેતના પર કાર્ય કરી તેને દિવ્યતામાં વિકસાવવી. તેમના નેતૃત્વ હેઠળ આશ્રમનો સર્વાંગીણ વિકાસ થયો. સાધકોની આરંભિક સંખ્યા 24થી ક્રમશ: વધીને 1,500 જેટલી થઈ. ‘જીવનનો ત્યાગ નહિ, પણ જીવનનું દિવ્ય રૂપાન્તર’ – એ શ્રી અરવિન્દના પાયાના વિચારને વાચા આપવા તેમણે આશ્રમમાં કર્મયોગરૂપે અનેક પ્રવૃત્તિઓ વિકસાવી; જેવી કે શિક્ષણ, તબીબી સેવાઓ, કળાઓ, ખેતી, રસોડું તથા ભોજનાલય, બેકરી, વણાટ તથા છાપકામ, વ્યાયામ તથા રમતગમત, પ્રેસ, અગરબત્તીનિર્માણ વગેરે. તેમણે સાધનામાં આંતરચેતનાના વિકાસને જ મહત્વ આપ્યું અને બાહ્ય વિધિવિધાનોને સંપૂર્ણ તિલાંજલિ આપી. તેમણે વ્યક્તિસ્વાતંત્ર્યનો પૂરો આદર કર્યો અને નિયમજડ અનુશાસન ક્યારેય લાદ્યું નહિ.

મકરન્દ બ્રહ્મા