માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન કરવાની ટેવ તેમણે કેળવેલી. નૈનીતાલની શેરવુડ કૉલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. દહેરાદૂન ખાતેની ભારતીય મિલિટરી એકૅડેમીમાં અને ત્યારબાદ ઇંગ્લૅન્ડની ઇમ્પીરિયલ ડિફેન્સ કૉલેજમાં તેમણે લશ્કરી તાલીમ મેળવેલી.
1934માં 20 વર્ષની વયે બ્રિટિશ હિંદી સૈન્યમાં કમિશન્ડ અફસર તરીકે જોડાઈને તેમણે લશ્કરી કારર્કિદીનો પ્રારંભ કર્યો. 1939માં સીલુ સાથે લગ્નજીવનનો આરંભ કર્યો. (સીલુનું અવસાન : 12 ફેબ્રુઆરી 2001.) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણ શૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજ સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી અને વ્યક્તિનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને 17મી ડિવિઝનના કમાન્ડર મેજર-જનરલ કોવાને યુદ્ધભૂમિ પર જ પોતાનો મિલિટરી ક્રૉસ માણેકશાની છાતી પર લગાવી દીધો હતો. આમ 22 ફેબ્રુઆરી 1942ના રોજ યુદ્ધભૂમિ પર જ મિલિટરી ક્રૉસ મેળવવાનું વિરલ માન તેમને પ્રાપ્ત થયેલું. બ્રિટિશ સરકારે તેમને હિંદી ચીન વિસ્તારમાં મોકલ્યા ત્યારે પણ તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી.
1947માં ભારત સ્વતંત્ર બનતાં તેમને બ્રિગેડિયરના પદે બઢતી મળી. ભારતની કાશ્મીર સરહદે પાકિસ્તાને (1947) આક્રમણ કર્યું. ત્યારે તેમણે યુદ્ધનું આયોજન કરી એક ડિવિઝનનું કાબેલિયતથી નેતૃત્વ કર્યું હતું. યુનોમાં ભારતના પ્રતિનિધિ તરીકે બેનેગલ નરસિંહરાવના લશ્કરી સલાહકાર તરીકે જનરલ થિમૈયા સાથે પણ તેમણે કામ કર્યું હતું. 1962માં ચીની આક્રમણ સમયે નેફા મોરચે તેમણે નોંધપાત્ર કામગીરી કરી. આ બાબતે વિવાદ પેદા થયો ત્યારે સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું બનેલું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું અને આ પંચે તેમને નિર્દોષ ઠેરવ્યા. આ ઘટના બાદ તેમની હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવસ્થાશક્તિની કદર રૂપે તેમને લેફ્ટેનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો. 1964માં જનરલ ઑફિસર કમાન્ડિંગ તરીકે તેઓ લશ્કરના પશ્ચિમ વિભાગના અને 1965માં લશ્કરના પૂર્વ વિભાગના વડા નિમાયા. પૂર્વ વિભાગમાંની કામગીરી દરમિયાન તેમણે નાગ અને મિઝો બળવાખોરો સામે નોંધપાત્ર સફળતા મેળવી. 1967માં તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયો. 1969માં તેઓ સેનાધિપતિ (Chief of Army Staff) બન્યા. 1971માં બાંગ્લાદેશ વતી પાકિસ્તાન સાથે યુદ્ધ લડ્યા. બે સપ્તાહના આ યુદ્ધમાં ભારતીય લશ્કરની કામગીરીના સર્વોચ્ચ વડા રહ્યા અને ભારતીય લશ્કરે પાકિસ્તાન વિરુદ્ધ જ્વલંત વિજય સિદ્ધ કર્યો. એમની આ વીરોચિત કામગીરીની કદર કરવામાં આવી અને 1971માં તેમને ‘પદ્મવિભૂષણ’ના બહુમાનથી શોભાયમાન કરવામાં આવ્યા. તેમજ 1973માં ‘ફીલ્ડ માર્શલ’નો હોદ્દો એનાયત થયો. આવું અસાધારણ માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય લશ્કરી વડા હતા. 1970માં તેમને અમેરિકન ઍવૉર્ડ ઑવ્ મૅરિટની અને 1979માં ‘શક્તિપટ્ટ ઑવ્ નેપાલ’ ઍવૉર્ડની નવાજેશ થયેલી.
વૈયક્તિક રીતે તેઓ બાગબાનીનો અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો શોખ ધરાવે છે. ઉત્કટ શ્વાનપ્રેમ તેમના વ્યક્તિત્વનું વિશેષ પાસું છે. વિશાળ વાચન ધરાવતા આ નિવૃત્ત સેનાપતિ પંજાબી, પુશ્તો, ગોરખાલી, હિંદી અને અંગ્રેજી ભાષાઓ જાણે છે. તેઓ કર્તવ્યનિષ્ઠ, સ્પષ્ટવક્તા અને શિસ્તના ર્દઢ આગ્રહી હોવાથી સૈન્યમાંથી નિવૃત્તિ બાદ તેમની સેવાઓ મેળવવા ઘણી સંસ્થાઓ ઉત્સુક રહી છે. બૉમ્બે બર્મા ટ્રેડિંગ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍલ્યુમિનિયમ લિમિટેડ, ઈસ્ટ ઇન્ડિયા હોટેલ્સ, નાગાર્જુન ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, એસ્કૉર્ટ ટ્રાન્સમિશન, ગુડ લાસ નેરોલૅક પેઇન્ટ્સ જેવી અનેક કંપનીઓમાં અગત્યના વિવિધ હોદ્દાઓ પર તેઓ સેવાઓ આપી રહ્યા છે.
રક્ષા મ. વ્યાસ