માણેક, કરસનદાસ નરસિંહ

January, 2002

માણેક, કરસનદાસ નરસિંહ (જ. 28 નવેમ્બર 1901, કરાંચી; અ. 18 જાન્યુઆરી 1978, વડોદરા) (ઉપનામ –‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નિબંધકાર, ચિંતક. વતન જામનગર જિલ્લાનું હડિયાણા. પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં ખાનગી શાળામાં, માધ્યમિક કેળવણી ત્યાંની મિશન સ્કૂલમાં. ઉચ્ચ કેળવણી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં શરૂ કરેલી, પણ અસહકારની ચળવળને કારણે 1921માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા; પરંતુ પરીક્ષા આપ્યા વગર કરાંચીની તે જ કૉલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત તથા અંગ્રેજી સાથે બી. એ. થયા. 1939 સુધી ત્યાંની હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કરતાં એક વર્ષ ‘ડેઇલી મિરર’ નામે અંગ્રેજીમાં સમાચારપત્ર ચલાવ્યું. તે જ વર્ષથી મુંબઈમાં વસવાટ કર્યો અને ‘જન્મભૂમિ’ના તંત્રી-વિભાગમાં જોડાયા. 1948થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી થયા. 1950માં એ બંધ પડ્યું. 1951થી સાપ્તાહિક ‘સારથિ’ ચલાવ્યું અને પછીથી ‘નચિકેતા’ માસિક ચલાવ્યું.

એમણે 1924માં રવીન્દ્રનાથ ટાગોરના ‘મુક્તધારા’ નાટકના ગુજરાતી અનુવાદથી લેખનપ્રવૃત્તિ આરંભી. તે જ વર્ષમાં તેમનો ટાગોરનાં ‘મુકુટ’ અને ‘શરદુત્સવ’નો અનુવાદ ‘બે બાળનાટકો’ નામે પ્રગટ થયો. ‘ખાખનાં પોયણાં’ (1934), ‘આલબેલ’ (1935), ‘મહોબતને માંડવે’ (1942), ‘વૈશંપાયનની વાણી’ (ભાગ 1, 2) (1943, 1945), ‘પ્રેમધનુષ્ય’ (1944), ‘અહો રાયજી સુણિયે’ (1945), ‘કલ્યાણયાત્રી’ (1945), ‘મધ્યાહ્ન’ (1958), ‘રામ તારો દીવડો’ (1964), ‘શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ’ (1969), ‘હરિનાં લોચનિયાં’ (1969) અને ‘લાક્ષાગૃહ’ (1976) એમનાં કાવ્યસર્જનો છે. એમની કાવ્યસૃષ્ટિ વિષય અને આકારની ર્દષ્ટિએ વૈવિધ્યભરી છે. ‘ખાખનાં પોયણાં’નાં ખંડકાવ્યોમાં કાવ્યશક્તિનો પ્રારંભિક પરિચય થાય છે. ‘પ્રેમધનુષ્ય’ અને ‘અહો રાયજી સુણિયે’માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યો છે. ‘કલ્યાણયાત્રી’ એ ગાંધીજી વિશે પ્રશસ્તિયુક્ત ભાવે લખાયેલી કૃતિ છે. ‘મધ્યાહ્ન’નાં કાવ્યોમાં પ્રેમ અને જીવનની વિષમતા વ્યક્ત થાય છે. ‘રામ તારો દીવડો’માં ભક્તિકાવ્યો અને ‘શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ’માં શતકના સારાનરસા ભાવોને નિબદ્ધ કર્યા છે. ‘હરિનાં લોચનિયાં’ અને ‘લાક્ષાગૃહ’ દીર્ઘ પદ્યરચનાઓ ગાંધી-કૃષ્ણના જીવનની કરુણતા પર આધારિત છે. એમનાં કાવ્યોમાં સરળતા, સ્વાભાવિકતા અને હૃદયસ્પર્શિતા વરતાય છે.

કરસનદાસ માણેક

‘માલિની’ (1944), ‘રામ ઝરૂખે બૈઠકે’ (1966) અને ‘તરણાં ઓથે’ (1975)–એ એમના વાર્તાસંગ્રહો છે. તેમાંની વાર્તાઓમાં જીવનનાં સંઘર્ષમય અને કરુણમંગલ તત્ત્વો રજૂ થયાં છે. એમણે લાક્ષણિક શૈલીમાં ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓ આલેખી છે, જે ‘પ્રકાશનાં પગલાં’ (1945), ‘દિવ્ય વાર્તાઓ’ (1955), ‘અમર અજવાળાં’ (1959) અને ‘રઘુકુળરીતિ’(1963)માં સંગૃહીત છે. સિંધની કથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (1953) અને ‘સિંધુનું સ્વપ્ન’ અને ‘પ્રીતનો દોર’ (1965) નામે બે લઘુનવલો પણ એમની પ્રગટ થઈ છે. સરળ અને અસરકારક વાણીમાં લખાયેલી એમની આ વાર્તાઓ અનોખી ભાત પાડે છે.

એમણે ‘મહાભારત-કથા’ (ભાગ 1, 2, 3) (1972, 1973, 1974)માં મહાભારતકથાનું રસળતી વાણીમાં સંક્ષેપમાં પુન:કથન કર્યું છે, જે આસ્વાદ્ય હોવાથી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા પામ્યું છે. ‘આઝાદીની યજ્ઞજ્વાળા’(1943)માં એમણે 1857થી 1942 સુધીની ભારતની આઝાદીની લડતનો ચિતાર આપ્યો છે. ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (1959) નામે પરિચયપુસ્તિકા એમણે લખી છે. ‘કળીઓ અને કુસુમો’(1949)માં ચિંતનાત્મક લખાણો છે. એમના અધ્યાત્મદર્શનના લેખો ‘ગીતાવિચાર’ અને ‘હરિનાં દ્વાર’ (1979) એમના મરણ બાદ પ્રગટ થયા હતા. વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’(1963)માં સંકલન-સંપાદન કર્યું છે. તેમણે હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથનો અનુવાદ ‘ભર્તૃહરિનિર્વેદ’ (1958) નામે કર્યો છે. ઉમાશંકર આદિના સહયોગમાં એમણે ‘સાહિત્ય અને પ્રગતિ’ (1945) ગ્રંથનું સંપાદન કર્યું છે. એમનું સમગ્ર લેખનકાર્ય પ્રેમ, ભક્તિ, અધ્યાત્મ, રાષ્ટ્રપ્રેમ તથા તેમના સમકાલીન જીવનના ઘટનાપ્રવાહો જેવા વિષયોને આવરી લે છે.

મનોજ દરુ