માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે.
માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ તાપમાન અનુક્રમે 41°થી 44° સે. અને 26° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 700 મિમી. જેટલો પડે છે. સિંચાઈ માટે કૂવાઓ અને ટ્યૂબવેલ પર આધાર રાખવો પડે છે. માણસાની આસપાસના પ્રદેશમાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ, કઠોળ અને એરંડાના પાકો લેવાય છે. મોટાભાગની આ કૃષિપેદાશો માણસાના માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવે છે. માણસા નજીકનાં ગામો માટેનું ખરીદી માટેનું વેપારી મથક બની રહેલું છે. અહીં વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે વાણિજ્ય તેમજ સહકારી બૅંકોની શાખાઓની સુવિધા પણ છે. સહકારી મંડળી દ્વારા ધિરાણ, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ વગેરે પૂરી પાડવામાં આવે છે.
1991 મુજબ માણસાની વસ્તી 22,528 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 50.5 % અને 49.5 % જેટલું છે. દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 945 જેટલી છે. અહીં વિનયન, વિજ્ઞાન અને વાણિજ્યની કૉલેજ ઉપરાંત હાઈસ્કૂલો, પ્રાથમિક બાલમંદિરોની પૂરતી સગવડ છે. અહીં મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય પણ છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 53 % જેટલું છે. માણસા પાકા રસ્તાઓ દ્વારા કલોલ, વિજાપુર, હિંમતનગર અને અમદાવાદ સાથે જોડાયેલું છે. કલોલ–વિજાપુર રેલમાર્ગ પર આવેલું મકાખાડ માણસા માટે નજીકનું રેલમથક છે.
અહીં 1526માં બંધાયેલી એક વાવ છે. તે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવેલી છે. પ્રજા દ્વારા બાંધવામાં આવેલું મલાવ તળાવ પણ જાણીતું છે. સો વર્ષથી વધુ જૂનું સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર છે. આ ઉપરાંત વૈષ્ણવોની બે હવેલીઓ, ચાર શિવમંદિરો, ચામુંડા અને અંબાજી માતાનાં બે મંદિરો, દસ રામજીમંદિરો અને એક મસ્જિદ છે. શહેરની વચ્ચે બજારમાં 21 મીટર ઊંચાઈ ધરાવતું ઘડિયાળ સહિતનું એક ટાવર પણ છે.
1609માં વનરાજ ચાવડાના વંશજ સુરસિંહજીએ અંબાસણથી માણસા ખાતે તેની રાજધાની ફેરવી હતી. માણસાનું આ દેશી રાજ્ય વડોદરાના ગાયકવાડને રૂપિયા 11,754 ખંડણી પેટે આપતું હતું. વડોદરા રાજ્ય વાંટાની ઊપજ પેટે દર વર્ષે તેને રૂપિયા 8,500 આપતું હતું. આઝાદી બાદ દેશી રાજ્યોનું વિલીનીકરણ થતાં માણસા ઠાકોરને વાર્ષિક રૂપિયા 40,000 સાલિયાણું મળતું હતું, જે 28–12–1971થી પાર્લમેન્ટના ઠરાવ મુજબ મળતું બંધ થયું.
શિવપ્રસાદ રાજગોર