માણસાઈના દીવા

January, 2002

માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મેઘાણી-લિખિત ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા–પાટણવાડિયા કોમના બહારવટિયા–લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓનો સંગ્રહ. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલા તેમના વિવિધ અનુભવો અહીં ઝવેરચંદ મેઘાણીએ પ્રસંગકથારૂપે આલેખ્યા છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે બોલચાલના લય-લહેકા અને કથનશૈલી રવિશંકર મહારાજનાં જ રાખ્યાં છે. આમ છતાં પ્રસંગોની પસંદગી, એની ક્રમિક ગૂંથણી, એમાંથી ઉપસાવવામાં આવતું કેન્દ્રીય ચરિત્ર તથા ભાષામાં સર્જક મેઘાણીની લેખનશક્તિનો હૃદ્ય પરિચય પણ મળે છે.

‘માણસાઈના દીવા’માંની 17 અનુભવકથાઓ, ટૂંકી વાર્તાની ધાટીએ લખાયેલી છે. મહીકાંઠાની ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના માણસોના જીવનમાં ટમટમતા માણસાઈના દીવાથી રેલાતા અજવાળાની આ કથા છે. ચોરીને કશુંય અસ્વાભાવિક કે અનૈતિક કામ ન માનતા આ ભોળા, બરછટ અને ઊભડ લોકો મહારાજના એક મર્માળા વેણે ચોરી કે દારૂની લતમાંથી છૂટવા મથે છે. ‘હું આવ્યો છું બહારવટું શીખવવા’માં પોતે પણ ગાંધીમહાત્માની ટોળીનો બહારવટિયો છે અને અંગ્રેજ સરકાર સામે આપણે સાચું બહારવટું ખેડવાનું છે – એમ કહેતાં મહારાજની નિર્ભયતા પુસ્તકના પાને પાને પ્રગટે છે. ‘હાજરી’માંથી બહારવટું ખેડતી પ્રજાની હાજરી કઢાવવા 30થી 35 માઈલની હડિયાપટ્ટી કરતાં મહારાજ આખરે હાજરી કઢાવીને જ જંપે છે. ‘મારાં સ્વજનો’માં મહારાજ એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢાવી દેવાતાં અટકાવે છે. પાટીદાર જેવી મોટી કોમનો વિરોધ વેઠીનેય તેઓ માનવતા દાખવે છે. નિર્દોષને છોડાવતાં સાથે સાથે કેટલાક ગુનેગારોય છૂટી જાય છે. પણ મહારાજ એમની પાસે માફી મંગાવીને પાછા માણસ બનાવે છે. ‘શનિયાનો છોકરો’માં મહારાજ સડી ગયેલા ગરીબ છોકરાને જે રીતે ઉગારે છે તેમાં મહારાજનું સ્નેહ-કરુણાર્દ્ર ચારિત્ર્ય પમાય છે. ‘રોટલો તૈયાર રાખજે’માં એક અકસ્માત જીવનને કેવું તળેઉપર કરી દે છે એ વ્યક્ત થાય છે. ‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો ?’માં શાહુકારની ચોરવૃત્તિ અને ચોરીને વટ કે વ્યવસાય માનતા માણસની સહજ નિખાલસતા સ્પર્શી જાય તેમ નિરૂપાઈ છે. ‘‘જી’ બા’માં પતિને લૂંટને માર્ગેથી પાછો વાળી મહેનતની કમાણીથી જીવતો કરનાર સ્ત્રીનું ચરિત્ર ઉત્તમ રીતે પ્રગટે છે. તો અન્યાયનો ભોગ બનીને બહારવટે ચડેલો મોતી બારૈયો, હરાયા ઢોર જેવો ખોડિયો, બાળક જેવો નિષ્પાપ ચોર ગોકળ, ચોરીને પ્રભુદત્ત કર્તવ્ય માનનાર ફૂલો વાવેચો, કાળાં કરતૂતોની પરંપરા સર્જનારો બાબર દેવો વાચકચિત્તે ઊંડી છાપ ઉપસાવે છે.

આ બધાં વ્યક્તિચિત્રો કે પ્રસંગચિત્રો મહારાજના નિર્વ્યાજ સેવાસૂત્રમાં પરોવાયેલાં છે. નિ:સ્પૃહ, નિર્મળ, નિરહંકારી, નિર્ભય અને ઘસાઈને ઊજળા થતા જતા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ અહીં સાવ સહજતયા આલેખાય છે. આ કોમની જીવનર્દષ્ટિ અને જીવનશૈલી સુધરે એવી મહારાજની ઊંડી ભાવભીની લાગણી છે. ચોરી કે લૂંટનું સમાપન વિવશ શરણાગતિમાં પરિણમે એ એમને મન પૂરતું નથી, પણ પોતાને હાથે થયેલી ભૂલનાં પરિણામો ભોગવવા માણસે તૈયાર રહેવું જોઈએ એવા મૂલ્યને આ પ્રજામાં રોપવાની અને એ ફાલેફૂલે એવી એમની મથામણ છે.

‘પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ’ એવા ઉપશીર્ષકથી બહારવટિયાઓની આ ભૂમિ અને એનાં પાત્રોના પ્રત્યક્ષ પરિચય માટે રવિશંકર મહારાજ સાથે સર્જકે કરેલા 5 દિવસના પ્રવાસની રોમાંચક કથા છે. વિદ્યમાન પાત્રોના પરિચયની સાથે અહીં કેટલીક ખૂટતી કડીઓ પણ મળી આવે છે. બીજાં અનેક પાત્રોની સાથે અંધારા ઇલાકામાં જિવાતા જનજીવનની એક પૂર્ણ છબી અહીં પ્રત્યક્ષ થાય છે.

આ પુસ્તકમાં આઝાદીકાળની, ચરોતરની ગ્રામસૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે. એક વિરલ, વીસરાઈ રહેલું પ્રજાજીવન, ખેતીવાડી અને ચોરીખૂનના વિશેષ સંદર્ભો સાથે તાર્દશ થાય છે. તળપદ જીવનની વાસ્તવિકતા તથા સચ્ચાઈનું સ્વભાવોક્તિભર્યું આલેખન અહીં કળાત્મક રૂપમાં પ્રગટ થયેલું અનુભવાય છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં કાકા કાલેલકરે યોગ્ય રીતે જ આ પુસ્તકને સંસ્કૃતિસુધારનો કીમતી દસ્તાવેજ કહ્યો છે.

પારુલ કંદર્પ દેસાઈ