માડગૂળકર, વ્યંકટેશ દિગંબર

January, 2002

માડગૂળકર, વ્યંકટેશ દિગંબર (જ. 6 જુલાઈ 1927, માડગૂળ, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર તથા નવલકથાકાર. તેમની નવલકથા ‘સત્તાંતર’ માટે તેમને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઔપચારિક શિક્ષણ ઓછું હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને વાઙમયનો વ્યાસંગ કર્યો. જાતે અંગ્રેજી ભાષા શીખ્યા અને પાશ્ચાત્ય સાહિત્યનુ્ં વાચન કર્યું. વડીલ બંધુ અને મરાઠીના વિખ્યાત કવિ ગજાનન દિગંબર માડગૂળકરના પગલે પગલે સાહિત્યક્ષેત્રે તેમણે પોતાની સ્વતંત્ર પ્રતિભા ઉપસાવી. ‘અભિરુચિ’ માસિકની 1946ના વર્ષની વાર્તાહરીફાઈમાં ગંગાધર ગાડગીળ સાથે ‘કાળ્યા તોંડાચી’ વાર્તા માટે તેમને પ્રથમ ઇનામ મળ્યું. તેમની પત્રકાર તરીકે કારકિર્દી પણ યશસ્વી હતી. 1942ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે ભાગ લીધો હતો.

તેમણે 1949માં ગ્રામીણ જીવનનાં અસલ રેખાચિત્રો અને જીવંત દર્શનની પ્રતીતિ કરાવતો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માણદેશી માણસે’ પ્રગટ કર્યો. તેમણે કુલ 14 વાર્તાસંગ્રહો, 5 નવલકથાઓ, 5 નાટકો અને એક પ્રવાસકથા પ્રગટ કર્યાં છે. 1950માં તેઓ મુંબઈ આવ્યા અને મરાઠી ચિત્રજગતમાં પટકથાલેખન શરૂ કર્યું. તેમણે 17 ઉપરાંત ફિલ્મોની પટકથાઓ લખી છે.

તેમના અન્ય વાર્તાસંગ્રહોમાં ‘ગાવાકડચ્યા ગોષ્ઠિ’ (1951); ‘સીતારામ એકનાથ’ (1951) ‘હસ્તાચા પાઉસ’ (1953); ‘કાળી આઈ’ (1954) અને ‘જાંભળાચે દિવસ’ (1957) ઉલ્લેખનીય છે. એમાં તેમણે અદભુતતા, સ્વપ્નરંજન, કલ્પનારમ્યતાથી સજ્જ એવા વાસ્તવવાદી ગ્રામીણ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમના વાર્તાસંગ્રહોના ડેનિશ, જર્મન, જાપાની અને રશિયન જેવી જગતની વિવિધ ભાષાઓમાં અનુવાદો થયા છે.

તેમની નવલકથાઓમાં ‘પુઢચં પાઉલ’ (1950); ‘બનગરવાડી’ (1955); ‘વાવટળ’ (1964); ‘કોવળે દિવસ’ (1979); ‘કરુણાષ્ટક’ અને ‘સત્તાંતર’ (1982) નોંધપાત્ર છે. આ નવલકથાઓમાં કંગાલિયત, દુષ્કાળ, ઉત્સવ, રૂઢિ, પરંપરા, શ્રદ્ધા વગેરે ગ્રામીણ સામૂહિક જીવનનાં વિવિધ પાસાંઓને સુંદર રીતે વણી લેવામાં આવ્યાં છે. ‘બનગરવાડી’નો અંગ્રેજી અને ડેનિશ ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં પણ તેનો અનુવાદ મળે છે. ‘વાવટળ’, ‘કરુણાષ્ટક’ અને ‘કોવળે દિવસ’ આત્મચરિત્રસ્વરૂપની નવલકથાઓ છે.

‘તૂ વેડા કુંભાર’; ‘સતી’, ‘પતિ ગેલે ગં કાઠેવાડી’ નામનાં તેમનાં નાટકો વિશેષ ઉલ્લેખનીય છે. ‘કુણાચા કુણાલા ‘મેળ નાહી’ અને ‘બિનબિયાંચે ઝાડ’ નામનાં તેમનાં નાટકો ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. તેમની લલિત ગદ્ય-પ્રકારની કૃતિઓમાં ‘રાનમેવા’ (1978); ‘નાગઝિરા’, ‘પાંઢરી મેંઢરે હિરવી કુરણે’ (1979), ‘ચિત્રે આણિ ચરિત્રે’ (1983) મુખ્ય છે.

30 વર્ષ (1955–1985) સુધી તેમણે આકાશવાણી, પુણેમાં ગ્રામીણ કાર્યક્રમોના નિર્માતા તરીકે કામગીરી કરી હતી. 1953માં સોલાપુર અને 1974માં ગોવા ખાતે તેમણે પ્રાદેશિક સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ સંભાળ્યું. 1974–80 સુધી તેઓ મરાઠી નાટ્યકૃતિઓ માટે મહારાષ્ટ્ર સેન્સર બૉર્ડના સભ્ય રહ્યા. થોડાં વર્ષો માટે તેઓ મરાઠી સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય તથા 1983માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ હતા. ચિત્રકળા વિશે કોઈ ઔપચારિક શિક્ષણ લીધા સિવાય તેમણે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોની શૈલી વિશે સંશોધનગ્રંથ પ્રગટ કર્યો. તેમનાં અનેક પુસ્તકોને મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર મળ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘સત્તાંતર’માં તેમણે વાનરોનાં ટોળાંનું વીગતપૂર્ણ સૂક્ષ્મ ચિત્રણ કર્યું છે. એ દ્વારા માનવજગતની વૃત્તિ–પ્રવૃત્તિનું પ્રતીકાત્મક અને અર્થપૂર્ણ વિશ્લેષણ તેમાં મળે છે. તેથી મરાઠી સાહિત્યમાં એ કૃતિનું આગવું સ્થાન છે.

બળદેવભાઈ કનીજિયા