માડગૂળકર, ગ. દિ.

January, 2002

માડગૂળકર, ગ. દિ. (જ. 1 ઑક્ટોબર 1919, શેટેફળ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 14 ડિસેમ્બર 1977 પુણે) : મરાઠી કવિ, વાર્તાકાર, પટકથા-સંવાદલેખક અને ગીતકાવ્યોના રચયિતા. તેમનું આખું નામ ગજાનન દિગંબર માડગૂળકર હતું. સતારા જિલ્લાના માડગૂળ ગામના જમીનદાર પરિવારમાં જન્મ. મહારાષ્ટ્રમાં ‘ગ. દિ. મા.’ તરીકે ઓળખાતા.

1938થી માત્ર 19 વર્ષની ઉંમરથી તેઓ ફિલ્મ-ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. માસ્ટર વિનાયકના ‘હંસ પિક્ચર્સ’માં ગૌણ અભિનેતા તરીકે તેમણે અભિનયનો પ્રારંભ કર્યો. વ્હી. શાંતારામ અને બાબુરાવ પેઇન્ટરની ફિલ્મ ‘રામજોશી’(1946)માં સૌપ્રથમ પટકથા લખી અને અભિનય પણ કર્યો. આ અગાઉ 1941માં પહેલી વાર તેમણે વિશ્રામ બેડેકરના ‘પહિલા પાળણા’ માટે ગીતકાવ્યો લખ્યાં હતાં. 1942માં આઝાદીની ચળવળમાં પણ તેઓ જોડાયેલા.

1957માં તેમણે મુંબઈ આકાશવાણી માટે ‘ગીતરામાયણ’ રચ્યું, જે તેમના મિત્ર અને મરાઠીના ખ્યાતનામ સંગીત-દિગ્દર્શક સુધીર ફડકેએ ગાયું હતું અને તે લોકોમાં અતિપ્રિય થઈ પડેલું. પાછળથી 1970માં તેમણે કૃષ્ણનાં જીવન અને લીલાઓ અંગે એ જ શૈલીમાં ‘ગીતગોપાળ’ લખ્યું.

ગ. દિ. માડગૂળકર

તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં ‘સુગંધવીણા’ (1949); ‘જોગિયા’ (1956) અને ‘ચૈત્રવન’(1961)નો સમાવેશ થાય છે. તેમની કાવ્યરચના ગ્રામીણ પર્યાવરણ અને શહેરી અનુભવો પર આધારિત છે. તેમાં ભાવનાપ્રધાન નિરૂપણ અને નાટ્યાત્મક તત્ત્વનો લાક્ષણિક સ્પર્શ જોવા મળે છે. તેમનાં ગીતકાવ્યો કલ્પના-સૃષ્ટિથી ભરપૂર છે.

તેમણે રચેલાં નાટકોમાં ‘ચાર સંગીતિકા’ (1956); ‘દોન નૃત્યનાટિકા’ (1969); ‘ગીતસૌભદ્ર’ (કિર્લોસ્કરના ઉત્કૃષ્ટ નાટક ‘સંગીતસૌભદ્ર’નું વિસ્તરણ અને સંગીતમય નવસંસ્કરણ, 1968) તથા ‘કાવ્યકથા’ (1962) ઉલ્લેખનીય છે.

‘રામજોશી’ (1946) અને ‘દેવકીનંદન ગોપાળ’ (1977) દરમિયાન તેમણે 100થી વધુ મરાઠી હિંદી ફિલ્મો માટે પટકથાઓ લખી છે. ‘તીન ચિત્રકથા’ (1963) અને ‘રામજોશી’ (ગદીમ, 1969) તરીકે પ્રસિદ્ધ થયેલી આવી પટકથાઓ ચિત્રપટ-માધ્યમ પરના તેમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. આ પટકથાઓની સાહિત્યિક ગુણવત્તા પણ ઊંચી જોવા મળે છે. ‘માયાબાજાર’ જેવા પૌરાણિક, ‘ઉન-પાઉસ’ અને ‘પ્રપંચ’ જેવા સામાજિક અને ‘જશાસ તસે’ તથા ‘પુઢચેં પાઊલ’ જેવા ગ્રામીણ અનુભવો પર આધારિત તેમજ ‘પેડગાંવચે શહાણે’ અને ‘લાખાચી ગોષ્ટ’ જેવાં સુખાન્ત ચલચિત્રો તથા ‘રામજોશી’ અને ‘શાહીર પરશુરામ’ જેવા પ્રાચીન શાહીરના જીવન પર આધારિત પટકથાઓ તેમણે આપી છે. આ પૈકી ઘણી ફિલ્મોએ જયંતીઓ ઊજવી છે.

‘ચિત્રવન’માં તેમની સમગ્ર કૃતિમાંથી ચૂંટેલાં 278 ગીતકાવ્યો છે. ફિલ્મનાં સાહિત્યિક વિશિષ્ટતા અને ગુણવત્તાવાળાં ગીતકાવ્યો રચનાર કદાચ તેઓ પ્રથમ મરાઠી કવિ હતા. તેમાં લાવણી, ઓવી અને અભંગ તથા મરાઠી ઊર્મિકાવ્યોનાં ભાવગીતોનાં વિશિષ્ટ લક્ષણો પણ જોવા મળે છે. કેટલાક પાર્શ્વગાયકોએ ફિલ્મો માટે ગાયેલી તેમની પંક્તિઓ ઘેર ઘેર ગવાય છે.

તેઓ જાણીતા વાર્તાકાર પણ હતા. તેમના વાર્તાસંગ્રહોમાં ‘લોપલેલા ઓઘ’ (1952); ‘બોલકા શંખ’ (1960); ‘ક્રિષ્ણાચી કરંગળી’ (1962); ‘બાંધાવરલ્યા બાભળી’ (1963); ‘થોરલી પાતી’ (1963) અને ‘તુપાચા નંદાદીપ’ (1966) નોંધપાત્ર છે.

તેમની નવલકથા ‘આભાળાચી ફળે’ (ફિલ્મ ‘પ્રપંચ’નો આધાર, 1960) અને ‘ઊભે ધાગે, આડવે ધાગે’(1972)માં તેમની વાર્તાઓની જેમ નાટ્યાત્મક લક્ષણો જોવા મળે છે. આમ શુદ્ધ સાહિત્યિક લખાણોમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ‘ઔન્ધેચા રાજા’ તેમનાં રેખાચિત્રોનો અને ‘બામનાચા પત્રા’ હળવા નિબંધોનો સંગ્રહ છે. તેમના બાળપણના મુશ્કેલ સંજોગો દર્શાવતી આત્મકથારૂપ કૃતિ ‘મન્તરલેલે દિવસ’ (1962) ઉલ્લેખનીય છે. વળી ‘તિળ આણી તાંદુળ’ (1980) તેમનો અન્ય રસપ્રદ રેખાચિત્રસંગ્રહ છે. ‘હેલ્લો, મિસ્ટર ડેથ’ નામની તેમની કૃતિ મૃત્યુના મુકાબલાની પૂર્વચેતવણી તાર્દશ કરે છે. 1969માં તેમની 50મી વર્ષગાંઠના પ્રસંગે પ્રસિદ્ધ કરેલ ‘ગદિમા સાહિત્ય નવનીત’માં તેમનાં લખાણોનો સર્વોત્તમ ભાગ સંકલિત કરાયો છે. તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપવામાં આવ્યો હતો, તેઓ મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના સભ્ય હતા. યવતમાળ ખાતે 1973માં આયોજિત મરાઠી નાટ્ય સંમેલનના પ્રમુખપદે તેઓ ચૂંટાયા હતા.

બળદેવભાઈ કનીજિયા