માડાગાસ્કર : આફ્રિકા ખંડનો એક દેશ. આફ્રિકા ખંડના પૂર્વ કિનારા નજીક મોઝામ્બિકની ખાડીથી અલગ પડતો હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 12°થી 26° દ. અ. અને 43° થી 50° 30´ પૂ. રે. વચ્ચેના 5,87,041 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એક વિશાળ ટાપુથી તેમજ નજીક આવેલા બીજા ઘણા નાના નાના ટાપુઓથી બનેલો છે અને આફ્રિકા ખંડના મુખ્ય ભૂમિભાગથી અગ્નિકોણમાં આશરે 400 કિમી. અંતરે આવેલો છે. વિશાળતામાં દુનિયાભરના મોટા ટાપુઓ પૈકી તે ચોથા ક્રમે આવે છે. એન્ટાનાનારિવો તેનું મોટામાં મોટું શહેર તથા પાટનગર છે.

ભૂપૃષ્ઠ : ઉત્તર માડાગાસ્કરની ભૂમિ ફળદ્રૂપ જમીનોવાળી છે. અહીં આવેલા પર્વતોને કારણે તે અન્ય નાના ટાપુઓથી અલગ પડી જાય છે. માડાગાસ્કરના પૂર્વભાગમાં કિનારાને સમાંતર આશરે 1,500 કિમી. લાંબી ગિરિમાળા ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તેરલી છે. ભારતની સહ્યાદ્રિ પર્વતમાળા પણ 1,500 કિમી. લાંબી છે. એમ કહેવાય છે કે માડાગાસ્કરની ગિરિમાળા અને ભારતના સહ્યાદ્રિ પર્વતો એકબીજાનાં પૂરક છે, સમલક્ષણી ગણાય છે. પશ્ચિમ માડાગાસ્કરમાં વિશાળ કદનાં મેદાનો, ફળદ્રૂપ નદીખીણો તેમજ પહોળી કંઠારભૂમિ જોવા મળે છે. પૂર્વ કિનારાનું મેદાન સાંકડું છે, ખરાબાના વિસ્તારો આવેલા છે. અહીં ઉદભવતાં વાવાઝોડાં વહાણોને નુકસાન કરી જાય છે. મહાવેલોના અને ફેરાફંગાના વચ્ચેના પૂર્વ કિનારાની ધાર પર અમ્પાનલાનાની નહેર છે, કિનારાના વિસ્તારમાં અવરજવર માટે વહાણો તેનો ઉપયોગ પણ કરે છે. દક્ષિણ માડાગાસ્કરના મધ્ય ભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે. કિનારા નજીકની આબોહવા ગરમ, ભેજવાળી રહે છે; જ્યારે ટાપુનો દક્ષિણ છેડો મોટે ભાગે રણની પરિસ્થિતિ ધરાવે છે. ત્યાંની આબોહવા ગરમ અને સૂકી રહે છે. મધ્ય માડાગાસ્કરમાં 610થી 1,200 મીટરની ઊંચાઈવાળા પ્રદેશો તથા કેટલાક તેથીયે વધુ ઊંચાઈવાળા પર્વતો આવેલા છે. જમીનોનું ધોવાણ થયેલું છે. અહીં વનનાશ થવાથી પ્રદેશ વૃક્ષો વગરનો બની રહેલો છે; તેમ છતાં આ વિસ્તારમાં ગીચ વસ્તી જોવા મળે છે. અહીંના ઊંચાણવાળા ભાગો પ્રમાણમાં ઠંડા રહે છે. પાટનગર એન્ટાનાનારિવોમાં તાપમાન 13°થી 19° સે. વચ્ચેનું રહે છે. કૉમોરોસ ટાપુ સિવાય આ વિસ્તારમાં પ્રાણીઓ કે વનસ્પતિ ખાસ જોવા મળતાં નથી; માત્ર વાનરો જેવાં લેમુર પ્રાણીઓ અહીંનાં મુલકી પ્રાણીઓ છે.

કૃષિક્ષેત્રે વિકસિત માડાગાસ્કરનું એક ગામ

અર્થતંત્ર : દેશના 80 % લોકો ખેડૂતો કે ભરવાડો છે. તેઓ ઢોર પાળે છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, આ ઉપરાંત કેળાં, કૉફી, કસાવા અને શકરિયાંનું અહીં વાવેતર થાય છે. કૉફીની અહીંથી નિકાસ થાય છે. માડાગાસ્કર દુનિયાભરમાં વધુમાં વધુ કુદરતી વેનિલા અને લવિંગનું ઉત્પાદન કરે છે. નિકાસ થતી અન્ય વસ્તુઓમાં ખાંડ અને સિસલ છે. સિસલનો ઉપયોગ વણેલી દોરી કે સૂતળીનો વળ જાળવી રાખવામાં થાય છે. ક્રોમાઇટ, ગ્રૅફાઇટ તેમજ કેટલાંક અર્ધકીમતી ખનિજોનું ખનન પણ થાય છે. અહીં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. ચામડાં, માંસ, સિસલ અને ખાંડ પર પ્રક્રિયા કરી તેની નિકાસ કરતા નાના પાયા પરના ઉદ્યોગો છે. યુ. એસ. અને જાપાન ખાતે તેની નિકાસ થાય છે. જરૂરી ચીજવસ્તુઓની આયાત તે રશિયા, જર્મની અને કતારથી કરે છે.

માડાગાસ્કરનાં મુખ્ય શહેરો અને નગરો આંત્સરાના, રોઆમાસીના, ઍન્ટેનૅનરીવો, ફિયાનારાન્ત્સોઓ અને તોલિયારી છે. આ બધાં સડકમાર્ગોથી જોડાયેલાં છે, પરંતુ ઘણાખરા માર્ગો કાચા છે. આ માર્ગો વર્ષાઋતુ દરમિયાન ઉપયોગમાં લઈ શકાતા નથી. અહીંનાં મુખ્ય શહેરો ‘એર માડાગાસ્કર’ દ્વારા હવાઈ સેવાથી સંકળાયેલાં છે. એન્ટાનાનારિવો ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ આવેલું છે. મહાજંગા અને તોઆજાસિના અહીંનાં મુખ્ય બંદરો છે. અહીંથી છ જેટલાં દૈનિકપત્રો બહાર પડે છે, પરંતુ સરકાર તેમાં છપાતી માહિતી પર અંકુશ પણ રાખે છે.

માડાગાસ્કરનું લોકશાહી પ્રજાસત્તાક

લોકો : વસ્તી 1.35 કરોડ (1994) માડાગાસ્કરમાં બે લોકસમૂહો જોવા મળે છે. એક આફ્રિકી અશ્વેત વંશીઓનો અને બીજો ઇન્ડોનેશિયાઈ વંશીઓનો. અહીંના મોટાભાગના નિવાસીઓ ખેડૂતો કે ભરવાડો છે. આફ્રિકી અશ્વેતોનો સમૂહ મોટો છે, તેઓ દરિયાઈ કાંઠાવિસ્તારોમાં રહે છે; જ્યારે ઇન્ડોનેશિયાઈ લોકો દેશના મધ્ય ભાગમાં તેમજ દક્ષિણમાં મધ્યના ઊંચાણવાળા વિસ્તારોમાં રહે છે. આ બંને સમૂહો વચ્ચે રાજકીય સંઘર્ષ ચાલ્યા કરે છે. સરકાર પર આફ્રિકી અશ્વેતોનું વર્ચસ્ છે. ઇન્ડોનેશિયન વંશનો સમૂહ ‘મેરિના’ તરીકે ઓળખાય છે. તેઓ વધુ શિક્ષિત છે. તેમને આફ્રિકી અશ્વેતોનું પ્રભુત્વ પસંદ ન હોવાથી વિરોધ દર્શાવતા રહે છે.

ફ્રેન્ચ અને માલાગાસી દેશની સત્તાવાર ભાષાઓ છે. દેશમાં માલાગાસી ભાષા બોલાય છે. તે મલય અને ઇન્ડોનેશિયન ભાષાઓને મળતી આવે છે. 50 % લોકો ખ્રિસ્તી છે, 5 % મુસ્લિમ છે. બાકીના કિનારે વસતા લોકો સ્થાનિક આફ્રિકી ભાષાઓનો ઉપયોગ કરે છે. તેઓ પૂર્વજો તેમજ પ્રેતાત્માઓને પૂજે છે. અહીં ઢોરનું બલિદાન આપવાની સામાજિક પ્રથા છે. તેઓ કૌટુંબિક કબરો પર તેમના રીતરિવાજો અનુસાર પ્રસંગોની ઉજવણી કરે છે.

માડાગાસ્કરના ઘણાખરા લોકો યુરોપિયન ઢબનો પોશાક પહેરે છે, તેમ છતાં દક્ષિણ તરફની છૂટીછવાઈ આદિવાસી જાતિઓ ઓછામાં ઓછાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. તેમનાં મોટાભાગનાં ઘર ઈંટોથી બનાવેલાં, એક કે વધુ મજલાનાં તેમજ છાપરાં, ઘાસ કે નળિયાંથી સજાવેલાં હોય છે. લોકો તેમના ખોરાકમાં ભાત, શાકભાજી, ફળો અને ક્યારેક માંસ-માછલી લે છે. દેશના 55 % લોકો શિક્ષિત છે, બીજા કેટલાક લખીવાંચી જાણે છે. લગભગ બધાં જ બાળકો પ્રાથમિક શાળામાં જાય છે, પરંતુ પ્રત્યેક નવ વિદ્યાર્થી પૈકી માત્ર એક જ વિદ્યાર્થી માધ્યમિક શાળા સુધી પહોંચે છે. માડાગાસ્કર યુનિવર્સિટીમાં આશરે 37,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વહીવટ : આ દેશમાં લોકશાહી પદ્ધતિ અમલમાં છે. લોકો રાજ્ય ધારાસભાના સભ્યો અને પ્રમુખની ચૂંટણી કરે છે; તેમ છતાં સરકાર પર લશ્કરનું જ પ્રભુત્વ રહે છે. કેન્દ્ર દેશની બધી જ સ્થાનિક સરકારો પર કાબૂ ધરાવે છે. દેશને કુલ 6 પ્રાંતોમાં વહેંચેલો છે. પ્રાંતોના પણ વિભાગો અને પેટાવિભાગો પાડવામાં આવેલા છે.

ઇતિહાસ : ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંથી 15મી સદી સુધીના ગાળામાં ઇન્ડોનેશિયન લોકો ક્રમે ક્રમે અહીં આવીને વસેલા છે. તેમની વસ્તી માડાગાસ્કરના મધ્યભાગમાં વધુ જોવા મળે છે. અરેબિયા અને આફ્રિકામાંથી જેઓ આવ્યા તેઓ કાંઠાના વિસ્તારોમાં વસ્યા છે. અહીં વિકસેલાં ઘણાં સામ્રાજ્યો પૈકી 19મી સદીની શરૂઆતમાં મેરિના સામ્રાજ્યે મોટાભાગના ટાપુ પર વર્ચસ્ જમાવેલું.

17મી અને 18મી સદીમાં માડાગાસ્કર કુખ્યાત બનેલા કૅપ્ટન વિલિયમ કિડ તેમજ તેના જેવા દરિયાઈ ચાંચિયાઓ માટેનું ખૂબ જ અનુકૂળ મથક બની રહેલું. ત્યારપછી તે ગુલામોના વેપારીઓ માટેનું સ્થળ બન્યું હતું. 19મી સદીની શરૂઆતમાં તે અહીંના મેરિના સામ્રાજ્યનો એક ભાગ બનેલું. 1886માં તે ફ્રેન્ચોના હાથમાં ગયું અને આખુંય માડાગાસ્કર ફ્રેન્ચ વસાહત બની રહ્યું. 1960માં તે ફ્રાન્સના તાબામાંથી સ્વતંત્ર બન્યું. ત્યારથી 1975 સુધી માલાગાસી પ્રજાસત્તાક તરીકે ઓળખાતું હતું, પરંતુ પછીથી ફરીથી તેનું ‘માડાગાસ્કર’ નામ અપાયું. તેનું સત્તાવાર નામ ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ માડાગાસ્કર છે.

ગિરીશભાઈ પંડ્યા