માજિદ જહાંગીરખાન

January, 2002

માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ દરમિયાન તેઓ આક્રમક ઝડપી-મધ્યમ ગોલંદાજ બની રહ્યા હતા, પણ તેમનું ‘ઍક્શન’ શંકાસ્પદ બની રહ્યું હતું. પ્રસંગોપાત્ત, તેઓ ઑફ-સ્પિન ગોલંદાજી પણ કરતા, પણ તેમની બૅટિંગનો સતત વિકાસ થતો રહ્યો. પાકિસ્તાનના ઇંગ્લૅન્ડ-પ્રવાસ પ્રસંગે તેમણે ગ્લૅમરગન સામે 89 મિનિટમાં અણનમ 147 રન (એમાં 13 તો છક્કા હતા) નોંધાવી સામેની ટીમને એટલી પ્રભાવિત કરી કે એ ટીમે માજિદખાનને કરારબદ્ધ કરી લીધા અને ત્યાં તેમણે 9 વર્ષની કારકિર્દી ખૂબ સફળતાપૂર્વક પૂરી કરી. 1973–76 દરમિયાન એ કાઉન્ટીનું કપ્તાનપદ સંભાળ્યું. 1970–72થી કેમ્બ્રિજ ખાતે વિદ્યાર્થી હતા અને 2 વર્ષ એ સંસ્થાનું કપ્તાનપદ સફળતાપૂર્વક સંભાળ્યું.

તેમના પિતા (ડૉ.) જહાંગીરખાન (1910–88) 1930ના દાયકાના ભારતના એક સારા ઝડપી ગોલંદાજ હતા. તેઓ 4 ટેસ્ટ રમ્યા હતા. તેમના ભત્રીજા જાવેદ બર્કી અને ઇમરાનખાને પાકિસ્તાનનું કપ્તાનપદ સંભાળ્યું હતું. 1973માં માજિદખાને પણ ઇંગ્લૅન્ડ સામે 3 ટેસ્ટમાં કપ્તાનપદ સંભાળ્યું હતું.

તેમનો કારકિર્દી–આલેખ આ પ્રમાણે છે :

(1) 1964–83  63 ટેસ્ટ : 38.92ની સરેરાશથી 3,931 રન; સદી 8; સૌથી વધુ જુમલો 167; 53.92ની સરેરાશથી 27 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 4–45; 70 કૅચ.

(2) 23 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 37.42ની સરેરાશથી 786 રન; 1 સદી; સૌથી વધુ જુમલો 109; 28.76ની સરેરાશથી 13 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 3–27; 3 કૅચ.

(3) પ્રથમ કક્ષાની મૅચ 1961–68 : 43.01 રનની સરેરાશથી 27,444 રન; 73 સદી; સૌથી વધુ જુમલો 241; 32.14ની સરેરાશથી 223 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 6–67; 410 કૅચ.

મહેશ ચોક્સી