માછલીનું તેલ : માછલીના દેહમાંથી મળતું ચરબીયુક્ત તેલ. સામાન્ય રીતે તે ખોરાક તરીકે તેમજ રંગ તથા વાર્નિશ ઉદ્યોગમાં શુષ્કન તેલ (drying oil) તરીકે અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે.

હૅલિબટ, રૉકફિશ, મુસી (dog-fish) તથા સૂપફિન શાર્કનાં યકૃતતેલ (liver oil) વિટામિન Aના મહત્વના સ્રોતો છે. ટ્યૂના, બાંગડા (mackerel), છૂરિયો (saw fish) જેવી માછલીઓના યકૃતતેલમાં કૉડ-લિવર તેલ કરતાં સોગણું વધુ વિટામિન A તથા Dનું પ્રમાણ હોય છે. તારલી (sardine), મેનહાડૅન, મેંદેલી (anchovy) તથા હેરિંગના તેલનો ઉપયોગ ખોરાક તરીકે, ચર્મ ઉદ્યોગમાં તથા રંગ અને વાર્નિશ ઉદ્યોગમાં થાય છે. ડૉલ્ફિન તથા પૉપૉર્ઇઝ જેવા સસ્તન જળચરના શરીર તથા જડબામાંથી મળતું તેલ નાજુક યંત્રોમાં ઊંજણ તેલ તરીકે વપરાય છે.

માછલીના દેહમાં 0.6 %થી 30 % સુધી તેલ હોય છે, જે સામાન્ય રીતે તેના સમગ્ર વજનના 20 % જેટલું હોય છે. મુખ્યત્વે તે ટ્રાઇગ્લિસરાઇડ સ્વરૂપમાં હોય છે. અન્ય પ્રાણીઓમાંથી મળતા તેલને મુકાબલે આ તેલમાં ચરબીજ ઍસિડનું પ્રમાણ ઘણું વધુ હોય છે. સામાન્ય રીતે માછલીના તેલમાંથી મળી આવતા ચરબીજ ઍસિડો પૈકી ત્રીજા ભાગનામાં 4થી 6 દ્વિબંધ હોય છે. કાર્બનની 22 પરમાણુ શૃંખલા(C22)વાળા ચરબીજ ઍસિડમાં 6 દ્વિબંધ તથા (C20)વાળા ચરબીજ ઍસિડમાં 5 દ્વિબંધ હોય છે; જે કુલ કાર્બનસંખ્યાના 20 % કે તેથી વધુ થાય છે. સંપૂર્ણ સંતૃપ્ત ચરબીજ ઍસિડ પણ આ તેલમાં ગણનાપાત્ર પ્રમાણમાં (સામાન્ય રીતે 25 %થી 40 %) હોય છે, જેમાં મિરીસ્ટિક ઍસિડ (C16)નું પ્રમાણ વધુ હોય છે. એકી સંખ્યાવાળી શૃંખલાવાળા ચરબીજ ઍસિડ (C15, C17, C19) પણ સારા એવા પ્રમાણમાં હોય છે અને મલેટ જેવી માછલીના તેલમાં તો તે કુલ તેલના 10 % જેટલા પ્રમાણમાં હોય છે.

માછલીના તેલમાંના ચરબીજ ઍસિડનો આયોડિન આંક 130થી 180 વચ્ચે હોય છે, જે મોટાભાગના અન્ય ચરબીજ ઍસિડ કરતાં ઘણો વધુ ગણાય. માછલીના તેલમાં રહેલા અતિ-અસંતૃપ્ત (poly-unsaturated) ચરબીજ ઍસિડમાં કોલેસ્ટેરૉલ ઘટાડવાની ક્ષમતા ઘણી ઊંચી હોય છે અને સામાન્ય ભોજનમાં ઓછા પ્રમાણમાં માછલીનું તેલ લેવામાં આવે તોપણ તેની કોલેસ્ટેરૉલ ઘટાડવાની ક્ષમતા અસરકારક જણાય છે. સામાન્ય રીતે માછલીના કલેજા(યકૃત)માં તેલનું પ્રમાણ માંસલ તેલ(flesh oil)ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓછું માંસલ તેલ ધરાવતી જાતિઓ વધુ યકૃત તેલ ધરાવે છે. તેથી ઊલટું વધુ માંસલ તેલ ધરાવતી માછલીઓ યકૃત તેલ ઓછું ધરાવે છે.

કૉડલિવર તેલ (કૉડ માછલીના યકૃતનું તેલ) : આની ઉપયોગિતા વિટામિનોની શોધ અગાઉ જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. અગાઉના વખતમાં તો મૃત કૉડ માછલીને પીપમાં ભરી તેને સડવા દેતા, જેથી તેમાં રહેલું તેલ ઉપરના સ્તર તરીકે છૂટું પડે. હવે કૉડ તથા હૅલિબટ માછલીના (Gadus morrhua તથા અન્ય Gadidae કુળની આટલાન્ટિક સાગરમાં થતી માછલીઓના) યકૃત તથા અન્ય ભાગોને ઉકાળવામાં આવે છે, જેથી ઉપર એક છારી (scum) વળી જાય છે. આમાં 30 મિનિટ લાગે છે. તે પછી પાંચ મિનિટ માટે તેને ઠરવા દઈ નિતારી લેવામાં આવે છે. આ તેલને જો દવાઓમાં વાપરવાનું હોય તો ગાળી રંગ ઉડાડી દઈ, ઠંડું પાડી દેવામાં આવે છે (winterized). આ તેલમાં વિટામિન A તથા D ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે. હલકી કક્ષાનાં તેલને ચર્મ-ઉદ્યોગમાં તથા મરઘાંના ખાદ્ય તરીકે વાપરવામાં આવે છે. અન્ય એક રીતમાં મોટા નળામાં પાણીમાં કૉડ તથા હૅલિબટનાં યકૃત ભરી તેમાં વરાળ પસાર કરીને તાપમાન 70°–80° સે. જેટલું લઈ જતાં તેલ છૂટું પડે છે, જે પછી શુદ્ધ કરીને વપરાય છે. ઔષધ તરીકે તે કૅલ્શિયમ તથા ફૉસ્ફરસ ચયાપચય પ્રક્રિયા સુધારવા માટે વપરાય છે. વિટામિન Dની ઊણપથી થતા રિકેટ્સ, ઇન્ફન્ટાઇલ ટિટેની (અપતાનિકા) (tetany) તથા અસ્થિમૃદુતા (osteomelacia) જેવા રોગમાં આ તેલ અસરકારક જણાયું છે.

કૉડ-લિવર તેલનું ઉત્પાદન કરતા દેશો નૉર્વે, જાપાન, આઇસલૅન્ડ તથા પોલૅન્ડ છે. કૉડ માછલીના તાજા લિવરને વરાળ, પાણી, ઍસિડ કે આલ્કલી સાથે ઉકાળીને તે મેળવાય છે.

રાસાયણિક રીતે તેમાં બહુ-અસંતૃપ્ત ચરબીજ ઍસિડનું પ્રમાણ વધુ હોય છે. જો તેલ હવામાં ખુલ્લું રહે તો તેમાંના ઍસિડનું ઉપચયન થઈ વિકૃતગંધિતા (rancidity) આવે છે તથા વિટામિન Aનું અપઘટન થાય છે. તે ઘણાં ચરબીજ ઍસિડના મુખ્યત્વે ઑલિક ઍસિડ, ગૅડોલિક ઍસિડ તથા પામિટૉલિક ઍસિડના–ગ્લિસરાઇડનું મિશ્રણ હોય છે.

શાર્કલિવર તેલ : મગરા (nurse shark), મુસી (grey shark), છૂરિયો (saw fish), ભૂથર (guitan fish) જેવી જાતિની શાર્ક માછલીના કલેજામાંથી આ તેલ કાઢવામાં આવે છે અને તેમાં કૉડ કે હૅલિબટ માછલીના તેલ કરતાં વિટામિન A તથા D વધુ પ્રમાણમાં હોય છે.

વહેલઑઇલ (વહેલનું તેલ) : વહેલ એક સસ્તન પ્રાણી છે. તેના મેદસ્તર(blubber)માંથી તેલ મેળવાય છે. સાબુ ઉદ્યોગમાં તથા ફાનસમાં બળતણ તરીકે તે અગાઉ વપરાતું. હવે મોટાભાગનું વહેલનું તેલ માર્જરીન બનાવવામાં, રાંધવામાં તેમજ રંગ અને વાર્નિશ ઉદ્યોગ તથા છાપવાની શાહી બનાવવાના ઉદ્યોગમાં વપરાય છે. તેમાં ગંધક ઉમેરી ઊંચા દબાણે કામ કરવાની ક્ષમતા ધરાવતું ઊંજણતેલ બનાવાય છે. સખત બની ગયેલા તેલને ટેક્સ્ટાઇલ સાઇઝિંગમાં તથા મીણની બનાવટોમાં વાપરવામાં આવે છે. તેમાંના ચરબીજ ઍસિડોને લીધે તે સાબુ બનાવવામાં તથા ચરબીજ આલ્કોહૉલને લીધે સૌન્દર્ય-પ્રસાધનોમાં વપરાય છે.

આ તેલ બનાવવા માટે વહેલના શરીરમાંથી મેદસ્તર (blubber) છૂટું પાડી ખુલ્લામાં ઉકાળવામાં આવે છે. ઉત્તમ પ્રકારનું તેલ સૌપ્રથમ છૂટું પડે છે, જે ગંધવિહીન, આછા પીળા રંગનું હોય છે તથા તેમાં મુક્ત સ્થિતિમાં ચરબીજ ઍસિડ નહિવત્ હોય છે. સતત વધુ ઉકાળતાં મધ્યમ પ્રકારનું તેલ મળે છે અને જો બાકી રહેલા કચરાને દબાણ હેઠળ ઉકાળવામાં આવે તો નિમ્ન પ્રકારનું તેલ મળે છે. આ બધા પ્રકારનાં તેલોને અપકેન્દ્રણ (સેન્ટ્રિફ્યુજ) દ્વારા સ્વચ્છ બનાવી સંગ્રહ કરતા પહેલાં શુષ્ક બનાવાય છે. આ તેલને વસા(ચરબી)(lard)ની અવેજીમાં તથા સાબુ-ઉદ્યોગમાં વાપરવામાં આવે છે. વહેલ માછલીના તેલમાં C14 થી C20વાળા અસંતૃપ્ત ચરબીજ ઍસિડ હોય છે, જેમાં છ જેટલા દ્વિબંધો હોય છે.

મોટા પાયે ઉત્પાદન માટે કલેજાને આલ્કલી સાથે ઉકાળ્યા બાદ તે દ્રાવણનું યોગ્ય દ્રાવક દ્વારા નિષ્કર્ષણ કરવામાં આવે છે. વહેલના મેદસ્તરમાં તેના વજનના 50 %થી 80 % જેટલું તેલ હોય છે. જ્યારે અન્ય હાડકાંઓમાં 10 %થી 70 % જેટલું અને માંસમાં 2 %થી 8 % જેટલું તેલ હોય છે.

સ્પર્મ તેલ : સ્પર્મેસિટી વહેલમાંથી મળતું ઝાંખું પીળું પ્રવાહી મીણ. સ્પર્મવહેલના મસ્તકમાંના પોલાણ તથા મેદસ્તર(તિમિવસા, blubber)માંથી નીકળતું આ તેલ હવે ઊંજણતેલ તરીકે વપરાય છે. સ્પર્મવહેલનું માથું તેની લંબાઈના 13 ભાગ જેટલું હોય છે. અને તેમાં લગભગ 50 બૅરલ તેલ ભરેલું હોય છે [1 બૅરલ = 159.11 લીટર]. સ્પર્મવહેલના મસ્તકનું કદ લગભગ 2,273 લીટર પ્રવાહી-ક્ષમતા ધરાવે છે. સાગરની ઊંડાઈના કારણે ઉદભવતા ઊંચા દબાણથી વહેલના મર્મ(vital)અવયવોને રક્ષણ આપવા કુદરતે આવી રચના કરી છે. તે વહેલના ‘સોનાર’ અવયવ તરીકે વર્તે છે. આ આખો અવયવ મેદસ્તર સાથે ઉકાળવાથી તેમાંથી અપરિષ્કૃત (crude) સ્પર્મતેલ મળે છે. તેમાંથી સ્પર્મેસિટી મીણ મેળવાય છે. સ્પર્મતેલને જમાવી ઘટ્ટ કરી શકાય છે. શુદ્ધ સ્પર્મતેલ હાઇસ્પીડ મશીનરીમાં ઊંજણતેલ તરીકે તથા ટેક્સ્ટાઇલ લુબ્રિકેશન માટે વપરાય છે.

જ. પો. ત્રિવેદી