માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી

January, 2002

માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ વર્ષો તેમણે કાશ્મીરમાં વિતાવ્યાં. તેમણે વિવિધ કવિઓની 50થી 60 હજાર ચૂંટેલી કાવ્યપંક્તિઓ પર આધારિત એક કાવ્યસંગ્રહ રચ્યો છે, જેને ‘બુતખાના’ નામ આપવામાં આવ્યું છે. 1612માં અબ્દુલ લતીફ અબ્દુલ્લાહ અલ-અબ્બાસીએ આ કૃતિમાં કવિઓના વિસ્તૃત જીવનપ્રસંગો ઉમેરી તેને તઝકિરા(કવિઓના જીવનપ્રસંગો)નું સ્વરૂપ આપ્યું હતું. એ રીતે તેનું નવું નામ ‘ખુલાસતુશ-શોઅરા’ આપવામાં આવ્યું. ગુજરાતના નિવાસ દરમિયાન આ કવિએ ફારસીના પ્રસિદ્ધ કવિ નઝીરી નિશાપુરી(તેઓ એ સમયે અમદાવાદમાં રહેતા હતા.)નો સંપર્ક સાધી તેમની સાથે મિત્રતા કેળવી હતી. તેમની સાથે કાવ્યશાસ્ત્ર પર તેઓ અનેક વાર ચર્ચા કરતા હતા.

મુલ્લા મુહમ્મદ સૂફી ખાસ કરીને તેમના ‘સાકીનામા’ની રચના માટે જાણીતા છે. તઝકિરા(જીવનચરિત્રાવલી)ના લેખકોની નોંધ પ્રમાણે શહેનશાહ જહાંગીરે તેમને કાશ્મીર તેડાવ્યા હતા. શાહની ઇચ્છાનુસાર તેઓ કાશ્મીર જવા રવાના થયા, પરંતુ માર્ગમાં જ તેમનું અવસાન થયું.

મુહમ્મદ સૂફીએ કાવ્યનાં તમામ સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. કસીદા, ગઝલ, મસ્નવી અને રુબાઈના એક બહુશ્રુત સર્જક તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ સુંદર રુબાઈસર્જક પણ છે. ગઝલ અને કસીદા કાવ્યો કરતાં તેઓ પોતાની કૃતિ ‘સાકીનામા’થી વધારે પ્રસિદ્ધ થયા છે. તેમની રુબાઈઓ પણ બહુ જાણીતી છે. તેમની સાદી અને સરળ કાવ્યશૈલીમાં ભવ્યતા સમાયેલી છે.

ઈસ્માઈલ કરેડિયા