માકવારી ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં, ટાઝમાનિયાથી અગ્નિકોણમાં આશરે 1,500 કિમી. અંતરે તથા દ. ન્યૂઝીલૅન્ડ ટાપુ અને ઑકલૅન્ડ ટાપુથી નૈર્ઋત્યકોણમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 30´ દ. અ. અને 158° 56´ પૂ. રે. પર આવેલો આ ટાપુ આશરે 170 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 34 કિમી. અને લઘુતમ પહોળાઈ 3 કિમી જેટલી છે. આ ટાપુ ઑસ્ટ્રેલિયાની પ્રાદેશિક સીમાની બહાર છે અને ટાઝમાનિયાની સત્તા હેઠળ છે. 1911માં ધ્રુવીય અભિયન્તા ડગલાસ મૉવસને તેમના ઍન્ટાર્ક્ટિક અભિયાન માટે અહીં એક રેડિયો-મથક સ્થાપેલું છે. મૉવસન મથકના આ સ્થળ પર ઑસ્ટ્રેલિયન નૅશનલ ઍન્ટાર્ક્ટિક રિસર્ચ એક્સ્પિડિશન(ANARE)નું એક કેન્દ્ર પણ આવેલું છે. આ સંશોધન-મથકમાં હોય તે સિવાય અહીં અન્ય કોઈ વસ્તી નથી.

ગિરીશભાઈ પંડ્યા