માઇમોજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને લેગ્યુમિનોસી (ફેબેસી) કુળનું ઉપકુળ ગણે છે. ફેબેસી કુળનાં પૅપિલિયોનૉઇડી, સીઝાલ્પિનીઑઇડી અને માઇમોજોઈડી ઉપકુળોને ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ અનુક્રમે પૅપિલિયોનેસી, સીઝાલ્પિનિયેસી અને માઇમોજેસી નામનાં અલગ કુળની કક્ષામાં મૂકે છે. આ ત્રણેય કુળ પૈકી માઇમોજેસીને સૌથી આદ્ય ગણવામાં આવે છે.
માઇમોજેસી કુળ 5 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત 40 પ્રજાતિઓનું બનેલું છે અને ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં થાય છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં Calliandra (150 જાતિઓ), Acacia (350 જાતિઓ), Pithecellobium (100 જાતિઓ) અને Mimosa(350 જાતિઓ)નો સમાવેશ થાય છે. ભારતમાં આ કુળની લગભગ 87 જેટલી જાતિઓ થાય છે. બાવળ (Acacia nilotica), શિરીષ (Albizzia lebbek), ગોરસ આમલી (Pithecellobium dulce), ચંદુફળ (Parkia biglandulosa), સમી (Prosopis specigera) અને લજામણી (Mimosa pudica) આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.
આ કુળની મોટાભાગની જાતિઓ ક્ષુપ કે વૃક્ષ, ક્વચિત્ આરોહી (climbers) કે બહુવર્ષાયુ (perennial) શાકીય હોય છે. તેની ઘણી જાતિઓ શુષ્કોદભિદ (xerophyte) છે. પર્ણો એકપિચ્છાકાર કે દ્વિ પિચ્છાકાર, સંયુક્ત, કંટકીય ઉપપર્ણોવાળાં અને એકાંતરિક હોય છે. પર્ણિકાઓ ‘નિદ્રારૂપ હલનચલન’ (sleep movements) દર્શાવે છે. લજામણી (Mimosa) અને જલલજામણી(Nepuntia)ની પર્ણિકાઓ સ્પર્શસંવેદી હોય છે. ઑસ્ટ્રેલિયન બાવળ(Acacia auriculaeformis અને A. melanoxylon)ના પર્ણદંડો લીલા અને ચપટા બની દાંડીપત્ર(phyllo clade)માં રૂપાંતર પામી પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
પુષ્પવિન્યાસ અપરિમિત શુકી (spike) કે મુંડક (head) પ્રકારનો હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, પૂર્ણ, અધોજાય (hypogynous), ચતુરવયવી કે પંચાવયવી અને અદંડી હોય છે. વજ્ર 4 કે 5 યુક્ત કે મુક્ત વજ્રપત્રોનું બનેલું, ધારાસ્પર્શી (valvate) અને અધ:સ્થ (inferior) હોય છે. દલપુંજ 4 કે 5 મુક્ત કે યુક્ત દલપત્રોનો બનેલો, ધારાસ્પર્શી અને અધ:સ્થ હોય છે. પુંકેસરચક્ર 10 કે અસંખ્ય મુક્ત પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો લાંબા, બહિર્ભૂત (extrose), ઘણી વાર રંગીન અને ગ્રંથિવાળા હોય છે; જેથી કીટકો તેની તરફ આકર્ષાય છે. શિરીષ(Albizzia)માં તલભાગેથી પુંકેસરો જોડાયેલા હોય છે. લજામણીમાં માત્ર 4 પુંકેસરો જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર એક-સ્ત્રીકેસરી (monocarpellary), ઊર્ધ્વસ્થ (superior) બીજાશયનું બનેલું હોય છે. તે એકકોટરીય ધારાવર્તી (marginal) જરાયુવિન્યાસ ધરાવે છે. આ જરાયુ વક્ષ સીવને (ventral-suture) ઉદભવે છે. તેના ઉપર અંડકો બે એકાંતરિક હરોળમાં ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની લાંબી અને પાતળી હોય છે અને તે ટોચ ઉપર સાદું અને સૂક્ષ્મ પરાગાસન ધરાવે છે. ફળ મણકામય શિંબી (lomentum) કે સર્પાકાર જોવા મળે છે. Entada gigasનું ફળ લગભગ 1.2 મીટર જેટલું લાંબું અને 10 સેમી.થી 15 સેમી. જેટલું પહોળું હોય છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) હોય છે.
આ કુળ આર્થિક ર્દષ્ટિએ ઘણું ઉપયોગી છે. બાવળ(Acacia nilotica)નું કાષ્ઠ બળતણ માટે અને કૃષિનાં સાધનો, હોડીઓ, તંબૂઓના ખીલાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ગુંદર સ્થાનિક ઔષધોની બનાવટમાં અને રંગકામ અને કાપડ ઉપર છાપકામમાં વપરાય છે. તેની લીલી પાતળી શાખાઓનો દાતણ તરીકે ઉપયોગ થાય છે. છાલ ચર્મશોધન(tanning)માં અને રંગકામમાં ઉપયોગી છે. તેનાં કુમળાં પર્ણો અને લીલાં ફળો બકરીઓ માટેનો શ્રેષ્ઠ ચારો ગણાય છે. ખેર બાવળ(A. catechu)માંથી કાથો મેળવવામાં આવે છે. ઑસ્ટ્રેલિયન બાવળ (A. moniliformis), શિરીષ (Albizzia lebbek) Calliandra, Enterolobium saman), લજામણી (Mimosa pudica), ચંદુફળ (Parkia biglandulosa), ગોરસ આમલી (Pithecellobium) વગેરે આ કુળની જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. Entada gigas ઔષધ-વનસ્પતિ છે.
આ કુળ રોઝેસી સાથે નિકટતા દર્શાવે છે અને તે અધોજાયી પુંકેસરો, એકસ્ત્રીકેસરી સ્ત્રીકેસર-ચક્ર અને ફળની પ્રકૃતિ દ્વારા રોઝેસીથી સહેલાઈથી જુદું પડે છે.
બળદેવભાઈ પટેલ