માઇબૉરોડા, જ્યૉર્જી (જ. ? પોલ્ટાવા, યુક્રેન) : પ્રસિદ્ધ યુક્રેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણથી જ યુક્રેનના લોકસંગીત અને લોકવાદ્યોનો ઊંડો શોખ. ક્રેમેચન્ગ ઇન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી સોવિયેત પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે નિપ્રોગેસ (Dnieproges) પ્રૉજેક્ટમાં કામ કર્યું. આ દરમિયાન 1939માં કવિ શૅવ્યેન્કોના કાવ્ય ‘લિલેયા’ (‘Lileya’) પરથી તે જ નામના સિમ્ફનિક કાવ્યની રચના કરી, જેને સમગ્ર સોવિયેત સંઘમાં ખાસ્સી પ્રસિદ્ધિ મળી. માઇબૉરોડાને સંગીતની વિધિવત્ તાલીમ લેવાની તક કદી મળી નહિ. 1964માં શૅવ્યેન્કોની 150મી જન્મજયંતી નિમિત્તે શૅવ્યેન્કોના જીવન પર અંશત: આધારિત ઑપેરા ‘તારાસ શૅવ્યેન્કો’ની રચના કરી. તેને પણ લોકચાહના મળી. તેમના અન્ય ઑપેરા ‘મિલાના’ (1957), ‘એર્સેનલ’ (1960), ‘યારોસ્લાવ, ધ વાઇઝ’ (1975) રશિયન, બેલોરશિયન અને યુક્રેનિયન ઇતિહાસની કથાઓ પર આધારિત છે.

અમિતાભ મડિયા